ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે અનેક શરમજનક ઘટનાઓ બની છે : [1] બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરવામાં આવી. [2] ગીર સોમનાથ જિલ્લામાં પોતાની 14 વર્ષની દિકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દિકરીને 2 કલાક આગ પાસે ઉભી રાખી, બાદમાં દાઝેલી દિકરીને 4-5 દિવસ સુધી ખેતરમાં જ ભૂખી-તરસી બાંધીને રાખી મોત નિપજાવ્યું. [3] અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી 70 વર્ષિય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી. [4] સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દિકરીની જીંદગી બરબાદ કરી નાંખી. [5] ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરવામાં આવી.
રેશનાલિસ્ટ અને જાગૃત નાગરિક અશ્વિન કારીઆએ અને તેમની ટીમે; અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો ઘડવા, 2007થી 2024 દરમિયાન 500 કરતા વધુ પત્રો ગવર્નર/ મુખ્યમંત્રી/ મિનિસ્ટર્સ/ MLA/MP/ કલેકટર્સને લખ્યા છતાં કંઈ ફરક ન પડ્યો. પરંતુ અંધશ્રદ્ધાના કારણે અત્યાચારો/ છેતરપિંડીની અનેક ઘટનાઓથી હચમચી જઈ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના વડા અશ્વિન કારીઆ અને ગિરિશ સૂંઢિયાએ છેવટે જાન્યુઆરી-2024માં હાઈકોર્ટમાં પીટિશન કરી. હાઈકોર્ટે 12 જુલાઈ 2024ના રોજ, સરકારને લેખિત સૂચના આપી; આખરે 21 ઓગષ્ટ 2024ના રોજ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બન્યો છે.
મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો 2013થી છે. 25 ફેબ્રુઆરી 2006ના રોજ પુણેમાં આ બિલ સામે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન અને હિંદુ જનજાગૃતિ સમિતિએ વાંધો ઊઠાવ્યો હતો કે ‘બિલ પોલીસને માત્ર શંકાના આધારે સર્ચ, જપ્તી, ધરપકડ કરવાની સત્તા આપે છે. ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને દૈવી શક્તિને સ્વીકારતું નથી.’ 20 ઓગસ્ટ 2013 ના રોજ, આ બિલના અગ્રણી નરેન્દ્ર દાભોલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. જબરજસ્ત ઊહાપોહ થયો. જેથી 21 ઓગસ્ટ 2013ના રોજ મહારાષ્ટ્ર સરકારે આ બિલને વટહુકમ તરીકે મંજૂર કર્યું હતું. 4 સપ્ટેમ્બર 2013 ના રોજ, વટહુકમના કારણે પોલીસે નાંદેડ જિલ્લામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમણે એક અખબારમાં એઇડ્સ, કેન્સર અને ડાયાબિટીસના ચમત્કારિક ઉપચારની જાહેરાત કરી હતી. 8 સપ્ટેમ્બર 2013ના રોજ, કૃષ્ણનો અવતાર હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની આ વટહુકમ હેઠળ કાંદિવલીમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બિલને 20 ડિસેમ્બર 2013ના રોજ રાજ્યપાલે મંજૂરી આપી હતી. નરેન્દ્ર દાલભોલકરની પુત્રી મુક્તા અને અન્ય કાર્યકર્તાઓ રાષ્ટ્ર-વ્યાપી અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે તેમનું અભિયાન ચાલુ રાખ્યું છે. આમ મહારાષ્ટ્ર સરકાર કરતા ગુજરાત સરકાર 11 વરસ મોડી જાગી છે. એ પણ ગુજરાત હાઈકોર્ટે સરકારની ગોદડી ખેંચીને નિંદર ઊડાડી ત્યારે !
માહિતી ખાતાની યાદી કહે છે કે ‘કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી. ગુજરાતની ભોળી પ્રજાને ભોળવીને તેમની પાસેથી રૂપિયા ખંખેરતા તથા અમાનુષી અત્યાચાર કરતા ધુતારા-ઢોંગીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં કેટલાય પરિવારોએ પોતાના પરિવારના સદસ્યો અને પોતાના બાળકો અને ખાસ કરીને બહેન દીકરીઓ આ કાલાજાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ ના કારણે જીવ ગુમાવ્યા છે. આ કાયદાથી કાલાજાદુ કરતા ઢોંગીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે. આ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું છે.”
કઈ કઈ પ્રવૃતિઓ અધશ્રદ્ધા હેઠળ આવરી લીધી છે? [1] આ કાયદાની કલમ-2 મુજબ માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર. [2] ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી, અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે. [3] કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા. [4] દિવ્યશક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીજો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી. [5] અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો બીજાના મનમાં ભય પેદા કરવો. [6] કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા. [7] મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી. [8] કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી. [9] આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો. [10] પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું. [11] અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.
આ કાયદાની કલમ-3 હેઠળ 6 મહિનાથી લઈ 7 વરસ સુધીની કેદ અને 5 હજારથી લઈ 50 હજારના દંડની જોગવાઈ છે. ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ કાયદા હેઠળનો ગુનો કોગ્નિઝેબલ/ બિનજામીનપાત્ર છે. કલમ-5 મુજબ, કાયદાના અમલ માટે વિજિલન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની રહે છે. વિજિલન્સ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગના રહેશે. વિજિલન્સ ઓફિસરે પોતાના અધિકારક્ષેત્રમાં કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે.
સવાલ એ છે કે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાથી ફરક પડશે? પ્રાધ્યાપક અશ્વિન કારીઆ કહે છે : “જરુર ફરક પડશે. પોલીસ હવે ગુના નોંધશે. અંધશ્રદ્ધાનો ધંધો કરનારાઓમાં ડર ઊભો થશે. કાયદો બન્યો છે તો આગળ જતા તેમાં જરુરી સુધારા થઈ શકશે. અને કડક જોગવાઈઓ થઈ શકશે.”
આપણે ઘણી વખત એવું માનીએ છીએ કે જાગૃતિની અસર થતી નથી, સમાજ સુધરવા માંગતો નથી, સમાજમાં બહુમતી લોકો અંધશ્રદ્ધાળુઓ છે; કંઈ ફેર પડશે નહીં. પરંતુ અશ્વિન કારીયા/ ગિરીશ સૂંઢિયા/ ગુજરાતના જાગૃત નાગરિકો અને હાઈકોર્ટમાં પીટિશન કરનાર એડવોકેટ હર્ષ રાવલને ધન્યવાદ ઘટે છે; તેમના પ્રયાસથી આ કાયદો બની શક્યો છે. હવે સરકાર આ કાયદાનો અમલ સાચી નીયતથી કરે તે માટે સૌએ જાગૃત રહેવું પડશે !
टिप्पणियाँ