ખૂબ જ શરમજનક ઘટના ગુજરાતમાં બની છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના ખેરોલા ગામે શાળામાં 15 ઓગસ્ટ 2024ના રોજ સવારે નવ વાગ્યે આઝાદી દિનની ઊજવણી થઈ રહી હતી. ગામના વાલ્મિકી સમાજના કાસુબેન મફાભાઈ પરમારના દિલમાં પણ આઝાદીનો ઉમંગ હતો. એમને થયું કે આજે તો બધાં બાળકોના મોં મીઠાં કરાવવા છે. આ ભાવનાથી ચોકલેટની થેલી લઈને તેઓ શાળાએ પહોંચ્યા અને બાળકોને ચોકલેટ વિતરણ શરુ કરે તે પહેલાં કાસુબેનના હાથમાં ચોકલેટની થેલી જોઈને ગમન મશરુભાઈ રબારી ભડક્યા.
ગમન રબારીએ કાસુબેનના હાથમાંથી ચોકલેટની થેલી છીનવી લઈને ફેંકી દીધી અને ગાળો આપી કહ્યું કે “તમારી ચોકલેટ અમારા બાળકોને આપો તો અમારા બાળકો અભડાઈ જાય ! એ સમયે ચેહરા કાળુભાઈ રબારીએ કાસુબેનને મા-બેનની ગાળો આપી કહ્યું કે “તમારા…હાથની ચોકલેટ અમારા બાળકોને કેમ આપો છો? અરજણ રુડા રબારી તથા ભરતજી સદાજી ઠાકોરે પણ કાસુબેનને મા-બેનની ગાળો આપી અને કહેલ કે “તમારો અને અમારો વાટલે વેવાર નથી, તમારા હાથની કોઈ પણ વસ્તુ અમારા સમાજના બાળકોને આપો તો અમે અભડાઈ જઈએ.”
ભરતજી ઠાકોરે આકરા શબ્દોમાં કાસુબેને ધમકી આપી કે “હું શાળાનો સભ્ય છું, તમે તમારા સમાજના છોકરા સિવાય બીજા સમાજના છોકરાઓને હવે પછી કોઈ વસ્તુ આપવાની હિંમત કરશો તો જાનથી મારી નાખીશું ! તમારા બાળકોને શાળામાંથી કાઢી મૂકીશું.” આ સમયે ગમન/ચેહરા/ અરજણ/ ભરતજીએ કાસુબેનને કહેલ કે “તમે અને તમારા સમાજના બાળકો શાળામાંથી તાત્કાલિક બહાર નિકળો ! નહીંતો સાલાઓ તમને મારીને બહાર કાઢવા પડશે !” કાસુબેન અને વાલ્મિકી સમુદાયના બાળકો ડરના માર્યા આઝાદી દિનની ઊજવણી છોડીને ઘેર જતા રહ્યા.
બપોરના બાર વાગ્યે વાલ્મિકી નરેશભાઈ પોપટભાઈ પરમાર અને વાલ્મિકી સમાજના અન્ય માણસો ભેગા થઈ શાળામાં ગયા અને આચાર્ય દક્ષેશ ભાવસારને કહ્યું કે “શાળામાં મધ્યાહન ભોજન સમયે અમારા બાળકોને અલગ જમવા કેમ બેસાડો છો?” ત્યારે દક્ષેશ ભાવસારે કહેલ કે “તમારા બાળકોને અલગ બેસાડવાના છે, તમારાથી જે થાય તે કરી લો !”
આ ઘટના બાબતે પોલીસે BNS કલમ- 296(b)/ 351(3)/ 54 તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(r)/ 3(1)(s)/ 3(2) (va) હેઠળ 16 ઓગસ્ટ 2024ના રોજ 18.45 વાગ્યે આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
થોડાં પ્રશ્નો :
[1] દલિતો ચોકલેટ આપે તેથી બિનદલિતો અભડાઈ જાય? માની લઈએ કે બિનદલિત ચોકલેટ વિતરણ કરે છે તો ચોકલેટ બનાવનાર દલિત નહીં હોય તેની તેને ખાતરી હોય છે? દલિતોએ પરસેવો પાડી ઘઉં ઊગાડ્યા હશે, પશુપાલન કરી દૂધ ડેરીમાં આપ્યું હશે અને તેનો ઉપયોગ ચોકલેટમાં થયો હશે, એની આરોપીઓએ ખાતરી કરી હશે?
[2] આપણું શિક્ષણતંત્ર પણ ખાડે ગયું છે. એક આચાર્યમાં/ શિક્ષકમાં માણસાઈ ઊભી કરી શકતા નથી. સરકારી પગાર મેળવતો આચાર્ય પણ અછૂતપણું દાખવે તો સમાજ ક્યારે બદલાશે? આનો અર્થ એ છે કે જિલ્લા શિક્ષણાધિકારીનું સુપરવિઝન બિલકુલ નથી. આવી ઘટના જ્યારે પણ બને ત્યારે તાત્કાલિક આરોપીઓને જેલમાં પૂરવા જોઈએ. શિક્ષક અને તેના સુપરવઈઝરી અધિકારીને ફરજમોકૂફ કરી સરકારે આકરાં પગલાં લઈ દાખલો બેસાડવો પડે. સરકાર પગલાં લેતી નથી એટલે દલિતો પ્રત્યેની માનસિકતા બદલાતી નથી. શું આ ઘટનાથી સરકારની સંવેદનશીલતા જાગશે?
[3] વાઈબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા એ છે કે હજુ પણ ગામડાઓમાં દલિતોના બાળકોને મધ્યાહન ભોજન વેળાએ અલગ બેસાડવામાં આવે છે ! આરોપીઓ ખુદ OBC છે અને દલિતો સાથે અપમાનજનક વ્યવહાર કરે છે ! આ માનસિકતા ક્યારે છોડીશું? આ માનસિકતા દૂર કરવા સરકારના શું પ્રયત્નો છે? સત્તાપક્ષ મનુસ્મૃતિના સમયને પુન:સ્થાપિત કરવા ઈચ્છે ત્યારે આવી સામંતવાદી માનસિકતા દૂર થાય કે મજબૂત બને?
[4] આવી શરમજનક ઘટના બને ત્યારે મીડિયાની ફરજ છે કે સરકારની/ તંત્રની ઝાટકણી કાઢવી જોઈએ. શું મીડિયા પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે?
टिप्पणियाँ