૧૦૩ વર્ષ અર્થાત્ એક સદીથી 'ફૂલછાબ' અખબાર ગુજરાત, ભારત અને વિશ્વનું દર્પણ બની રહ્યું છે. આ દર્પણના સર્જક છે અમૃતલાલ શેઠ. તેઓ 'સૌરાષ્ટ્રના સિંહ' તરીકે પણ જાણીતા છે.નીડર પત્રકાર અને ગાંધીવાદી સત્યાગ્રહી અમૃતલાલની બહુમુખી પ્રતિભા વિશે આજે વાત કરવી છે. એક તરફ સૌરાષ્ટ્રના કેટલાક જુલ્મી રાજવીઓ સામે તેજાબી કલમ ચલાવી લોકોની યાતનાઓને વાચા આપી તો બીજી તરફ અંગ્રેજ હકુમત સામે ગાંધીવિચાર અને આચારથી સ્વાતંત્ર્ય સૈનિક તરીકે અનેકવાર જેલવાસ ભોગવ્યો.ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે આપણે ગુજરાતીઓ અમૃતલાલ શેઠને યાદ કરીને ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસને અને આઝાદીની ચળવળના ગૌરવપૂર્ણ યુગને યાદ કરીએ.
એક સદી પૂર્વે વર્ષ ૧૯૨૧ના જુલાઈ મહિનામાં મુંબઈના મોરારજી ગોકુળદાસ માર્કેટના હૉલની એક સભામાં લીંબડીના એક યુવાને તેના ભાષણમાં ઉભરો ઠાલવ્યો, "અમારા અંતરની આગ ઠાલવવાનું પણ આજે તો અમારી પાસે સાધન નથી.વર્તમાનપત્રો તે પીડિતોને પીડામાં હિસ્સેદારી કરે કે રાજસ્થાનોના રાજવી વિલાસોને બરદાસ કરે ? અમારે તો વર્તમાનપત્ર જોઈએ , એવું કે જે અમારાં આંસુથી રેલાય ,જે અમારા લોહીથી લખાય." લગભગ એક કલાક ચાલેલા આ ભાષણને અંતે લીંબડી અને વઢવાણથી આવેલા અને અમૃતલાલની બાજુમાં બેઠેલા ધનવાન મિત્રોમાંથી જગજીવનદાસે કહ્યું,
"તો તમે કહો છો તેવું વર્તમાનપત્ર તમે જ કાઢો ને?"
અમૃતલાલ કહ્યું ,"પણ પૈસા જોઈએ ને?"
"કેટલા જોઈએ?"
"પચીસ હજાર".
જગજીવનદાસે વ્યાસપીઠ પર બેઠેલા ધનવાન મિત્રોની તરત મંજૂરી લઈ લીધી અને અમૃતલાલને કહ્યું,
"જાઓ આપ્યા".
ક્ષણના વિલંબ વિના અમૃતલાલે વળતો જવાબ આપ્યો
"તો લીધા".
મુંબઈની આ સભામાં 'સૌરાષ્ટ્ર' અખબારનાં બીજ રોપાયા .સમય જતાં 'સૌરાષ્ટ્ર ' ઝવેરચંદ મેઘાણીના હસ્તે નવા રંગે રંગાયું અને બન્યું આજનું ફૂલછાબ જે તમારા હાથમાં છે.
મહાત્મા ગાંધીએ અમૃતલાલને સૌરાષ્ટ્રમાં કામ કરવાનું સૂચન કર્યું હતું એ દિશામાં ત્રીસ વર્ષના અમૃતલાલે લીંબડીમાં એક છાપખાનું ખરીદ્યું અને રાણપુરમાં 'સૌરાષ્ટ્ર' ને છાપવાનું શરૂ કર્યું. લીંબડીમાં સ્વાતંત્ર્ય મર્યાદિત એટલે બ્રિટિશ ભારતમાં આવેલું અમદાવાદ જીલાનું રાણપુર પસંદ થયું.મહાત્મા ગાંધીના જન્મ દિવસે રવિવાર, બીજી ઓકટોબર, ૧૯૨૧ ના દિવસે સૌરાષ્ટ્રનો પ્રથમ અંક બહાર પડ્યો.
