- ગૌરાંગ જાની
કલકત્તામાં મહિલા ડોકટર પર બર્બરતા અને બળાત્કારની ઘટનાએ કામના સ્થળે મહિલા શોષણ વિરુદ્ધના કાનૂનની જનની ભંવરી દેવીને યાદ તાજી થઇ...
વિદ્યાર્થીઓ સાથેની ચર્ચામાં કે ઇન્ટરવ્યૂમાં એક સવાલ અનેકવાર પૂછ્યો, "વિશાખા ગાઈડલાઈન વિશે સાંભળ્યું છે? આ વિશાખા કોણ છે?" ભાગ્યેજ કોઈએ સાચો જવાબ આપ્યો હશે. એટલું જ નહિ વિશાખા કોઈ મહિલાનું નામ છે એવો પ્રતુત્તર અનેકવાર મળ્યો છે. સવાલ જવાબ ગોખીને ભણવા ભણાવવાની આપણી પરંપરાએ નવી પેઢીમાં સમાજના મહત્વના મુદ્દાઓ વિશેની સંવેદનશીલતા સૂકવી નાખી. દેશની સર્વોચ્ચ અદાલતે વિશાખા ગાઈડ લાઈન દ્વારા અને કાનૂન સર્જીને મહિલાઓને કામના સ્થળે જાતીય શોષણ સામે અમોઘ શસ્ત્ર બક્ષ્યું. આ શસ્ત્ર અને તેના શાસ્ત્રના ઉદભવ પાછળ એક ગ્રામીણ મહિલાનું આજીવન પ્રદાન અને બલિદાન છે. રાજસ્થાનની રાજધાની જયપુરથી ૫૦ કિમી દૂર આવેલા ૧,૨૦૦ ની વસ્તીવાળા ભટેરી ગામની ભંવરી દેવીએ સામાજિક દુષણો સામે અભિયાન આદર્યું અને સમાજના કહેવાતા રખેવાળોના પાપે બળાત્કારનો ભોગ બની. પીડિતા ભંવરી દેવી છેલ્લા ત્રણ દાયકાથી ન્યાય માટે સંઘર્ષરત છે અને ભારતની અનેક પીડિતાઓને ન્યાય મળે એ માટેના કાનૂન ઘડતર અર્થે પ્રેરક બની. આજે આ પ્રેરક અને દીવાદાંડી રૂપ દેવીના બલિદાન વિશે વાત માંડીએ.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૫ ના અહેવાલ પ્રમાણે આજના ભારતમાં ૨૦ થી ૨૪ વર્ષની યુવતીઓમાં પ્રત્યેક ચોથી યુવતી લગ્નની કાનૂની ઉંમર ૧૮ વર્ષ પૂર્વે પરણી ચૂકી છે.અર્થાત્ એ તમામ યુવતીઓના બાળલગ્ન થયા છે.આ સમસ્યા આજે આવી ગંભીર હોય તો કલ્પના કરી શકાય કે આજથી ત્રણ દાયકા પહેલાં એ કેવી ચિંતાજનક હશે અને તેમાં પણ રાજસ્થાન જેવા સામંતવાદી વારસો ધરાવતા રાજ્યમાં કેવી અને કેટલી વ્યાપક હશે.આ જ કારણે એ દિવસોમાં રાજસ્થાન સરકારે વિમેન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (WDP) દ્વારા મહિલાઓને સશક્ત કરવા બીડું ઝડપ્યું હતું. આ પ્રોગ્રામમાં ભટેરી ગામની ૩૨ વર્ષની ભંવરી દેવી પ્રજાપતિ બહેનોમાં જાગૃતિ અર્થે "સાથિન" એટલે મિત્ર તરીકે નોકરી કરતી હતી.આ પ્રોજેક્ટ હેઠળ સાથી બની ભંવરી દેવી ઘરે ઘરે જઈ સામાજિક બદીઓ દૂર કરવા જનજાગૃતિ કરતી હતી. આરોગ્ય, કુટુંબનિયોજન ,છોકરીઓને શાળાએ જવા પ્રોત્સાહિત કરવા જેવા મુદ્દે બહેનોને સલાહ અને માર્ગદર્શન આપતી.બાળલગ્નો અટકાવવા એક મહત્વની જવાબદારી એ સંભાળતી.
