"વિશ્વગુરુ, વિશ્વગુરુ, વિશ્વગુરુ." નાનપણમાં મદારીઓના ખેલ જોયેલા. એમાં મદારી પૂછતો: અંમ કાઢું કે ભંમ કાઢું. આપણને કાંઈ ખબર ન પડે. એટલે જેને જે મનમાં આવે તે કહે. કોઈ કહે: અંમ કાઢો ને કોઈ કહે ભમ્મ કાઢો. પછી મદારી જે કાઢતો એમાં અંમવાળા અંમ જોતા ને ભંમવાળા ભંમ જોતા.
આજે એ પ્રકારના મદારીઓના વેશ રાજકીય નેતાઓ ભજવી રહ્યા છે અને પ્રેક્ષકો આજે પણ એવીજ હાલતમાં છે. મદારી જે કંઈ કાઢે એને પોતે જે વસ્તુ ધારેલી એ વસ્તુ માની લે છે.
એવા નેતાઓમાં એક આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વારંવાર ભારતને 'વિશ્વગુરુ' બનાવવાની વાત કરે છે. ભક્તજનો એમની વાત સ્વીકારી લે છે. અ-ભક્તજનો એમની વાતનો અસ્વીકાર કરે છે. કેટલાક તો એમની મજાક પણ કરે છે.
પણ ખરો પ્રશ્ન એ છે કે શું આજના જમાનામાં કોઈ દેશ વિશ્વગુરુ બની શકે ખરો? કોલ્ડ વોરના જમાનામાં જે દેશો પાસે અણુબોમ્બ જેવાં શસ્ત્રો હતાં એ દેશો મહાસત્તા ગણાતાં. પછી ભારતે પણ અણુબોમ્બ બનાવ્યા અને પાકિસ્તાને પણ. એટલું જ નહીં, એ દરમિયાન કોલ્ડ વોરનો પણ અન્ત આવ્યો. એ સાથે મહાસત્તાની વિભાવના તૂટી પડી. આ જગતમાં જેટલા દેશો પાસે અણુસત્તા છે એ બધા જ દેશોને મહાસત્તા તરીકે ન ઓળખાવી શકાય.
એ જ રીતે, ગ્લોબલાઈઝેશન આવ્યું અને એ સાથે અર્થતંત્રમાં અમેરિકા કે યુરોપના કેટલાક દેશોની મોનોપોલી હતી એ પણ તૂટી ગઈ. હજી અમેરિકા જેવા દેશોનું મૂલ્ય છે પણ એ મૂલ્ય એમણે ભેગી કરેલી જૂની મૂડી પર આધાર રાખે છે. ગ્લોબલાઈઝેશનની સમાન્તરે અમેરિકાએ મોટા ભાગનું ઉત્પાદન ચીનને સોંપ્યું. એટલે સુધી કે ઘણા અમેરિકનો Made in USA વસ્તુ ખરીદતાં પહેલાં બે વાર વિચાર કરે છે. એમને એવું લાગે કે આ વસ્તુઓ બનાવટી તો નહીં હોય ને?
આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ દેશ વિશ્વગુરુ ન બની શકે. હા, ભારત એક બાબતમાં ચોક્કસ વિશ્વગુરુ છે. એ પણ બાવાઓની સંખ્યાની બાબતમાં. ભારતમાં ભાતભાતના બાવાઓ મળી રહે. બાવાઓ દરબારો યોજે. જૂના જમાનામાં રાજાઓ કરતા હતા એમ. બાવાઓની ચેનલો ચાલે. બાવાઓનાં રાજ ચાલે. એ પણ રાજ કરનારાઓ પર.
આ બાવાઓનો ગુજરાતી સાહિત્ય પર પણ ઘણો પ્રભાવ છે. સર્જન વડે ખોંખારો ન ખાઈ શકતા ઘણા ગુજરાતી સર્જકો બાવાઓનાં નામ લઈને ખોંખારો ખાતા હોય છે. એ પણ કરે શું બિચારા?
કહેવાનો આશય એટલો જ ગ્લોબલાઈઝેશનમાં બધા જ દેશો એકબીજા પર આધાર રાખતા હોય છે. એ સંજોગોમાં દેશને વિશ્વગુરુ બનાવવાની વાત પેલા મદારીની અંમ કાઢું કે ભંમ કાઢું જેવી વાત છે.
टिप्पणियाँ