આજે જે જૂના અધ્યાપકો નોકરીની સલામતી, સરકારમાંથી સીધો પગાર અને પેન્શન વગેરેના લાભો મેળવે છે તેનું કોઈ કારણ હોય તો અધ્યાપક મંડળની ૧૯૭૦ના અને ૧૯૮૦ના દાયકાની લડતો. છેલ્લી લડત ૨૦૦૩ની કે જેમાં પગાર કે પેન્શન માટેનો સવાલ હતો જ નહિ.
અધ્યાપક મંડળના અનેક આંદોલનનું નેતૃત્વ કે. એસ. શાસ્ત્રી સાહેબે લીધેલું. ગુજરાતના અધ્યાપક મંડળ જેટલું સફળ ટ્રેડ યુનિયન ભાગ્યે જ ભારતમાં હશે.
તેઓ બોલે એટલે એમની દલીલોને કોઈ આઈએએસ અધિકારી પડકારી શકે નહિ. કોઈ પણ પક્ષના રાજનેતાની તો એમની સામે દલીલ કરવાની તાકાત જ નહિ. બીજાને ગળે પોતાની વાતને ઉતરવાની જે તાકાત કે. એસ. શાસ્ત્રી પાસે હતી તેવી તાકાત (convincing power) બીજા કોઈ પાસે હોવાનું જાણમાં નથી.
સર્વશ્રી ઉજમશી કાપડિયા, કનુભાઈ પટેલ અને અંબાલાલ પટેલ જેવા ધુરંધરો સાથે આંદોલનો ચલાવીને કે. એસ. શાસ્ત્રીએ અધ્યાપકોને જે સન્માન સરકારમાં અપાવ્યું તે કાબિલેદાદ રહ્યું છે.
૨૦૦૩ના આંદોલન સમયે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની દાદાગીરી અને એ. યુ. પટેલની તાનાશાહી સામે અધ્યાપકો નબળા પડ્યા અને કે એસ શાસ્ત્રીનું કંઈ ચાલ્યું નહિ એટલે અધ્યાપક મંડળના સુવર્ણ યુગનો કરુણ અંત આવ્યો.
ગુજરાતના ઉચ્ચ શિક્ષણ જગતના ટ્રેડ યુનિયનના ઇતિહાસમાં કે. એસ. શાસ્ત્રી અમર થઈ ગયા એમાં કોઈ શંકા નથી.
આખા ગુજરાતના બધા અધ્યાપકો પોતાની સંગઠિત તાકાત ફરીથી બતાવે તો એ શાસ્ત્રી સાહેબને આપેલી સાચી અંજલિ કહેવાય. એને માટે સરકાર સામે બાંયો ચડાવવાની હિંમત જોઈએ, બંનેમાં: અધ્યાપકોમાં અને એમના નેતાઓમાં.
શાસ્ત્રી સાહેબ કોંગ્રેસમાં હતા. એક વાર તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભાની નિષ્ફળ ચૂંટણી પણ લડ્યા હતા. પણ કોંગ્રેસની સરકારો સામે અધ્યાપકોના હિતમાં તેઓ સતત લડતા જ રહ્યા હતા.
અધ્યાપકોમાં, આચાર્યોમાં અને એમના નેતાઓમાં સરકારની ચાપલૂસી કરવાની જ્યાં હરીફાઈ ચાલતી હોય તેવા સમયે દીવો લઈને શોધવા જઈએ તો પણ મેળવવી અઘરી છે એ હિંમત.
શાસ્ત્રીસાહેબની હિંમતને કાયમી સલામ.
टिप्पणियाँ