નિવૃત્ત સનદી અધિકારી, વિદ્યાવ્યાસંગી, ઉ.ગુ.યુનિ.ના સ્થાપક-કુલપતિ, 'વહીવટની વાતો'ના લેખક અને અસંખ્ય સુભાષિતોનો પ્રાસાદિક ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્યાપુરુષ કુલીનચંદ્ર યાજ્ઞિકનું હાલમાં ૯૭ વર્ષની વયે અવસાન થયું.
તેમની સાથેનો પરિચય હસિત મહેતા થકી થયેલો. નડિયાદ જવાનું થાય ત્યારે વખતોવખત તેમને મળવાનું બને. તેમને આંખે સાવ ઓછું દેખાતું હોવાથી તેમની સમક્ષ જઈને નામ બોલતાં જ તેઓ ઉષ્માપૂર્વક હાથ પકડી લે અને વાત શરૂ કરે. આવો અનુભવ મારા જેવા અનેકને થયો હશે.
હસિત મહેતાને લઈને ઉર્વીશ અને હું પણ તેમને 'કુલીનકાકા' કહીને સંબોધતા. દોઢેક વર્ષથી નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે સંકળાવાનું બન્યું, જે કુલીનકાકાના નિવાસસ્થાનની બિલકુલ પાસે. એ પછી તેમની સાથેનો પરિચય વધુ ગાઢ થતો ગયો. એનું એક કારણ એટલે 'સ્ટડી સર્કલ' યાનિ 'ગૃપ ડિસ્કશન', જેને અમારા મિત્રો 'જી.ડી.'ના ટૂંકા નામે ઓળખે છે.
એનો પરિચય આપવાથી કુલીનકાકાની દૃષ્ટિનો પરિચય મળી રહેશે. કુલીનકાકાનું નિવાસસ્થાન નાગરવાડામાં આવેલી 'અચાભાઈની ખડકી'માં. બસોએક વરસ જૂનું, અસલ નાગરી શૈલીનું મકાન. વચ્ચોવચ્ચ ચોક, જેમાં તેઓ ખુરશી નાખીને બેઠા હોય. પણ ખુરશી પર બેસી રહેવું તેમને ગમે?
2013થી તેમણે 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર'માં દર ગુરુવારે સાંજના છ વાગ્યે નિયમીતપણે આવવાનું શરૂ કર્યું. તેમની વય ત્યારે ૮૭ની આસપાસ. આશય એ જ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવો. અગાઉ તેઓ 'ઉ.ગુ.યુનિ.'ના કુલપતિ હતા ત્યાં તેમણે 'બુધવારિયું'નો સફળ પ્રયોગ કરેલો. તેઓ પોતે વિદ્યાર્થીઅવસ્થામાં મુમ્બઈ હતા ત્યારે એક પ્રાધ્યાપક પોતાને ઘેર વિદ્યાર્થીઓને બોલાવતા. અમદાવાદમાં 'કુમાર'નું 'બુધવારિયુંં' બહુ જાણીતું. કુલીનકાકાના મનમાં આ મોડેલ બરાબર બેસી ગયેલું. એ કોઈ પણ વારે યોજાય, તેનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખીને સંવાદ સાધતા રહેવાનો. આવી એક પરંપરા આરંભવી કેટલી અઘરી રહી હશે! ક્યારેક બે વિદ્યાર્થીઓ પણ આવે, તો ક્યારેક દસ-પંદર પણ આવે! વિદ્યાર્થીઓ ગમે એટલા આવે, કુલીનકાકા અચૂક ગુરુવારના સાંજના છ વાગ્યે હાજર હોય, અને જેટલા વિદ્યાર્થીઓ આવેલા હોય એમની સાથે સંવાદ સાધે. ધીમે ધીમે, ખાસ કશા પ્રચાર વિના આ પ્રવૃત્તિ પ્રસરતી ચાલી. અહીં આવતા વિદ્યાર્થીઓને કશું પણ પૂછવાની આઝાદી. વક્તવ્ય હરગીઝ નહીં, અને કોઈનું નહીં. ઉર્વીશ કોઠારી એ લખ્યું છે એમ એ એક આખા યુગનું પ્રતિનિધિત્વ કરતા હતા.
હસિત મહેતા અને કુલીનકાકા બન્નેને એકમેક માટે અનન્ય પ્રેમ. એ બન્નેના સંવાદ સાંભળવાની મજા આવે. હસિત અવનવાં આયોજનો વિચારે, અમલી કરે, અને એમાં કુલીનકાકાની સક્રિય સંમતિ તેમજ સમર્થન હોય.
કોવિડના સમયગાળાને બાદ કરતાં આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલતી રહી. વચગાળામાં તેઓ અનેક વખત ઉપરના દરવાજે દસ્તક દઈ આવ્યા, અને દરેક બિમારી પછી ફિનિક્સ પંખીની જેમ નવેસરથી બેઠા થતા.
