પત્રકાર જગતમાં અચ્યુતભાઈ, નિરંજન પરીખ અને ઈશ્વર પેટલીકર સાથેનો મારો સંબંધ ૧૯૭૧ થી બંધાયો. ત્યારે અચ્યુતભાઈ ગુજરાત સમાચારમાં અને નિરંજન પરીખ તેમજ ઈશ્વર પેટલીકર સંદેશમાં હતા. ઈશ્વર પેટલીકર સંદેશમાં “લોક્સાગર ને તીરે તીરે” કોલમ ચલાવતા અને મારા સામાજિક પ્રશ્ને ના લખાણો લઈને ઈશ્વર પેટલીકર તેમની સંદેશની કોલમમાં વિશ્લેષણ કરતા. ૧૯૭૧માં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય નિરંજનદેવ ત્તીર્થનું છાપામાં નિવેદન છપાયું. કે ધર્મના વડા તરીકે હું અસ્પૃશ્યતામાં માનું છું. અને આવું નિવેદન આવવા છતાં તત્કાલીન ગાંધીવાદી ગવર્નર શ્રી શ્રીમન્નારાયણનો આ શંકરાચાર્યના આશ્રમમાં કાર્યક્રમ ગોઠવાયો. અને હું ગુસ્સે ભરાયો.
મેં ખૂબ જ કડક ભાષામાં ગવર્નર શ્રીમન્નારાયણને પત્ર લખ્યો અને એ પત્રની નકલ મેં અચ્યુત ભાઈ અને ઈશ્વર પેટલીકરને આપેલી. તે ખૂબ જ ખુશ થયેલા. અને બીજા જ અઠવાડિયે ઈશ્વર પેટલીકરે ગવર્નરને લખાયેલો મારો પત્ર તેમની સંદેશની કોલમમાં છાપી વિષદ ચર્ચા કરતો લેખ લખ્યો.
આ સંદેશનું લખાણ ગવર્નર સમક્ષ રજુ થયું. અને બીજા દિવસે સાંજે ૪ વાગે મારે ઘેર ગવર્નરના બંગલેથી લાલ બત્તીવાળી ગાડી આવી. હું મારી બી.એ. ની પરીક્ષાનું છેલ્લું પેપર આપી સાયકલ પર ઘેર આવી રહ્યો હતો. અને દુરથી મારા ઘરે લાલબત્તી વાળી ગાડી અને લોકોનું ટોળું જોતા હું હેબતાઈ ગયો. અને જ્યારે ડ્રાયવરે મને ગવર્નરે તમને મળવા બોલાવ્યા છે એ કહેતા જ હું વિમાસણમાં પડ્યો.
હું એકલા જવાને બદલે ગાડી લઈને પ્રવીણ રાષ્ટ્રપાલને પણ સાથે લઇ જવા તેમને ઘેર ગયો પ્રવીણ રાષ્ટ્રપાલ અને તેમના ભાઈ રાહુલ રાષ્ટ્રપાલ અમે ત્રણેય ગવર્નરને મળવા ગયા. ગવર્નરે અમને ખાત્રી આપી કે, મેં જગદગુરુનો પત્ર લખી ખુલાસો માંગ્યો છે. જો તે અશ્પૃશ્યતામાં માનતા હશે તો હું તેમના કાર્યક્રમમાં નહિ જાઉં. અને ગવર્નરે પોતાનો કાર્યક્રમ રદ કર્યો.
આ કાર્યક્રમ રદ થયા પછી મેં ફરીથી ગવર્નરને પત્ર લખી માગણી કરી કે, જગદગુરૂનો લેખિત પૂરાવો આવ્યો છે, કાયદાથી કોઈ પર નથી. ત્યારે જગદગુરુ સામે અસ્પૃશ્યતા ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કરો. ઈશ્વર પેટલીકરે મારી આ માગણી લઈને પણ તેમના વિભાગમાં જબરજસ્ત લેખ લખ્યો. અને ખૂબ ઉહાપોહ થયેલો.
આ બધા વખતે અચ્યુતભાઈ મારી પડખે હતા. પ્રથમ એમની ઓફીસ કોમર્સ કોલેજ પાસેના કેદાર એપાર્ટમેન્ટમાં હતી. અને હું ત્યાં નિયમિત જતો.
અચ્યુતભાઈ ખૂબ જ વાસ્તવિક રીતે વિચારતા હતા. તેનો એક ગઝબનો અનુભવ મને ૧૯૮૫ માં થયો. ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીએ બક્ષીપંચની અનામતમાં ૧૦ ટકાનો વધારો કર્યો. અને ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. અનામત એટલે માત્ર દલિત અને આદિવાસી એવી એક ગેરસમજ આજે પણ લોકો ધરાવે છે. એટલે ગામડે ગામડે બક્ષીપંચની જાતિના લોકો પણ દલિતોની વસ્તીઓ પર હુમલો કરવા લાગ્યા.
