सीधे मुख्य सामग्री पर जाएं

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન* 

તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.
ભાષા અને વિષયજ્ઞાનની મર્યાદાથી તમામ લોકો માટે 565 પાનાંનો દળદાર ચુકાદો વાંચવો-સમજવો સહેલો ન બને તે સહજ છે. કાર્યકરોનું કામ અભ્યાસ કરી જે લોકો ચુકાદો સમજી ન શકે તેમને માર્ગદર્શન આપવાનું છે. 
વૈચારિક સ્પષ્ટતા આંદોલનની પ્રાથમિક પૂર્વશરત છે. અભ્યાસપૂર્ણ રજુઆત કરી લોકોને સમજાવી શકે તે 'પ્રોફેશનલ' કહેવાય. ખભે ઝોલો લટકાવવાથી કે ફેસબુકમાં દસે દિશામાં ફડાકા ઝીંકવાથી સામાજિક કાર્યકર ન બનાય.
આ લેખનો હેતુ સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અનુસંધાને વ્યાપક દ્રષ્ટિકોણમાં સમજ કેળવાય તે છે. આ ચુકાદાને ઐતિહાસિક પરિપ્રેક્ષમાં પણ સમજવો જોઈએ.

અનામતના ઇતિહાસ પર એક નજર: 

1. 1881ની સાલમાં અંગ્રેજ સરકાર રચિત હંન્ટર પંચ સમક્ષ મહામાનવ જ્યોતિબા ફૂલેની વ્યાપક રજુઆતનો એક અંશ અહીં પ્રસ્તુત છે જે અનામતના ઇતિહાસમાં પાયારૂપ છે.  " દરેક ગામમાં શુદ્રો માટે શાળા બનવી જોઈએ પરંતુ તેમાં શાળાના શિક્ષક બ્રાહ્મણ ન હોવા જોઈએ." જ્યોતિબા ફુલેની રજુઆત એ હતી કે અંગ્રેજ સરકારની આવક શૂદ્રોના પરસેવામાંથી થાય છે પણ તે સરકાર શિક્ષણ પાછળ ખર્ચ માત્ર કહેવાતી ઉપલી જાતિઓ માટે જ કરે છે.  
2. 26 જુલાઈ 1902: છત્રપતિ શાહુ  મહારાજે તેમના કોલ્હાપુર રાજ્યમાં 50 ટકા સરકારી નોકરીઓ બિન-બ્રાહ્મણ વર્ગ માટે અનામત જાહેર કરી. વધુમાં, જ્યાં સુધી બિન-બ્રાહ્મણોનું  રાજ્યની નોકરીમાં 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી બ્રાહ્મણોની નવી નિમણુંક પર પ્રતિબંધ મુક્યો.
3. 1909: 'ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ ' (મોર્લી -મિન્ટો સુધારા) હેઠળ અંગ્રેજ રાજ હેઠળના ભારતમાં બહુમતી મુસ્લિમ વસ્તીવાળા પ્રદેશોમાં અલગ મતાધિકારનો અધિકાર મુસ્લિમોને આપવામાં આવ્યો. માત્ર મુસ્લિમ મતદાર મુસ્લિમ ઉમેદવારને ચૂંટી શકે તેવો આ અધિકાર હતો. 
4. 1918: મૈસુર રાજ્યમાં વોકકાલીંગા અને લિંગાયત સમૂહ દ્વારા ચલાવાતી બ્રાહ્મણ વિરોઘી ચળવળના આગેવાનોની રજૂઆતના કારણે મહારાજા નલવાડી કૃષ્ણરાજ વાડિયાર દ્વારા અંગ્રેજ ન્યાયમૂર્તિ મિલરના વડપણ હેઠળ વિવિધ જાતિસમૂહોનું સરકારી નોકરીમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા ભલામણ કરવા પંચની રચના કરી. પંચે ઉચ્ચ કક્ષાની નોકરીમાં 50 ટકા અને નીચી પાયરીની બે તૃતીયાંશ નોકરી બિન-બ્રાહ્મણ વર્ગો માટે અનામત રાખવાની ભલામણ કરી. મહારાજે ભલામણનો સ્વીકાર કરતાં રાજ્યના દીવાને રાજીનામુ આપ્યું. 