2022ના અંતથી મારું જોડાણ 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે થયું ત્યારે હસિતભાઈએ 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવા અને આગળ વધારવાની વાત કરી. કારણ એ કે કુલીનકાકાની તબિયત નરમગરમ રહેવા લાગી હતી. ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં હું દાખલ થયો. એ વખતે હસિત મહેતા, કુલીનકાકાના દીકરા નીરજ કે યાજ્ઞિક તેમજ પ્રો. આશિષ શાહ સંકળાયેલા જ હતા. (પ્રો. આશિષ શાહ કુલીનકાકાના કુલપતિકાળના 'બુધવારિયા'ના સભ્ય) શરૂમાં અમે સૌએ ગુરુવારના વારા બાંધ્યા, પણ ઝડપથી એ વારા ભૂલાવા લાગ્યા. અલબત્ત, કુલીનકાકા પોતે હાજર અવશ્ય રહે. તેઓ હાજર પણ રહે, અને શ્રોતા પણ બની રહે. તેઓ પોતે ગુરુવારની સાંજની રાહ જોતા હોય, ઝાંખી દૃષ્ટિ છતાં ક્યારેક ચાલતા ચાલતા 'સ્મૃતિમંદીર' આવી જાય તો ક્યારેક અમારો કોઈક સભ્ય તેમને પોતાના ટુવ્હીલર પર લઈ આવે. સૌ યુવાન સભ્યોના એ પ્રિય 'દાદા', અને કુલીનકાકા પણ સૌને નામથી બોલાવે.
આ ઉપરાંત દર મહિનાના પહેલા રવિવારે ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં યોજાતા 'ગ્રંથના પંથ'માં હાજર રહેવાતું ત્યાં સુધી કુલીનકાકા હાજર રહ્યા. પણ આ કાર્યક્રમમાં આવનાર વક્તાને તેમને મળવાનું આકર્ષણ અવશ્ય હોય. મીનાલ દવે આવેલાં ત્યારે, કે રતિલાલ બોરીસાગર આવ્યા ત્યારે તેમને કુલીનકાકાને મળવા લઈ જવાની અને તેમની વાતોના સાક્ષી બનવાની ભૂમિકા મારે ભાગે આવેલી. વધુમાં અન્ય કોઈ પણ મુલાકાતી 'સ્મૃતિમંદીર'ની મુલાકાતે આવે એટલે શક્ય હોય ત્યાં સુધી કુલીનકાકાને મળવાનું ગોઠવાયું જ હોય. હવે સરસ મિત્ર બની રહેલા નીતિન કુમાર પટેલ અને નવીન પટેલ તેમજ ભરૂચથી આવેલા રણછોડ શાહ કે વડોદરાથી આવેલાં ભાનુબહેન દેસાઈ, અમદાવાદથી આવેલા પિયુષ એમ પંડ્યા અને સંજીવન પાઠક સહિત સૌ કોઈ મુલાકાતીને તેઓ હોંશથી મળે, અનેક વાતો ઉખેળે. તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન અનેક લોકોના પરિચયમાં તેઓ આવેલા હોય એટલે ક્યાંંક ને ક્યાંક ઓળખાણો નીકળે જ. તેમની મુલાકાતે આવનાર ઊભા થાય એટલે નાદુરસ્તી છતાં કુલીનકાકા ઊભા થાય અને થોડું ચાલીને એમને વિદાય આપે. આ તમામ મુલાકાત દરમિયાન નીરજભાઈ હાજર જ હોય. ક્યાંક કુલીનકાકાની વાતનો તંતુ સ્મૃતિને કારણે તૂટે તો નીરજભાઈ એ તરત જ સાંધી આપે.
બેએક મહિના અગાઉ તેમની તબિયત વધુ બગડી ત્યારે સૌએ વિચાર્યું કે 'સ્ટડી સર્કલ' પહેલો અડધો-પોણો કલાક 'સ્મૃતિમંદીર'માં કરીએ અને એ પછી કલાકેક એમને ઘેર જઈને કરીએ. ગુરુવારની એ બે સાંજ બહુ યાદગાર બની ગઈ. વચ્ચોવચ્ચ ચોકમાં ખુરશી નાખીને બેઠેલા કુલીનકાકા અને તેમને વીંટળાઈ વળેલા યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું દૃશ્ય આંખ ઠારે એવું હતું. આ તેમની કમાણી હતી.
'સ્ટડી સર્કલ'નો આરંભ તેમણે કર્યો એટલા પૂરતા એમ કહી શકાય કે એના કેન્દ્રમાં તેઓ હતા. હવે વિદાય સાથે તેઓ કેન્દ્રમાંથી ખસીને પરિઘમાં આવી ગયા. તેમના અંતિમ સંસ્કાર પછી એક સ્થળે ભેગા થયેલા સૌ મિત્રોએ નક્કી કર્યું કે 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવી, આગળ વધારવી એ જ એમને અપાયેલી સાચી અંજલિ હોઈ શકે.
---
*સ્રોત: ફેસબુક
टिप्पणियाँ