અમે પણ મૂંઝવણમાં પડી ગયા. ચર્ચામાં અચ્યુતભાઈએ સુચન કર્યું. આપણે સરકાર પાસે માંગણી કરીએ કે, સરકાર બક્ષીપંચમાં આવતી જાતિનું લીસ્ટ બે ચાર દિવસ દરેક અખબારોમાં જાહેર ખબરો આપી જાહેર કરે. મુખ્યમંત્રી ને મળ્યા. અને સરકારે દરેક અખબારોમાં ત્રણ દિવસ બક્ષીપંચમાં આવતી જ્ઞાતિની યાદીની મોટી જાહેરાતો અપાવી.
પરિણામ ગઝબ આવ્યું. મોટી વસ્તી ધરાવતા બક્ષીપંચને જાણ થઇ કે, આતો અમારી અનામત વિરૂધ્ધ આંદોલન છે. અને હુમલાઓ બંધ થયા.
૧૯૮૧નો તેવો જ બીજો અનુભવ અચ્યુતભાઈ અને નિરંજન પરીખ ની રાહબરી નીચેની અમારી લડાઈનો છે. ગુજરાતમાં ૧૯૮૧માં કહેવાતું અનામત આંદોલન ગુજરાતી અખબારોએ જ ઉભું કર્યું અને ચલાવ્યું એમ કહી શકાય. તેમાં ગુજરાત સમાચારનો વિષેશ ફાળો હતો. ખોટા અને ઉશ્કેરી જનક ભાષામાં સમાચાર છાપવા.
ગોમતીપુરની દલિત વસ્તી વચ્ચે આવેલા જૈન મદિર ઉપર હરિજનોએ હુમલો કર્યો.એવા તદ્દન જુઠ્ઠા સમાચાર મોટા ટાઈપમાં પહેલા પાને છાપ્યા. અને તોફાનો વધી ગયા. આ બધા જ પૂરાવાઓ હું ભેગા કરતો. પણ આંદોલનના સમયે મોટી દોડધામને કારણે સમયમર્યાદામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડીયામાં ફરિયાદ ન કરી શક્યો. પરિણામે પૂરાવાઓ પડી રહ્યા. એક દિવસ તત્કાલીન કોંગ્રેસના સંસદ સભ્ય સ્વ.શ્રી હિરાલાલ પરમાર મારે ઘેર આવ્યા.
તે ખૂબ જ અકળાયેલા હતા. કોંગ્રેસ પક્ષ આ સંસદ સભ્યને ગુજરાત મુદ્દે સંસદમાં બોલવાની મંજુરી આપતા ન હતા. હિરાલાલ પરમાર મૂળે લડાકુ ચૂસ્ત આંબેડકરવાદી હતા. તેમણે મને સંસદમાં બોલવા ભાષણ તૈયાર કરવા કહ્યું. અને મેં આ તક ઝડપી લીધી. ગુજરાત સમાચાર સહીત ગુજરાતી અખબારોનાં પૂરાવાઓ સાંકળીને તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું. હીરાભાઈ સંસદમાં પક્ષના વિરોધ વચ્ચે પોતાની ખૂરસી ઉપર ઉભા થઈને ગુજરાતી અખબારોની ભૂમિકા લઈને જોરદાર પ્રવચન આપ્યું.