વર્ષ ૧૯૯૨ની પાંચમી મે ના દિવસે અખાત્રીજ હતી.એ દિવસે રાજસ્થાનમાં સૌથી વધુ લગ્નો હોય એ સ્વાભાવિક હતું પણ એ પણ એટલુજ સરળ હતું કે માબાપ ઝટ ઝટ બાળલગ્નો પણ પતાવે .ઉપલા અધિકારીઓ સીધેસીધા આ પરંપરા સામે બાથ ભીડવા તૈયાર ન હતા એટલે પોલીસ અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને બાતમી આધારે તૈયાર કરેલી સંભવિત બાળલગ્નોની યાદી પકડાવી દીધી અને તેઓ ભટેરી ગામ પહોંચ્યા .ત્યાં સાથીન ભંવરી દેવીએ ગુર્જર જ્ઞાતિના એક પરિવારમાં નવ વર્ષની છોકરીનું બાળલગ્ન અટકાવવા પ્રયત્ન કર્યો.એ પરિવારને સમજાવવાની કોશિશ કરી પણ તેઓ ના માન્યા અને બીજા સગાના ઘરની અગાસી પર મોડી રાત્રે લગ્ન પતાવી દીધા. ભંવરીએ તો પોતાની સરકારી ફરજ બજાવી પણ ત્યાંના ગુર્જર સમાજને ભંવરી આંખના કણાની જેમ ખૂંચવા લાગી. આમ તો ભંવરી દેવી કુંભાર જ્ઞાતિની જે ઓબીસી માં સમાવિષ્ટ અને ગુર્જર પણ ઓબીસી માં સામેલ. પણ ગુર્જરો રાજસ્થાનમાં રાજકીય રીતે પ્રભાવી અને કોટીક્રમમાં કુંભારથી ઉંચા મનાય.આ કારણે ભંવરી અને તેના પતિ સહિત ચાર સંતાનોના પરિવારનો ગુર્જરોએ અને ગામે પણ બહિષ્કાર કર્યો.આ કુંભાર પરિવાર પાસેથી માટીના વાસણો લેવાનું બંધ થયું અને તેઓ દૂધ વેચવાનો ધંધો કરતા એ કામ પણ બહિષ્કારનો ભોગ બન્યું.
૨૨ સપ્ટેમ્બર ,૧૯૯૨ ના દિવસે ભંવરી અને તેના પતિ તેમના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગયા ત્યારે પાંચ પુરુષોએ તેમને રોક્યા .બે જણાએ પતિને પકડી રાખ્યો અને અન્ય ત્રણે ભંવરી પર સામૂહિક બળાત્કાર કર્યો.એમ કરી તેઓએ બદલો લીધો અને ભવિષ્ય માટે ભંવરીનેં ધમકી પણ આપી.પણ ગભરાય કે બીક માં રહે તો દેવી શાની? ગામના સામંતવાદી માળખાને પડકારતી હોય એમ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ એફ આઇ આર નોંધાતા એક દિવસ થઈ ગયો.અને મેડિકલ પરીક્ષણમાં બાવન કલાક વીતી ગયા જે કાનૂની રીતે માત્ર ૨૪ કલાકમાં થઈ જવું જોઈએ .મહાન સંસ્કૃતિ ધરાવતા અને દેવીઓને પૂજતા ભારતવર્ષમાં એવું જ થાય ને ! પરંતુ સ્થાનિક અને દેશની મહિલા સંસ્થાઓએ આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો. જયપુરમાં સરઘસો નીકળ્યા .પોસ્ટર પર અંકિત હતો વિરોધ અને ગુસ્સો! "ભંવરી પીછે નહીં હટેગી ,હમ સબ ઉસકે સાથ હૈ" અને પરિણામે કેસ સીબીઆઈ ને સોંપાયો.સપ્ટેમ્બર ૧૯૯૩ માં ચાર્જશીટ દાખલ થઈ અને ઓક્ટોમ્બર ૧૯૯૪ માં પાંચ આરોપીઓની ધરપકડ થઈ જેમાં કાકો ભત્રીજો પણ સામેલ હતા. એક આશા બંધાઈ જ્યારે ડિસેમ્બર ૯૪ માં રાજસ્થાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળલગ્નો રોકવા સામે આરોપીઓએ ભંવરી પર બળાત્કાર કર્યો અને આરોપીઓની જમીન અરજી રદ કરી .પરંતુ નવેમ્બર ૧૯૯૫ માં જયપુરની ટ્રાયલ કોર્ટે વિચિત્ર, અપમાનજનક અને હાસ્યાસ્પદ કહી શકાય એવી દલીલો આગળ કરી પાંચ આરોપીઓને છોડી મૂક્યા .આ વાહિયાત દલીલો આવી હતી: શું ગામનો મુખી કદી બળાત્કાર કરે ? સાહીઠ સિત્તેર વર્ષના વૃદ્ધ રેપ કેવી રીતે કરી શકે ? કાકા ભત્રીજા સાથે હોય તો માન મર્યાદા હોય એટલે તેઓ બળાત્કાર ના કરે! પતિની હાજરીમાં પત્ની પર બળાત્કાર શક્ય જ નથી! પતિએ કેમ કોઈને રોક્યા ટોક્યા નહિ ! ગુર્જરો ઉચી જાતના છે, તેઓ આભડછેટમાં માને એટલે નીચી જાતિની સ્ત્રીથી દૂર જ રહે !
