આઠ એકર જગ્યામાં વ્યવસાયિક તાલીમ શાળા સાથે જીવન-વ્યક્તિત્વ ઘડતર, જ્ઞાતિ આધારિત વ્યવસાયોમાં અને શિક્ષણથી વંચિત રહી ગયેલ યુવાવર્ગને રોજગાર તરફ વાળવા દલિત શક્તિ કેન્દ્ર સંસ્થાનું નિર્માણ થયું છે. 30 દિવસના પ્રાથમિક અને 30 દિવસના એડવાન્સ્ડ તાલીમ વર્ગ દ્વારા વસ્ત્રનિર્માણ, કોમ્પ્યુટર વપરાશ, બ્યુટિશિયન, ફોટોગ્રાફી-વિડીઓગ્રાફી, સ્પોકન ઇંગલિશ, પોલીસમાં જોડાવાનું પ્રશિક્ષણ જેવા નિવાસી અભ્યાસક્રમ છે. કોઈપણ ભેદ ન પાળતા તાલીમાર્થી હીટ તાલીમ પામે છે. વ્યવસાયિક તાલીમ ઉપરાંત કાનૂની વ્યવસ્થાની પ્રાથમિક સમજ, પ્રજનન સ્વાસ્થ્ય, સામાજિક-રાજકીય અને અધિકાર લક્ષી જાગૃતિ તે તાલીમનો ભાગ છે.
1999માં સ્થાપવામાં આવેલ આ કેન્દ્રમાં અત્યાર સુધા 10875 તાલીમાર્થી તાલીમ લઇ ચુક્યા છે. આ સંસ્થા પર સ્વિત્ઝરલેન્ડની બેસિલ વિશ્વવિદ્યાલયના પીએચડીના વિદ્યાર્થી થી માંડી 'ટાટા સોશ્યલ સાયન્સિસ' ; 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદ', તેમજ અમેરિકાના બોસ્ટન સ્થિત 'એમ.આઈ. ટી' ના વિદ્યાર્થી મુલાકત લઇ સંસ્થાના કામ અંગે અભ્યાસ કરી ચુક્યા છે.
બે મહિનાની સમગ્ર તાલીમ રહેવા-જમવા-ભણવા સહિતની માત્ર 10,000 રૂપિયામાં શક્ય બનાવી છે જેથી સૌ સામાન્ય કુટુંબના વિધાર્થી અભ્યાસ કરી શકે. મોબાઈલ ફોનનો વપરાશ વિધાર્થી માટે પખવાડિયા માત્ર એક કલાક માટે જ શક્ય છે. તાલીમનો સમય સવારે પાંચ વાગ્યાથી રાત્રે 9.30 સુધી હોય છે.
હમણાંજ થયેલ સર્વે મુજબ તાલીમ બાદ ગુજરાતના વિદ્યાર્થીઓમાં ખાનગી નોકરીમાં જોડાવાનું પ્રમાણ 17.65 ટકા ; સ્વરોજગારીમાં પ્રવૃત્ત થવાનું પ્રમાણ 60.79 ટકા; અધૂરો અભ્યાસ નવેસરથી આગળ ધપાવવાનું પ્રમાણ 13.72 ટકા અને તાલીમ બાદ કોઈ જ આર્થિક-શૈક્ષણિક પ્રવૃત્તિમાં ન જોડાનારનું પ્રમાણ 7.84 ટકા જોવા મળ્યું છે.
દલિત શક્તિ કેન્દ્રમાં ભારતના 14 રાજ્યના વિધાર્થી તાલીમ માટે આવી ચુક્યા છે.
---
*સંચાલન ટ્રસ્ટી/સંયુક્ત નિયામક, દલિત શક્તિ કેન્દ્ર, નાની દેવતી-સાણંદ
टिप्पणियाँ