સંસદમાં પોતાની બેસવાની ખૂરસીમાં ઉભા થઈને જબરજસ્તી બોલવાનો પ્રસંગ આજદિન સુધી સંસદમાં બન્યો નથી. આ પ્રવચનનો એક મોટો ફાયદો થયો. સંસદે ગુજરાત સમાચાર સામે કાર્યવાહી કરવા પ્રવચનના પૂરાવાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાને મોકલી આપ્યા. અને એક દિવસ આ સંસદ સભ્ય કેસની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાની સુનાવણીમાં હાજર થવાની નોટીસ લઈને મારે ઘેર આવ્યા. માત્ર દશ જ દિવસનો સમય હતો. નોટીસ લઈને હું તાત્કાલિક અચ્યુતભાઈ પાસે પહોંચી ગયો. તેમણે ફોન કરી નિરંજન પરીખને બોલાવી લીધા અને આ તકનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય લીધો. અચ્યુતભાઇની સૂચના મુજબ હું સંસદ સભ્ય હીરાભાઈ પરમાર પાસેથી સુનાવણીમાં મારા વતી અચ્યુતભાઈ યાજ્ઞિક, નિરંજન પરીખ અને વાલજીભાઈ પટેલ હાજર થશે તેવી એફિડેવિટ લઇ આવ્યો. સમય ખૂબ થોડો હતો. ગુજરાત સમાચારની ફાઈલ મેળવી વિગતો ભેગી કરવાનું કામ અઘરું હતું. ત્યારે નિરંજન પરીખ સંદેશના ચીફ રિપોર્ટર અને પ્રેસ કામદાર યુનિયનના પ્રમુખ પણ હતા તેમણે મને કહ્યું કે, સંદેશ અને ગુજરાત સમાચાર બંને એક બીજાના વિરોધી છે. એટલે બંને એક બીજાના વિરોધનો રેકર્ડ રાખે છે. જે અમારી લાયબ્રેરીમાં છે. પણ જોવાનું કામ મારાથી થઇ શકે તેમ નથી. એટલે વાલજીભાઈ તમે કંઈક કરો. હું બીજે જ દિવસે સાંજે પાંચ વાગે સંદેશના તંત્રી ચીમનભાઈ પટેલને મળવા સંદેશ પ્રેસ પર ગયો.
ત્યારે ઈશ્વર પેટલીકર સંદેશના નિવાસી તંત્રી હતા. અને બંને બેઠા હતા. મારા જવાથી ઈશ્વર પેટલીકરે તંત્રી ચીમનભાઈને મારો પરિચય આપ્યો. અને મેં તેમને આ કેસની વિગતે કરી મદદ માંગી. તંત્રીએ તરત જ નિરંજન પરીખને બોલાવ્યા અને નિરંજનભાઈને મારી સાથે રહી મદદ કરવા હુકમ કર્યો એટલું જ નહિ, મારી સાથે દિલ્હી જવાનો પણ હુકમ કર્યો.
હું અને નિરંજનભાઈ બંનેએ બે દિવસ મહેનત કરી જરૂરી પૂરાવાઓ એકઠા કર્યા. હવે પૂરાવાનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ આવ્યું. અચ્યુતભાઈએ પ્રો.હર્ષદ દેસાઈને બોલાવ્યા. બેદિવસ સુધી મારા દરિયાપુરના ઘરે રાત્રે ૧૦ થી સવારે ચાર વાગ્યા સુધી કામ કર્યું. અને રીપોર્ટ તૈયાર કર્યો.
અચ્યુતભાઈ ચાના ખૂબ શોખીન. તેઓ આખી રાત ચા બનાવતા રહ્યા. આમ અચ્યુતભાઈ, નિરંજનભાઈ અને હું એમ ત્રણેય દિલ્હી સુનાવણીમાં હાજર થયા, રજૂઆત કરી. જીતી ગયા અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત સમાચારને દોષિત જાહેર કર્યાનો હુકમ કર્યો. એ વખતે ગીરીશભાઈ પટેલ, હરુભાઈ મહેતા, એડવોકેટ મહેશભાઈ ભટ્ટ, અચ્યુતભાઈ યાજ્ઞિક, નિરંજન પરીખ, પ્રો. હર્ષદ દેશાઈ, એડવોકેટ મુકુલ સિન્હા, એડવોકેટ રમેશ પી.ધોળકિયા (જસ્ટીસ આર.પી. ધોળકિયા, હાઈકોર્ટ) ,મનીષી જાની, રૂપા મહેતા, સોનલ મહેતા, અસીમ રોય, અને બીજા સંખ્યાબંધ કટિબધ્ધ સાથીઓની એક ટીમ હતી. અને મારે માટે તો અચ્યુતભાઈની ઓફીસ એક વિસામો હતો. આજે એમના નિર્વાણ દિવસે ગીરીશભાઈ, હરુભાઈ મહેતા, અચ્યુતભાઈ,નિરંજનભાઈ, પ્રો.હર્ષદ દેસાઈ, જેતલપુર કેસની સુનાવણીમાં મને તેમના સ્કુટર પર નિયમિત નારોલ કોર્ટમાં લઇ જતા જસ્ટીસ આર..પી.ધોળકિયા, આ બધાની યાદ સતાવે છે. જાણે કશું જ બચ્યું નથી તેવો ખાલીપો છે. આજે 87 વર્ષની વૃધ્ધાવસ્થાની સ્થિતિએ આ પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે. જેને વાગોળવાની જ રહી છે. સ્નેહી અચ્યુતભાઈ ને અંજલી.
---
*દલિત આગેવાન
टिप्पणियाँ