‘અમદાવાદ ઇતિહાસ અને અનુસંધાન’ (1930-2013)ના સંપાદકો ડો. ભારતી શેલત અને ડો. રસેશ જમીનદાર છે. 532 પાનાના આ દળદાર ગ્રંથમાં અમદાવાદના અખબારોની ગતિવિધિઓ લેખમાં ડો. સોનલ ર. પંડ્યા લખે છે,
“22મી એપ્રિલ, 1986ના રોજ અનામત-વિરોધી આંદોલન સામે ચાલતાં તોફાનો સમયે ઉભી થયેલી રાજકીય ખટપટના પગલે ગુજરાત સમાચાર દૈનિકને આગ ચાંપવામાં આવી. તંત્રી-માલિકનો બચાવ થયો. આ બધાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, છતાં અંતે ગુજરાત સમાચાર વધુ મજબૂત બન્યું.”
નેરેટિવ પર ચાલે છે આજની દુનિયા.
ડો. સોનલ ર. પંડ્યા ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા છે. એમના આ નેરેટિવને મીડીયા સાથે સંકળાયેલા અસંખ્ય લોકો પ્રમાણભૂત ગણશે.
પરંતુ, આ નેરેટિવ તદ્દન ખોટું છે. એમાં ભારોભાર અપરકાસ્ટ બાયસ છે. દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગોના બંધારણીય અધિકારો છીનવવા માટેના હિંસક પ્રયાસોને આ નેરેટિવ સમર્થન આપે છે.
'અનામત-વિરોધી આંદોલન સામે ચાલતા તોફાનો' - આ શબ્દ-ઝૂમખું તમને એવું સૂચવે છે કે અનામત-વિરોધી આંદોલન કેટલાક નિર્દોષ લોકોએ ન્યાયી, સમતા-મૂલક સમાજરચનાના નિર્માણ માટે છેડેલું ક્રાંતિકારી, પ્રગતિશીલ આંદોલન હતું. આંદોલનકારીઓ સમાજના છેવાડાના માણસ માટે પોતાનું જીવન કુરબાન કરવા નીકળેલા કર્મશીલો હતા. અને આવા મહાન આંદોલન સામે (કેટલાક સ્થાપિત હિતો) તોફાનો કરાવતા હતા.
1981 અને 1985ના અનામત-વિરોધી આંદોલનો વાસ્તવમાં અનામત-વિરોધી હૂલ્લડો હતા. 1981માં અમદાવાદમાં સાત દલિતોની હત્યાઓ થઈ, બાર દલિતો પોલિસ ગોળીબારમાં માર્યા ગયા અને બાવીસ ગામોમાં દલિતોનો સામાજિક-આર્થિક બહિષ્કાર થયો અને દેત્રોજ અને ઉત્તરસંડા જેવા ગામોમાં તો દલિતોના ઝૂંપડા સળગાવવામાં આવ્યા.
આને આંદોલન કઈ રીતે કહેવાય?
1981માં મીડીયાની ઝેરીલી ભૂમિકાને તપાસવા એડિટર્સ ગીલ્ડની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ અમદાવાદ આવેલી અને તેમણે ક્રુકેડ મીરર (અપ્રમાણિક અરીસો) નામનો ઐતિહાસિક રીપોર્ટ બહાર પાડેલો.
તેમાં ખોંખારીને કહેલું કે ગુજરાત સમાચાર અને સંદેશે જાણી બૂઝીને દલિતોના વિરુદ્ધમાં ખોટા, અતિશયોક્તિપૂર્ણ અને વિકૃત સમાચારો છાપ્યા હતા.
ડો. સોનલ પંડ્યા લખે છે કે ગુજરાત સમાચાર મજબૂત બન્યું. સાચી વાત છે. ગુજરાતની અપર કાસ્ટમાં અનામત-વિરોધી ગુજરાત સમાચાર એક હીરો તરીકે પ્રસ્થાપિત થયું.
પરંતુ, એક સંવેદનશીલ, જાગૃત, મીડીયા પ્રહરી તરીકે ડો. સોનલ પંડ્યા તેમની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા છે, એમણે ઇતિહાસ ખોટો લખ્યો છે, એનો આ લેખ જીવતો જાગતો પુરાવો છે.
સેક્યુલર ભૂવો ગમે તેટલું ધૂણે પણ નાળિયેર તો પોતાના ઘર ભણી જ ફેંકે.
---
સ્રોત: ફેસબુક
Comments