વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. આ કડવી ગોળી છે, પણ ખાવી પડે એમ છે. જ્યારે પોતાનું રાજપાટ ૩૦૩માંથી નીચે આવીને ૨૪૦ પર વેતરાઈ ગયું ત્યારે તેમની પાસે વડા પ્રધાન નહીં બનવાનો અને કોઈનીય સામે નહીં ઝૂકવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઝોળી ઉઠાવીને જતા રહેવાની જગ્યાએ પદને વ્હાલું ગણ્યું તો સાંભળવું તો પડશે અને મનમાની પણ નહીં કરી શકાય. સ્વમાનપૂર્વક જતા રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારીને પોતાનાં સ્વમાન સાથે તેમણે પોતે સમાધાન કર્યું છે.
રાજકારણમાં બધું જ શક્ય છે અને જો એ લોકશાહી દેશ હોય અને એમાં પણ ભારત જેવો સંસદીય લોકશાહી દેશ હોય તો બધું જ શક્ય છે. ૨૦૦૦ની સાલમાં કોઈએ કલ્પના પણ કરેલી કે નરેન્દ્ર મોદી ભારતના અત્યંત લોકપ્રિય નેતા અને વડા પ્રધાન બનશે? ત્યારે તેઓ પક્ષની અંદર હાંસિયામાં પણ માંડમાંડ જગ્યા મેળવતા હતા. ૨૦૧૦ પહેલાં કોઈએ કલ્પના પણ કરી હતી કે અણ્ણા હજારે ભારતની પ્રજાના અંતરાત્માનો અવાજ અને રખેવાળ બનશે? ગાંધીજી અને જયપ્રકાશ નારાયણની પંક્તિમાં લોકોએ તેમને બેસાડી દીધા હતા. કોણ જાણે કેમ, પણ અચાનક અણ્ણાનાં મોઢામાં પતાસું આવી ગયું અને એ પણ એટલું મોટું કે તે ખાવું મુશ્કેલ બની ગયું. એટલે જ્યાં પ્રજાકીય સ્પન્દનો માટે મોકળાશ હોય એવા લોકશાહી દેશમાં આવું બને. લોકો કોઈના પણ ગળામાં વરમાળા પહેરાવી દે અને છીનવી પણ લે. વરસ પહેલા શ્રીલંકામાં ત્યાંના એક સમયના લોકપ્રિય નેતા સાથે જે બન્યું એ યાદ હશે.
માટે નરેન્દ્ર મોદીએ પહેલી વાત તો એ ગાંઠે બાંધી લેવી જોઈએ કે તેઓ હવે રાજા નથી. હા, શાસક જરૂર છે, પણ લોકતાંત્રિક માનમર્યાદાઓના બંધનો સાથે.
રાહુલ ગાંધી પપ્પુ નથી એ બીજી તેમને માટે અવશ્ય કડવી પણ રોકડી વાસ્તવિકતા સ્વીકારવી પડે એમ છે. રાહુલ ગાંધીએ પ્રચંડ વિપરીત સંજોગોમાં પોતાને સ્થાપિત કર્યા છે. સંઘર્ષ કરીને અને હકથી. સંજોગો એટલા વિપરીત હતા કે આજે કલ્પના કરો તો ધ્રુજી ઉઠીએ. તેમની વિરુદ્ધ અપપ્રચાર કરવામાં અને ઠેકડી ઉડાડવામાં કાંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું. હજારો લોકો અબજો રૂપિયાના બજેટ સાથે આ કામ કરતા હતા. તમે ક્ષણભર પોતાને રાહુલની જગ્યાએ કલ્પો. કોઈ કાચોપાચો માણસ ગાંડો થઈ જાય કે આત્મહત્યા કરી લે કે પછી ભાગી જાય. પ્રચાર એવો પ્રબળ અને વ્યુહાત્મક હતો કે નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ રાહુલના નામનું નાહી નાખ્યું હતું. દેશને નરેન્દ્ર મોદીના વિકલ્પની જરૂર છે, પણ રાહુલ વિકલ્પ બની શકે એમ નથી એમ તેઓ કહેતા હતા. આવા પ્રચંડ વિપરીત સંજોગોની વચ્ચે એ માણસ સ્થિર ઊભો રહ્યો, એ માણસે સ્વસ્થતા જાળવી રાખી, એ માણસે માણસાઈ જાળવી રાખી, ક્યારેય કોઈના વિષે એલફેલ બોલ્યો નથી, ગુસ્સામાં ભડાસ કાઢી નથી, કોંગ્રેસનું ડૂબતું વહાણ છોડીને ઉંદર નાસવા લાગ્યા, કેટલાકને ખરીદી લેવામાં આવ્યા; પણ એ માણસ ટસનો મન ન થયો. રણભૂમિમાં એકલો ઊભો રહ્યો.
