કેટલાંક મિત્રો કહે છે કે ‘અંધશ્રદ્ધા વિરોધી કાયદો ખરેખર ઉપયોગી થશે?’ આ સવાલ ઉચિત છે કેમકે જ્યારે સત્તાપક્ષના મિનિસ્ટર ભૂવાનું જાહેરમાં સન્માન કરતા હોય; સત્તાપક્ષના એક મંત્રી ધૂણતા ધૂણતા પેતાની પીઠ પર લોખંડની સાંકળ ફટકારતા હોય; સત્તાપક્ષના નેતાઓ બાગેશ્વર બાબામાં દિવ્યશક્તિ છે તેમ માની તેમના દરબારો યોજતા હોય ! ત્યારે આ કાયદાનો અમલ માત્ર કાગળ પર જ રહે !
અંધશ્રદ્ધા વિરોધી કાયદાને સમજવા માટે આ પ્રશ્નો જોઈએ : [1] શું આ કાયદો જ્યોતિષીઓને લાગુ પડશે? [2] શું આ કાયદો ગુપ્તધન/ વશીકરણ/ મૂઠચોટ/ દિવ્યશક્તિનો દાવો કરતી જ્યોતિષીઓની જાહેરખબરને/ તેને પ્રસિદ્ધ કરનાર મીડિયાને લાગુ પડશે? [3] શું આ કાયદો પલ્લીમાં શુદ્ધ/ કિંમતી ઘી ધૂળમાં મળે છે તેને અટકાવશે? [4] શું આ કાયદો પશુબલિ અટકાવશે? [5] શું આ કાયદો દિવ્યશક્તિનો દાવો કરનાર બાબાઓને લાગુ પડશે? [6] શું આ કાયદો અંગ્રેજો સામે એક શબ્દ નહીં બોલનાર સહજાનંદને; કૃષ્ણ, શંકર કરતા ચડિયાતા દર્શાવતા સ્વામિનારાયણ સાહિત્યને લાગુ પડશે? [7] શું આ કાયદો તાવીજ/ દોરાધાગાને લાગુ પડશે? [8] શું આ કાયદો અંધશ્રદ્ધા માટે ઘુવડ/ સાપનો ઉપયોગ કરવો/ તેને હાનિ પહોંચાડનારને લાગુ પડશે? [9] શું આ કાયદો કોઈ વ્યક્તિ પોતાના પગ ધોવડાવી બીજાને પાણી પીવડાવે તો તેને લાગુ પડે? [10] શું આ કાયદો સ્ત્રી નરકની ખાણ એમ કહી તેમનું મોં નહીં જોવાની વાત કરનારને લાગુ પડે? [11] શું આ કાયદો સગીરને સાધુ બનાવનારને/ સગીરને દીક્ષા આપનારને લાગુ પડે? [12] શું આ કાયદામાં કોઈપણ ધર્મના ઉત્સવો/ સરઘસો વેળાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, તેનો ખર્ચ જે તે આયોજકો ઉઠાવે તેવી જોગવાઈ છે? [13] શું આ કાયદો બંધારણના આર્ટિકલ- 51A (h) મુજબ વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ હોય; જે વાત માની ન શકાય કે જે સાબિત ન થઈ શકે તેવી જાહેરખબર/ પુસ્તક પ્રકાશન/ પ્રચાર કરનારને લાગુ પડે? [14] કોઈ વ્યક્તિ પોતાને નોન-બાયોલોજિકલ/ અવતારી તરીકે ઘોષણા કરે તો આ કાયદો લાગુ પડે?
આ કાયદાનું નામ છે : ‘The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act-2024 ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024’ આ કાયદામાં માત્ર 13 કલમો છે અને એક અનુસૂચિ છે, જેમાં 1 થી 12 કૃત્યો દર્શાવેલ છે જે આ કાયદા મુજબ ગુનો બને છે. આ કાયદામાં ખૂબ જરુરી પણ અર્થહીન જોગવાઈ પણ છે. કલમ-10 (1) મુજબ આ કાયદા હેઠળ જેને સજા થાય તેની વિગત સ્થાનિક અખબારમાં કોર્ટ પોલીસ દ્વારા આપશે, જેથી બીજા ચેતે ! પરંતુ પેટા કલમ-(2)માં ઠરાવેલ છે કે ચૂકાદા સામે અપીલ કરી હોય તો તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ગુનેગારની માહિતી સ્થાનિક અખબારમાં આપી શકાશે નહીં ! કોઈ પણ અપીલનના નિકાલમાં 15-20 વરસ લાગે ત્યાં સુધીમાં તો ગુનેગાર અનેક લોકોને શીશામાં ઊતારે !
કલમ-12માં દર્શાવેલ છે કે આ કાયદો કોને લાગુ નહીં પડે? (A) કોઈ પણ ધાર્મિક/ આધ્યાત્મિક સ્થળોએ થતી પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, પૂજા. (B) કીર્તન, ભજન, પ્રવચન, પરંપરાગત જ્ઞાન, કળા, અભ્યાસ, પ્રચાર, પ્રસાર. (C) મૃત સંતના ચમત્કારો વિશે પ્રચાર, પ્રસિદ્ધ, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો વિશેના સાહિત્યનો પ્રચાર, પ્રસિદ્ધિ, વહેંચણી. (D) કોઈ પણ ધર્મના સ્થળે ધાર્મિક વિધિઓ કરવી. [E] તમામ ધાર્મિક ઊજવણી, શોભાયાત્રા. કોઈ પણ કૃત્ય. [F] ધાર્મિક વિધિ અનુસાર બાળકોના નાક/કાન વીંધવા. કેશલોચન. [G] વાસ્તુશાસ્ત્રીની/ જ્યોતિષીની સલાહ. ભૂગર્ભજળની સલાહ. (H) રાજ્ય સરકાર ઠરાવે તેવી બીજી ધાર્મિક વિધિઓ.