5. 27 જાન્યુઆરી 1919: ડૉ આંબેડકરે સાઉથબરો પંચ સમક્ષ ત્રણ મુખ્ય માંગણી અંગે રજુઆત કરી 
(અ) સમાજમાં દરજ્જો, સંપત્તિ અને શિક્ષણને આધારે માત્ર 2.33 ટકા મતાધિકાર ધરાવતા લોકોના બદલે ઉંમરને આધારે તમામ ભારતીય મતદારોને મત આપવાનો અધિકાર મળવો જોઈએ. બાબાસાહેબના માટે પ્રતિનિધિત્વ (મત આપવાનો અને સરકારી સ્થાનોમાં ચૂંટવાનો અધિકાર) આ નાગરિકતાના અધિકાર સાથે વણાયેલી બાબત હતી.
(બ)  'ડિપ્રેસ્ડ વર્ગ' (અસ્પૃશ્યતાનો ભોગ બનનાર વર્ગ)  માટે સામાન્ય ચૂંટણી દ્વારા રાજકીય અનામત મળવી જોઈએ 
(ક) નોંધાયેલા મજુર સંઘોમાં પણ ચૂંટણીના આધારે મજુર વર્ગનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થવું જોઈએ. પંચની ભલામણથી મુંબઈ વિધાસભામાં ખાશ પ્રતિનિધિત્વ મળ્યું જેને આધારે ડૉ પી જી સોલંકી અને ડો આંબેડકર ની નિમણુંક થઇ. 
6. 23 ઓક્ટોબર 1928: મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસના બહિષ્કારથી ઉપરવટ જઈ સાયમન કમિશન સમક્ષ રજુઆત કરનાર હિન્દૂ મહાસભા ઉપરાંત ડૉ આંબેડકર- ડૉ પી જી સોલંકી હતા. ડિપ્રેસ્ડ વર્ગો માટે માંગણી એ હતી કે જો ઉંમરના આધારે તમામ લોકોને મત આપવાનો અધિકાર મળે તો ડિપ્રેસ્ડ વર્ગો ને સઘળા મતદારો ચૂંટે તેવી અનામત બેઠકો મળે અને જો ઉપર જણાવ્યા મુજબ મતાધિકાર ન મળવાનો હોય તો  મુસ્લિમોની જેમ અલગ મતાધિકાર મળવો જોઈએ. 
પોતાની રજૂઆતના સમર્થનમાં ડૉ આંબેડકરમાં દ્વારા વિસ્તૃત પુરાવા રજુ થયા  જેનો મુખ્ય સાર આ મુજબ છે:
(ક) ડૉ આંબેડકરના શબ્દોમાં: 'એક વાર હું ડિપ્રેસ્ડ વર્ગના વ્યક્તિનો કેસ અદાલતમાં લડતો હતો. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો અરજદાર અદાલતની બહાર એક બારી પાછળ ઉભો હતો. તેનું કહેવું હતું કે તમે મારા વતી અદાલતમાં રજુઆત કરો છો તે પૂરતું છે. હું જો અદાલતમાં આવું તો તમારા ગયા પછી મારે ભારે સામાજિક બહિષ્કાર વેઠવો પડે.'  
(ખ) ડિપ્રેસ્ડ વર્ગના વ્યક્તિના ઘર ગામની મધ્યમાં નહિ પરંતુ ગામના છેવાડે હોય છે. 
(ગ) હું એક રૂપિયો આપું તો પણ હજામ મારુ માથું ન મુંડે. 
(ઘ) કાપડની મિલોમાં ડિપ્રેસ્ડ વર્ગના વ્યક્તિને રોજગારી મળે છે પણ જ્યાં વધારે પૈસા કમાઈ શકાય તેવા વણાટ વિભાગમાં તેમને નીમવામાં આવતા નથી. 
(ચ) મુંબઈ મહાનગરપાલિકા આ વર્ગના બાળકો માટે અલગ શાળાઓ ચલાવે છે. હવે 'ફરજીયાત શિક્ષણ' ની યોજના હેઠળ આર્થિક બોજ ઘટાડવા છૂટી છવાઈ શાળાઓ ઘટાડવા મહાનગપાલિકા માંગે છે. આમ કરવા ડિપ્રેસ્ડ વર્ગના બાળકોને સામુહિક શાળાઓમાં સમાવવા પડે. પ્રશ્ન એ ઉભો થયો કે આ વર્ગના બાળકો માટે પીવાના  પાણીની વ્યવસ્થા કેવી કરી કરવી. મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો કે 'અમે આભડછેટના પક્ષમાં નથી'. જાણીતા અને કહેવાતી ઉજળિયાત કોમના આગેવાનોએ આ ઠરાવનો વિરોધ કરવા સભાનું આયોજન કરી જાહેર કર્યું છે કે આભડછેટ ન પળાય તે અમારા હિન્દૂ ધર્મ વિરોધી કૃત્ય છે. 