પ્રથમ અંકમાં 'પ્રયોજન' મથાળા હેઠળ સૌરાષ્ટ્ર શા માટે એ સંદર્ભના લેખનો એક અંશ: "એ વાત અને છુપાવવા નથી માંગતા , અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે અમારું આ પત્ર જ્યાં જ્યાં જુલમ જોશે ,જ્યાં જ્યાં અન્યાય દેખશે ત્યાં ત્યાં પોતાનું સઘળું બળ તે સામે વાપરશે.દેશી રાજ્યો કે એજન્સીની સામે જ્યારે જ્યારે અવાજ ઉઠાવવો ન્યાય લાગશે ત્યારે ત્યારે તે નીડરતાપૂર્વક ઉઠાવશે".
સૌરાષ્ટ્રના સિંહના બાળપણ અને ઉછેરની વાત કરીએ એ પૂર્વે અમૃતલાલ શેઠેના વ્યક્તિત્વે સર્જેલા પારિવારિક વારસાના ગૌરવને સન્માનીએ ! તેમની પુત્રી એટલે સાહિત્ય સર્જક લાભુબહેન મહેતા. લાભુ બહેનના પતિ મોહનલાલ મેહતા (સોપાન) જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે .લાભુબહેનની પુત્રી અર્થાત્ અમૃતલાલની દોહિત્રી એ ભારતના જાણીતા લેખક વર્ષા દાસ.અને વર્ષા દાસની પુત્રી નંદિતા દાસ જેઓ એક પ્રખ્યાત અભિનેત્રી છે . વર્ષા દાસે તેમના નાના વિશે નેશનલ બુક ટ્રસ્ટની 'રાષ્ટ્રીય જીવનચરિત્રમાળા' હેઠળ 'અમૃતલાલ શેઠ' પુસ્તક લખ્યું છે. આ પુસ્તક અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રાપ્ય છે. પ્રસ્તુત લેખની હકીકતો વર્ષા દાસના પુસ્તક અને કાંતિલાલ શાહ લિખિત પુસ્તક 'સૌરાષ્ટ્રમાં ગાંધીજી' માથી સાભાર લેવામાં આવી છે.
અમૃતલાલનો જન્મ ૨૫ ઓગસ્ટ, ૧૮૯૧માં લીંબડીમાં થયો હતો. માતા ઝબકબહેન અને પિતા દલપતભાઈના ત્રણ સંતાનોમાં અમૃતલાલ વચેટ.પિતા ધરમપુરની શાળામાં શિક્ષક હતા અને નિવૃત્ત થયા એટલે લીંબડી પાછા આવ્યા. લીંબડીમાં એ સમયે શાળા ન હતી એટલે અમૃતલાલ વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી ભણ્યા . હાઈસ્કૂલમાં તેમના મિત્રોમાં સ્વામી આનંદ (હિંમતલાલ ત્રિવેદી) પણ હતા. પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી.નિવૃત્ત થયા પછી પિતાને મહિને માત્ર પાંચ રૂપિયા પેન્શન મળતું. પૂરી થાળી ભરીને જમવાનું ક્યારેય ન મળતું. શાળા જીવન દરમ્યાન અમૃતલાલ આઝાદીના રંગે રંગાયા m. એ દિવસોમાં 'વંદે માતરમ્'. બોલવું ગુનો ગણાતું તેમ છતાં તેઓ વર્ગના કાળા પાટિયા પર વંદે માતરમ્ લખતા. વળી બંગભંગ ની નેતા ત્રિપુટી લાલ બાલ અને પાલની તસવીરો પણ અંગ્રેજો સહન કરી શકતા નહિ એ દિવસોમાં કિશોર અમૃતલાલ ઘરમાં એ તસવીરો રાખતો અને ઘરે પોલીસ આવે તો પણ હિંમતથી સામનો કરતો.
મેટ્રિકથી વધુ ન ભણી શકતા અમૃતલાલ ધરમપુરમાં શિક્ષકની નોકરીમાં જોડાયા પણ ત્યાંથી રાજીનામું આપ્યું અને લીંબડીમાં ઘરે રહી વકીલાતનો અભ્યાસ કર્યો અને જોત જોતામાં તેઓ નામાંકીત વકીલ તરીકે પંકાયા.પ્રતિષ્ઠા અને ધન બન્ને કમાયા .તેમના લગ્ન રૂક્ષ્મણી બહેન સાથે થયા હતા. મૂળી દરબાર અને લીંબડીના ઠાકોર સાહેબ ના વકીલ તરીકે કામ કર્યું પણ.પોતાની શરતે અને ન્યાયને જ મહત્વ આપીને.લીંબડીના રાજા દોલતસિંહ ના નિમંત્રણથી તેઓ ત્યાં ન્યાયાધીશ બન્યા હતા.