હવે પ્રશ્ન અનુસાર સ્પષ્ટતા કરીએ : [1] આ કાયદો જ્યોતિષીઓની સલાહને લાગુ પડતો નથી. [2] પરંતુ આ કાયદો ગુપ્તધન/ વશીકરણ/ મૂઠચોટ/ દિવ્યશક્તિનો દાવો કરતા જ્યોતિષીઓને, તેમની જાહેરખબરને/ તેને પ્રસિદ્ધ કરનાર મીડિયાને લાગુ પડે છે. [3] પલ્લીમાં શુદ્ધ/ કિંમતી ઘી ધૂળમાં મળે છે તે પ્રવૃતિ આ કાયદો અટકાવી ન શકે, કેમકે તે ધાર્મિક વિધિમાં આવશે. [4] આ કાયદો Aghori Practices/ Black Magic ના સંદર્ભમાં પશુબલિ અટકાવશે. [5] આ કાયદો દિવ્યશક્તિનો દાવો કરનાર બાબાઓને આ કાયદો લાગુ પડશે. [6] આ કાયદો સહજાનંદને; તેમના સર્વોપરી ભગવાનના દાવાને, તેમના સાહિત્યને લાગુ નહીં પડે. કેમકે મૃત સંતના ચમત્કારોની વાત કરી શકાશે. [7] તાવીજ/ દોરાધાગાને આ કાયદો લાગુ નહીં પડે કેમકે તેને ધાર્મિક વિધિ ગણી છે. પરંતુ તેના કારણે શારીરિક હાનિ થાય તો કાયદો લાગુ પડે. [8] અંધશ્રદ્ધા માટે ઘુવડ/ સાપનો ઉપયોગ કરવો/ તેને હાનિ પહોંચાડનારને આ કાયદો લાગુ પડે, તે અઘોરી પ્રવૃતિમાં આવે. [9] પોતાના પગ ધોવડાવી બીજાને પાણી પીવડાવે તો તે અનિષ્ટ પ્રવૃતિ કહેવાય, તેથી આ કાયદો લાગુ પડે. [10] આ કાયદો સ્ત્રી સંબંધી ધાર્મિક ઉપદેશોને લાગુ ન પડે. [11] આ કાયદો સગીરને સાધુ બનાવનારને/ સગીરને દીક્ષા આપનારને લાગુ ન પડે; કેમકે તે ધાર્મિક પ્રવૃતિમાં આવે. [12] આ કાયદો ધાર્મિક ઉત્સવોને રોકતો નથી. પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. [13] બંધારણના આર્ટિકલ- 51A (h) મુજબ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દરેક નાગરિકની ફરજ છે. ધાર્મિક સાહિત્ય પર આ કાયદો પ્રતિબંધ મૂકતો નથી. પરંતુ ‘માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુ’ના પ્રચાર કરતું સાહિત્યને આ કાયદો રોકે છે. [14] કલમ-2(1)(A) અનુસૂચિ ક્રમાંક-11 મુજબ કોઈ વ્યક્તિ પોતાને નોન-બાયોલોજિકલ/ અવતારી/ અલૌકિક શક્તિ તરીકે ઘોષણા કરે તો તેને આ કાયદો લાગુ પડશે !
ટૂંકમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં કલમ-12 હેઠળ ધર્મ અને પરંપરાના બહાને અનેક છટકબારીઓ રાખી છે. ગુજરાત સરકારને હાઈકોર્ટના આદેશના કરણે આ કાયદો ત્વરિત બનાવવો પડ્યો છે. આ કાયદાની પ્રસ્તાવનામાં લખેલ છે : “સમાજમાં અજ્ઞાનતાને કારણે ફૂલતી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે લોકોને રક્ષણ આપવાના હેતુથી; સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને સ્વસ્થ અને સુરક્ષિત સામાજિક પર્યાવરણનું નિર્માણ કરવા અને લેભાગુઓ દ્વારા લોકોનું શોષણ અટકાવા અને સમાજના મૂળ સામાજિક માળખાનો વિચ્છેદ કરવાના દુષ્ટ ઉદ્દેશથી, કાળા જાદુ તરીકે કહેવાતી અલૌકિક અથવા જાદુઈ શક્તિ અથવા પ્રેતાત્માના નામે પ્રચાર કરવામાં આવતા માનવ બલિદાન અને બીજી અમાનુષી-અમાનવીય, અનિષ્ટ, દુષ્ટ અને અઘોરી પ્રથાનો પ્રતિકાર કરવા અને તેનું નિર્મૂલન કરવા માટેની જોગવાઈ કરતો કાયદો.” આ ભાવના ચરિતાર્થ તેવી આશા તો છે પણ આ કાયદા હેઠળના ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને ન્યાય તોળનાર જજોના કાંડે દોરાધાગા અને આંગળીઓમાં નંગોની વીંટીઓ આ કાયદાના આત્માને હણશે નહીં?
टिप्पणियाँ