(છ) ડૉ આંબેડકરે જણાવ્યું કે અદાલતમાં વકીલાત કરનાર ડિપ્રેસ્ડ વર્ગના તે એકમાત્ર વકીલ છે. 
(જ) ડિપ્રેસ્ડ વર્ગના લોકો પોતાની અનિચ્છનીય ટેવો છોડે તે માટે મેં આંદોલન ચલાવ્યું. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે મને આ બાબતમાં સહકાર આપવાના બદલે કહેવાતા ઊંચી જાતિના હિન્દુઓએ મારી પ્રવૃત્તિનો વિરોધ કર્યો. મને સમજાયું કે તેમને બીક એ હતી જો ડિપ્રેસ્ડ વર્ગના લોકો નિમ્ન ગણાતા કામ છોડી દેશે તો તે તેમની બરાબરી કરશે અને તેનું સામાજિક વર્ચસ્વ વધી જશે. દાખલા તરીકે કોલાબા અને રત્નાગીરી જિલ્લામાં ડિપ્રેસ્ડ વર્ગના લોકોએ મરેલ પશુનું માંસ ખાવાનું બંધ કર્યું તો તેમની સામે વર્ણવી ન શકાય તેવો સંપૂર્ણ આર્થિક અને સામાજિક બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો. જે જમીનો વર્ષોથી (ભાગે) તે ખેડતા હતા તે જમીનો હિન્દૂ નેતાઓએ આંચકી લીધી. તમામ પ્રકારનું આર્થિક અને સામાજિક દબાણ એટલી હદે તેમના પર ઉભું કરવામાં આવ્યું કે જેથી તે ગણાતી કુટેવો પાછી અપનાવી લે. તમામ અધિકારીઓ જે આવા હિન્દૂ વર્ગના હતા તેમણે ડિપ્રેસ્ડ વર્ગના લોકોને રક્ષણ ન આપ્યું અને તેથી તેમની  દશા અત્યંત દયાજનક બની. મારા આ કામનો આવા લોકો વિરોધ કરી કહે છે કે આવી ગંદી ગણાતી કુટેવો ડિપ્રેસ્ડ વર્ગના લોકોની ઓળખનું પ્રતીક છે અને તે જળવાઈ રહેવું જોઈએ. 
(ઝ) ડિપ્રેસ્ડ વર્ગના લોકોને અતિ ગંભીર માંદગી સિવાય દવાખાનામાં પ્રવેશ નથી. સામાન્ય રીતે તેમને દવા આપી દેવામાં આવે છે. મને એવા દાખલા ખબર છે જ્યાં ન્યુમોનિયાના દર્દીને અડવાનો ડોકટરે ઇન્કાર કર્યો હોય. ડોકટર તાવ માપવાનું થરમૉમિટર  મુસલમાનને પકડાવે અને મુસલમાન તે થરમૉમિટર ડિપ્રેસ્ડ વર્ગના દર્દીને આપે. 
(ટ) આ પંચના એક સભ્ય ડોઈંટરના પ્રશ્ન 'મહાર અને માંગ (આંતરિક પેટાજ્ઞાતિઓ) જાતિના લોકો વચ્ચે લગ્ન થાય છે ? - તેના ઉત્તરમાં ડૉ. આંબેડકરે જણાવ્યું: 'ના. કહેવાતા ઉજળિયાત હિન્દુઓએ આ ઝેર બાકીના બધામાં પ્રસરાવ્યું છે.' 
(નોંધ: આ વિસ્તૃત રજુઆત એટલા માટે કે 'અનામત' નો અધિકાર 'અસ્પ્રુશ્યતા' ના પાયા પર રચાયેલ છે; પછી તે અસ્પ્રુશ્યતા દલિત-બિનદલિત વચ્ચે હોય કે  દલિતોની અંદરોઅંદરની પેટાજ્ઞાતિના આધારે હોય. આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે નોંધેલ નવસર્જન નો, 98000 લોકોના ઇન્ટરવ્યૂ ને આધારે 2010માં તૈયાર થયેલ ભારતનો સૌથું વ્યાપક અભ્યાસ, અણઘડ કોમેન્ટ કરવાના બદલે ઊંડાણથી વાંચી જવા વિનંતી જેમાં 98 પ્રકારના ભેદભાવોની નોંધ છે. ભાજપ સરકાર આ અહેવાલ કેમ સ્વીકારવા માંગતી નથી તે સહુને આ સંદર્ભમાં સમજાશે).