આરોપીઓ નિર્દોષ છૂટ્યા તેની સામે વિરોધ ફાટી નીકળ્યો . દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયા . ભટેરી ગામ દેશભરના કર્મશીલોથી છવાયું.આ ચુકાદાની સામે ભંવરી હાઇકોર્ટમાં ગઈ .ત્રીસ વર્ષ થવા આવ્યા .માત્ર એકવાર મુદત પડી.દરમ્યાન અનેક કારણો આગળ ધરી પાંચ ન્યાયાધીશો બદલાયા. પાંચમાંથી ચાર આરોપીઓ તો મૃત્યુ પણ પામ્યા. ન્યાય ન મળ્યો આજદિન સુધી દેવીને .પરંતુ રાજસ્થાનની સ્વૈચ્છિક સંસ્થા વિશાખા, દિલ્હીની જાગોરી અને કાલી ફોર વિમેન સંસ્થાઓએ સર્વોચ્ય અદાલતમાં પિટિશન કરી .તેઓની દલીલ હતી કે પીડિતા રાજસ્થાન સરકારની કર્મચારી હતી ફરજના ભાગરૂપે તેણે બાળલગ્ન અટકાવવાનો પ્રયત્ન કર્યો અને પરિણામે તેના પર બળાત્કાર થયો. ખેતરમાં થયેલો બળાત્કાર પણ કામના સ્થળે જ ગણાય. પરિણામે વર્ષ ૧૯૯૭ માં સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપીને કામના સ્થળે જાતીય સતામણી રોકવા મારગ દર્ષિકા જાહેર કરી જે "વિશાખા ગાઈડ લાઈન" તરીકે જાણીતી થઈ.ભંવરી દેવીનો ન્યાયસંઘર્ષ અને સ્વૈચ્છિક સંસ્થાઓની સામાજિક નિસ્બત રંગ લાવી અને વર્ષ ૨૦૧૩ માં Harassment of Women at Workplace (Prevention , Prohibition and Redressal) Act અમલમાં આવ્યો.
આજે ભંવરી દેવી ૬૨ વર્ષના છે. નિવૃત્ત છે અને પેન્શન મળે છે. બહાદુરી ભર્યા કામ માટે વડાપ્રધાન નરસિંહમહા રાવે તેમને પચીસ હજાર રૂપિયાનું ઇનામ.આપ્યું હતું નોંધનીય એ છે કે આ પૈસા તેમણે પોતાના ભાઈઓને આપ્યા જેથી કુંભાર મહા પંચાયતનું આયોજન કરી જ્ઞાતિ બહિષ્કારનો અંત લાવી શકાયો.વર્ષ ૨૦૦૨ માં એ સમયના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ભંવરી દેવીને ઘર બનાવવા ચાલીસ હજાર રૂપિયા જાહેર કરાયા.ભંવરી દેવીએ ભારતમાં અનેક સંસ્થાઓમાં તેમના સંઘર્ષ વિશે વ્યાખ્યાન આપ્યા છે. વર્ષ ૧૯૯૪ માં બેજિંગ ખાતે આયોજિત વર્લ્ડ કોન્ફરન્સ ફોર વિમેનમાં તેઓએ ભાગ લીધો હતો. અદભૂત સાહસ અને નિસ્બત માટે તેમને નીરજા ભેનોટ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આજે ભારતમાં અનેક કામના સ્થળે જાતીય શોષણ સામે મહિલાઓને એક કાનૂની કવચ મળ્યું છે તેનો શ્રેય માત્ર ૧,૨૦૦ ની વસ્તી ધરાવતા ગામની ભંવરી દેવીને જાય છે. શાળાના પાઠ્યપુસ્તકોમાં અને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ભંવરી દેવીના ઐતિહાસિક પ્રદાનને ભણાવી મહિલા સશક્તિકરણની પ્રેરણા ઉગતી પેઢીને મળતી રહે તો આ લેખ સાચે જ દીવાદાંડી બની રહેશે.
टिप्पणियाँ