સૌરાષ્ટ્ર અખબારનાં નિર્માતા તરીકે જાણે વિધિના લેખ હતા એટલે અમૃતલાલ વકીલાત છોડી દે છે. સૌરાષ્ટ્ર કાર્યાલયમાં ઝવેરચંદ મેઘાણી પણ જોડાય છે.મર્યાદિત નાણાં હોવાને કારણે અત્યંત સાદગીથી અખબાર છાપવાનું કામ શરૂ થયું. શરૂઆતમાં છાપવાનું મશીન હાથથી ચલાવું પડતું.વાર્ષિક લવાજમ ભારતમાં રૂપિયા પાંચ અને વિદેશમાં સાત રૂપિયા હતું. દેશી રાજ્યોની માહિતી લેવા ઘોડા પર અમૃતલાલ નીકળી પડતાં અને સ્વરક્ષણ માટે છ ભડાકાની પિસ્તોલ કાયમ.પાસે રાખતા.સૌરાષ્ટ્ર સૌનું માનીતું અખબાર થઈ ગયું.વર્ષ ૧૯૨૨ માં વઢવાણમાં હિન્દુ મુસ્લિમ રમખાણ થયું ત્યારે અમૃતલાલે તંત્રી લેખમાં લખ્યું, "આજે તો મંદિરમાં બેઠેલા રામ અને મસ્જિદમાં અલ્લા પણ રડતા હશે. હસે છે માત્ર હિન્દુસ્તાનના કલ્યાણના શત્રુઓ અને ફૂટ પાડીને શાસન કરનારા રાજકારણીઓ".
સૌરાષ્ટ્ર સત્યાગ્રહનો અવાજ બની ગયું હતું.વળી લોકોની સ્તિથી જાણવા તેઓ સર્વે કરાવતા અને તે લેખમાળા રૂપે સૌરાષ્ટ્ર મા છપાતા.ગગનવિહારી મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક અને ડો સુમંત મહેતા પણ એમાં લેખો લખતા.
અમૃતલાલ અમદાવાદ જિલ્લામાંથી મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહમાં અમૃતલાલ અને સૌરાષ્ટ્ર અખબારે મહત્વની ભૂમિકા ભજવી હતી .એ જ વર્ષે અલવરના રાજા વાંકાનેરની એક રાજપૂત કિશોરીને પરણવાના હતા એ જાણી અમૃતલાલે સૌરાષ્ટ્રમાં લેખ લખીને અભિયાન શરૂ કર્યું અને આ લગ્ન અટકાવ્યા હતા.
મીઠાના સત્યાગ્રહ માટે મહાત્મા ગાંધીએ પસંદ કરેલા નેતાઓમાં અમૃતલાલ હતા. ગાંધીજીએ તેમને ધોલેરાના દરિયાકિનારે મીઠાના સત્યાગ્રહ નું નેતૃત્વ સોંપ્યું. ૧૯૩૦ ની છઠ્ઠી એપ્રિલે સત્યાગ્રહ શરૂ થયો.સૌરાષ્ટ્ર અખબાર આ સત્યાગ્રહ માટે માધ્યમ બની ગયું અનેક યુવાન કાર્યકર્તાઓ સત્યાગ્રહમાં જોડાયા.હાથમાં મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો.પોલીસે અમાનુષી અત્યાચાર કર્યો.અમૃતલાલની ધરપકડ થઈ અને અઢી વર્ષ જેલમાં રહ્યા.એ દરમ્યાન નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવાર પર સંકટ આવ્યું અને સૌરાષ્ટ્ર થોડો સમય બંધ થઈ ગયું.