રાહુલ ગાંધીનું નહીં તૂટવું અને ટકી રહેવું એ કેટલાક લોકો માટે આશાનું કારણ છે અને કેટલાક લોકો માટે હતાશાનું કે નિરાશાનું કારણ છે. તોડવા માટે આખા બ્રહ્માંડની તાકાત લગાવી અને ઇચ્છનીય પરિણામ ન મળ્યું. હવે તેમને કોઈ પપ્પુ કહેતું નથી અને જો કોઈ કહે છે તો કહેનારાને લોકો હસી કાઢે છે. જે લોકો ઊઘાડી આંખે દુનિયા જોતા નથી કે જોતા ડરે છે તેમને ખબર નથી કે દુનિયા હવે નરેન્દ્ર મોદીને અને રાહુલ ગાંધીને કઈ રીતે જુએ છે.
તો બે કડવી હકીકત ગાંઠે બાંધી લેવી પડે એમ છે. એક એ કે નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. અને આ જો વાસ્તવિકતા છે તો નરેન્દ્ર મોદી પાસે શો વિકલ્પ બચે છે? જવાબ સ્પષ્ટ છે; રાજામાંથી લોકશાહી દેશનો શાસક બનવાનો. માનમર્યાદા પાળનારો અને સવાલોનો જવાબ આપનારો. આ પરિવર્તન આસાન નથી. કેમેરા સામે અલગ અલગ પોઝ આપવા સહેલા છે, માંયલો બદલવો એ અઘરું કામ છે. હમણાં લોકસભામાં આની પ્રતીતિ થઈ ગઈ અને એ અપેક્ષિત હતી. વડા પ્રધાને તેમનાં ભાષણમાં રાહુલ ગાંધીએ અને વિરોધ પક્ષના અન્ય સભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓનો એક એક કરીને જવાબ આપવાની જગ્યાએ એ જ જૂનો ઠેકડી ઉડાડવાનો માર્ગ અપનાવ્યો. હવે એ દિવસો ગયા જ્યારે ઠેકડીને પ્રતિસાદ મળતો હતો. લોકસભાની ગઈ ચૂંટણીમાં ઠેરઠેર સર્વત્ર એકધારી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડી અને પરિણામ સામે છે.
નરેન્દ્ર મોદીએ હજુ એક વાત સમજી લેવી જોઈએ. જો તેમની સરકારે પહેલી અને બીજી મુદત દરમ્યાન કોઈ મહાન કામ કર્યાં હોત અને સામાન્ય લોકો જો બેપાંદડે થયાં હોત તો લોકો તેમની રાજાશાહી અને વિરોધીઓની ઐસીતૈસી કરનારી અને ઠેકડી ઉડાડનારી રાજકીય શૈલીને કદાચ એક વખત સ્વીકારી પણ લેત. ગમે તેવી રાજકીય શૈલી હોય, મને લાભ થઈ રહ્યો છે ને! એટલે આ ત્રીજી મુદતમાં બદલાયેલા કદમાં શાસનના મોરચે કામ કરવું પડે એમ છે. પણ તેમનાં ભાષણમાં લોકોના પ્રશ્નો અને તેના ઈલાજ વિષે ખાસ કોઈ વાત તેમણે નહોતી કરી. ૧૩૫ મિનીટના ભાષણમાં વિકાસની આખી એક રૂપરેખા રજૂ કરી શકાય અને વાહવાહ રળી શકાય. બરાક ઓબામાનું ૨૦૦૮ની સાલનું વિજય ભાષણ સાંભળી જુઓ. એક કલાક માંડ બોલ્યા હશે અને તેમાં નવા અમેરિકાની આખી રૂપરેખા રજૂ કરી દીધી હતી. હજુ એ ભાષણને યાદ કરવામાં આવે છે અને ટાંકવામાં આવે છે. કોઈનીય ઠઠ્ઠામશ્કરી તેમણે નહોતી કતી. નરેન્દ્ર મોદી પણ ભારતના ભવિષ્યનું નવું પ્રકરણ રજૂ કરી શક્યા હોત. પણ એની જગ્યાએ ઠેકડી અને નિંદા!
હજુ પણ કાંઈ બગડી નથી ગયું. હજુ તો ત્રીજી મુદતના શાસનની શરૂઆત થઈ છે. આખાં પાંચ વરસ હાથમાં છે. બસ, મનોમન માત્ર બે સંકલ્પ કરી લે: હવે હું રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી.
---
સ્રોત: ફેસબુક
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor