પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર
પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.
વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.
સાદર નમસ્કાર.
આપ બંને મહાનુભાવોને સંબંધિત હોઈ આ સંયુક્ત પત્ર લખવાની જરૂરત પડેલ છે. મોરબી જિલ્લાને સ્માર્ટ જીલ્લો જાહેર કરી ગુજરાત સરકારે આ જીલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને બધા જ કાયદાનાં અમલમાંથી મૂક્તિ આપી દીધાનો કોઈ હુકમ થયેલ હોય તેમ લાગે છે. કારણ કે, ગંભીર ગુનાના પૂરાવાઓ સાથે અનુસુચિત જાતિના લોકો પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો આપે છે પણ મહિનાઓ સુધી પોલીસ ગુન્હો નોંધતી નથી. અને આ અનુસુચિત જાતિના ફરીયાદીઓ દ્વારા આપ મુખ્યમંત્રી સમક્ષ સંખ્યાબંધ વખત રજુઆતો કરવા છતાં આપની સરકાર તરફથી આવા દોષિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. ત્યારે મુખ્યમંત્રી સાહેબ આનો અર્થ શું સમજવો? શું જે તે પોલીસ સ્ટેશનોને આવો હુકમ માત્ર અનુસુચિત જાતીની નોંધાતી ફરિયાદો માટે જ થયેલ છે કે કેમ?
દસ્તાવેજી પૂરાવાઓ રજુ કરું છું.----
(1) કેસ નં- (૧) ટંકારા પોલીસ સ્ટેશન ફરિયાદ આપ્યા તારીખ ૨૭/૦૬/૨૦૨૪ ફરીયાદી- ઝવેરભાઈ આલજીભાઈ સોલંકી ગામ-નેસડા (સુ) તા-ટંકારા.
ફરિયાદ હકીકત- ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામના ઘર વિહોણા અનુસુચિત જાતિના લોકોને ગુજરાત સરકારે મકાન બનાવવા તા-૦૩/૧૨/૧૯૯૨ના રોજ ૧ એકર અને ૧૫ ગુંઠા જમીન ફાળવવા હુકમ કર્યો. ગામના સવર્ણ હિંદુઓ કોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા. નામદાર ગુજરાત હાઈકોર્ટે તા-૦૯/૦૮/૨૦૦૨ નાં રોજ જજમેન્ટ આપી અનુસુચિત જાતિના લોકોને મકાન બનાવવા જમીન આપવાનો હુકમ કરેલ છે. જીલ્લા કલેકટરે પણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને સત્વરે હાઈકોર્ટના જજમેન્ટનો અમલ કરી અનુસુચિત જાતિના લોકોને પ્લોટ ફાળવવા હુકમ કર્યો છે. અને આમ છતાં છેલ્લા ૨૨ વર્ષથી આ અધિકારીઓ સમક્ષ સંખ્યાબંધ લેખિત રજુઆતો કરવા છતાં હાઈકોર્ટનાં જજમેન્ટનો અમલ કરતા નથી. એટલે દલિતોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ પૂરાવાઓ સાથે ફરિયાદ આપેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આ ફરિયાદની નકલ આપને પણ મોકલી છે. અને આમ છતાં આજે બે માસ પછી પણ ટંકારા પોલીસ સ્ટેશન ગુનો નોંધતી નથી. જ્યારે બીજીબાજુ આપ સાહેબને એજ ફરિયાદની નકલ આપેલ છે તેમાં પણ આપની CMO કચેરીએ શું કાર્યવાહી કરી તેની પણ કોઈ જાણકારી આપવામાં આવતી નથી. ફરીયાદી દલિતે પોલીસ ગુનો નોંધતી ન હોઈ મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ પણ લેખિત રજૂઆત કરેલ છે અને આમછતાં પોલીસ ગુનો નોંધતી નથી. આપ સાહેબ જણાવો હવે શું કરવું ?
નામદાર સુપ્રીમ કોર્ટે લલીતાકુમારી વિરૂધ્ધ ઉત્તર પ્રદેશના જજમેન્ટમાં સ્પષ્ટ આદેશ કરેલ છે કે, પોલીસ સ્ટેશનમાં આવેલ લેખિત ફરિયાદમાં વધુમાં વધુ સાત દિવસમાં ગુનો નોંધવો અથવા ગુનો ન નોંધવાના કારણોની ફરિયાદીને જાણ કરવી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ પણ સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટનો અમલ તાકીદે કરવો તેવો લેખિત હુકમ પણ કરેલ છે. અને આમ છતાં આજે ફરિયાદ આપ્યાના બે માસ થવા છતાં પોલીસ ગુનો નોંધતી નથી. કે ગુનો ન નોંધવાનાં કોઈ કારણોની પણ જાણ કરતી નથી. આપ બંને મહાનુભાવોને આ ગંભીર બાબતે તાત્કાલિક હુકમ કરવા માગણી છે.
(2) કેસ નં-૨ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ આપ્યા તારીખ ૨૫/૦૭/૨૦૨૩ ફરીયાદી- રમેશભાઈ ખીમાભાઈ મકવાણા ગામ-સોખડા તા.જી-મોરબી સોખડા ગામના દલિત વાસમાં સી.સી. રોડ બનાવવા સરકારે તા-૧૪/૦૬/૨૦૨૧ ના રોજ હુકમ કર્યો.
@ પંચાયતના રેકર્ડ મુજબ તા-૧૮/૦૪/૨૦૨૨ નાં રોજ સી.સી.રોડ બનાવવાનું કામ શરુ થયું.
@ તા-૦૮/૦૭/૨૦૨૨ કામ પૂરું થયાનું પંચનામું કરી સોશ્યલ ઓડીટ થયું.
@ તા-૧૫/૦૭/૨૦૨૨ નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરએ રસ્તાની ચકાસણી કરી પ્રમાણપત્ર આપ્યું. રસ્તો કાયદાનુસાર બરાબર બન્યો છે. અને નાણા ચૂકવાઈ ગયા.
@ તા-૨૦/૦૭/૨૦૨૩ આ રસ્તો ચોરાઈ ગયો. કશું જ ન મળે. સ્થળનો ફોટો ગ્રાફ લીધો.
માનનીય મુખ્યમંત્રી સાહેબ ભ્રષ્ટાચારનો આથી વધારે બીજો સંગીન પૂરાવો શું હોઈ શકે ?
માનનીય મુખ્યમંત્રીશ્રી આપનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધનું ભાષણ સાંભળી ખુશ થઇ ગયેલા ફરીયાદી દલીતને વિશ્વાસ હતો કે, હું આ ભ્રષ્ટાચારના પૂરાવાઓ સહીત ની ફરિયાદ જો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોકલીશ તો તેઓ તાત્કાલિક કાર્યવાહી કરવાનો હુકમ કરશે. એટલે આ દલિત ફરિયાદીએ હર્ષભેર આ દસ્તાવેજી પૂરાવાઓ અને સ્થળના ફોટા સાથે આપને ફરિયાદ મોકલી આપી. એની ફરિયાદ CMO કચેરીએ માર્ગ મકાન વિભાગ પાસે રીપોર્ટ મંગાવવા મોકલી આપ્યાની જાણ કરી. મુખ્યમંત્રી સાહેબ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. હારી થાકીને દલિત રમેશ ખીમાએ આ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ તા-૨૫/૦૭/૨૦૨૩ નાં રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી. પણ પોલીસ સ્ટેશન ભ્રષ્ટાચારનાં દસ્તાવેજી પૂરાવાઓ હોવા છતાં પાંચ માસથી પોલીસ ગુનો દાખલ કરતી નથી. એટલે આ દલિત ફરિયાદીએ તા-૦૪/૧૨/૨૦૨૩ ના રોજ પોલીસ વિરુધ્ધ મોરબી કોર્ટમાં કેસ દાખલ કરી આ ગરીબ ખેત મજુર સ્વમાનની લડાઈ લડી રહ્યો છે. આમ એક અંતરિયાળ ગામડામાં એક સામાન્ય અનુસુચિત જાતિનો ગરીબ ખેત મજુર આપની સરકારના ભ્રષ્ટાચારી તંત્ર વિરૂધ્ધ સામાજિક ન્યાય મેળવવા લડી રહ્યો છે. ત્યારે બીજીબાજુ આપની સરકાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓનું ખૂલ્લે આમ રક્ષણ કરી છે. તેનો આ સંગીન પૂરાવો રજુ કરું છું.
માનનીય મુખ્યમંત્રી સાહેબ આપને વિનંતિ છે કે, આપને સંબોધીને આપેલ આ બંને ગંભીર ફરિયાદોમાં આપની CMO કચેરી એ શું કાર્યવાહી કરી? CMO કચેરીએ શું રીપોર્ટ મેળવ્યા ? એ આપ જાણી શકો તેમ છો ખરા કે ? ત્યારે જ આપને ખબર પડશે કે, આ CMO કચેરી સામાન્ય નાગરીકો માટે કાર્યરત છે કે પછી VIP લોકોના VIP કામો માટે છે.
આમ તો રાજ્યના અમારા જેવા સામાન્ય નાગરિકોને આપની સરકારના કોઈ ખાતા તરફથી ક્યારેય જવાબ અપાતા નથી. આમ છતાં જો આ પત્ર કદાચ આપ સાહેબના "વંચાણે" મૂકાય તો, અમારી આપ સાહેબને વિનંતિ છે કે, આ દસ્તાવેજી પૂરાવાઓ ને ધ્યાને લઇ આપના વહીવટી તંત્રે શું કાર્યવાહી કરી અને શું નિર્ણય લીધો તેની જાણ અમોને કરશો તેવી અપેક્ષા.
સહ આભાર.
---
*સેક્રેટરી, Council for Social Justice, અમદાવાદ
टिप्पणियाँ