વર્ષ ૧૯૩૧માં ઇંગ્લેન્ડમાં ભરાયેલી ગોળમેજી પરિષદમાં અમૃતલાલે હાજરી આપી હતી .એ સમયે મહાત્મા ગાંધીના ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિશે ઝવેરચંદ મેઘાણીએ એક કલાકમાં અમર કવ્યું રચ્યું એ કાવ્યમાં એક મહત્વનો સુધારો સંપાદક અમૃતલાલે કરીને સૌરાષ્ટ્ર મા પ્રગટ કર્યું .મૂળ કાવ્યમાં મેઘાણીએ 'છેલ્લો કટોરો ઝેરનો પી જજો બંધુ' એમ લખેલું તેમાં બંધુ ને સ્થાને 'બાપુ' મૂકીને અમૃક્તલાલે કાવ્ય ને વધુ પ્રભાવી બનાવ્યું હતું.લંડનથી પરત ભારત આવેલા અમૃતલાલને બંદર પરથી જ પકડી.લીધા અને ને વર્ષ નાસિક જેલમાં રહ્યા.
એ દિવસોમાં સૌરાષ્ટ્ર માથી રાજીનામું આપી તેઓ મુંબઈ આવ્યા. શરૂઆતમાં ધ ડેઇલી સન નામનું અંગ્રેજી છાપું શરૂ કર્યું પણ એ ના ચાલ્યું તેને કારણે મોટું દેવું થઈ ગયું. સૌરાષ્ટ્ર ની સિંહ કદી હિંમત હારે? સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હેઠળ તેમણે 'જન્મભૂમિ' અખબાર શરૂ કર્યું એ માટે પૂર્વ આફ્રિકાના મિત્રોએ ૪૬ હજાર રૂપિયા મોકલ્યા હતા.બીજી તરફ રાણપુર માં સૌરાષ્ટ્ર બંધ થયું એ પછી ઝવેરચંદ મેઘાણી ને તંત્રીપદ હેઠળ 'ફૂલછાબ' સાપ્તાહિક શરૂ થયું અને સમય જતાં એ દૈનિક બન્યું.નીડર પત્રકાર અને અન્યાય સામે લડતા ગાંધીવાદી અમૃતલાલ ની ઈર્ષા કરનારા નીકળી પડ્યા અને તેમની ઉપર સૌરાષ્ટ્ર સેવા સમિતિમાં નાણાકીય ગોટાળા કરવાના આક્ષેપ થયા. ભારે વિવાદ થયો અને અંતે મહાત્મા ગાંધીજી પાસે વાત આવી .હિસાબ કિતાબ ગાંધીજી પાસે મોકલવામાં આવ્યા .એ સમયે ગાંધીજી તિથલ હતા. નવ કલાક હિસાબો તપાસ્યા બાદ ગાંધીજીએ અમૃતલાલ પર મુકાયેલા તમામ આક્ષેપો ખોટા ઠેરવ્યા. ૧૨ જૂન ,૧૯૩૭ ના ફૂલછાબ ના અંકમાં પ્રથમ પાને ગાંધીજીનો ચુકાદો છાપવામાં આવ્યો.
યુદ્ધ પત્રકાર તરીકે પણ તેમની યશસ્વી કામગીરી રહી. જીવના જોખમે બર્મા અને સિયામ જઈ સુભાષચંદ્ર બોસની પ્રવુતિઓ અંગેના દસ્તાવેજો ભારત લઈ આવ્યા. જૂનાગઢની આરઝી હકૂમતના આંદોલનકારી દિવસોમાં અમૃતલાલે મહત્વની ભૂમિકા ભજવી અને જન્મભૂમિ માં જૂનાગઢના નવાબના અત્યાચારોને ઉઘાડાં પાડ્યા. વર્ષ ૧૯૪૮ માં તેઓ જન્મભૂમિ માથી નિવૃત્ત થયા .તેઓએ મુંબઈ નજીક ચાંદિવલી માં જાપાની પઢતિથી ખેતી પણ શરૂ કરેલી. ૨૩ જુલાઈ ૧૯૫૪ ના દિવસે રુદયરોગ ના ભારે હુમલાએ કુદરતે અચાનક આ બાહોશ પત્રકાર પ્રગતિશીલ લેખક અને આઝાદીના લડવૈયાને આપણી પાસેથી છીનવી લીધા. ગુજરાતનું પત્રકારત્વ સદાય આ 'સિંહ' નું ઋણી રહેશે.
टिप्पणियाँ