 7. 1930-32: પ્રથમ અને બીજી ગોળમેજી પરિષદ: મુસ્લિમ લીગ, રાજા-રજવાડાંના પ્રતિનિધિઓ, અન્યો અને ખુદ અંગ્રેજ સરકાર પુખ્ત મતાધિકારના પક્ષમાં સહમત ન હોવાના કારણે ડૉ આંબેડકર અલગ મતાધિકારની માંગણીને વળગી રહ્યા. ગાંધીજીએ, જો બાકીના તમામ સભ્યો દલિતો માટે અલગ મતાધિકારની વાતમાં સહમત હોય તો પોતે પણ સમર્થન કરવા તૈયાર છે તેવું જણાવ્યું. બાકીના સબ્યોએ હા પાડતાં આ અંગે આખરી નિર્ણય કરવાની સત્તા અંગ્રેજ વડાપ્રધાનને આપતા ઠરાવ પર અન્યોની જેમ ગાંધીજીએ પણ સહી કરી. સહી ન કરનાર એકમાત્ર ડૉ . આંબેડકર હતા. વડાપ્રધાનનો નિર્ણય વિરોધમાં આવે તો પોતે બંધાઈ જવા તૈયાર ન હતા. નિર્ણય દલિતોની તરફેણમાં આવતાંની સાથે ગાંધીજીએ આમરણાંત ઉપવાસ જાહેર કર્યા. કેન્દ્રીય સંસદમાં એકમાત્ર દલિત પ્રતિનિધિ રાજાએ ગાંધીનો પક્ષ લઇ અંગ્રેજ વડાપ્રધાનને તાર કર્યો કે દલિતો  અલગ મતાધિકારની તરફેણમાં નથી. સમગ્ર દલિત સમાજ ડૉ આંબેડકરના પક્ષમાં ન હતા. ગુજરાતનો બહુધા વાલ્મિકી સમાજ ત્યારે જે તે કારણસર ગાંધીજીના પક્ષે રહ્યો. રાજકારણીઓ દલિતોને વિભાજીત કરવામાં સફળ રહ્યા. એકલા-અટુલા ડૉ આંબેડકરે નાછૂટકે સમાધાન કરી અલગ મતાધિકાર જતો કરી હાલની રાજકીય અનામત વ્યવસ્થા પસંદ કરી. આઝાદી બાદ અસ્પૃશ્યતા ખતમ થઇ જશે તેવા દાવા સાથે શરૂઆતમાં આ વ્યવસ્થા માત્ર પાંચ વર્ષ માટે રહે તેવા ગાંધીજીના આગ્રહ સામે ડૉ આંબેડકર 10 વર્ષના સમયગાળા માટે સહમત થયા. 
8. 1950: ભારતીય બંધારણના અમલ સાથે અનુસૂચિત જાતિ -જનજાતિ માટે વસ્તીના ધોરણે રાજકીય, સરકારી નોકરી અને ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે અનામત વ્યવસ્થા દાખલ થઇ. ત્યારથી માંડી એકપણ અપવાદ સિવાય અને સંસદમાં કોઈપણ ચર્ચા સિવાય દર દસ વર્ષના અંતે આ અનામત બીજા દસ વર્ષ માટે લંબાવવામાં આવે છે. અસ્પૃશ્યતા માત્ર હિન્દૂ ધર્મ સાથે સંકળાયેલ છે તે માન્યતામાં અપવાદ રૂપે શીખધર્મીઓને પણ 'અનુસૂચિત જાતિ'માં ગણવામાં આવ્યા. 
9. 29 જાન્યુઆરી 1953: અન્ય પછાત વર્ગોની સામાજિક-આર્થિક-શૈક્ષણિક પરિસ્થિતિ તપાસવા પ્રથમ બેકવર્ડ કમિશન કાકા કાલેલકરના વડપણ હેઠળ રચાયું. 30 માર્ચ 1955ના રોજ પ્રસિદ્ધ થયેલ આ પંચના અહેવાલમાં 2399 જાતિઓને પછાત અને એમાંની 837 જાતિઓને 'અતિ પછાત' ગણવાની ભલામણ થઇ. પંચની અન્ય ભલામણોમાં 
(ક) 1961ની વસ્તી ગણતરી  જાતિ આધારિત કરવી 
(ખ) કોઈ પણ જાતિનું પછાતપણુ તે જ્ઞાતિવ્યવસ્થાના ઊંચ-નીચ ના માળખામાં તે જ્ઞાતિના નિમ્ન હોદ્દાને આભારી ગણવું  
(ગ) તમામ સ્ત્રીઓને 'પછાત વર્ગ'માં ગણવી 
(ઘ) તમામ તકનીકી તથા વ્યવસાયલક્ષી શિક્ષણ સંસ્થાઓમાં યોગ્યતા ધરાવતા વિધાર્થીઓ માટે 70 ટકા અનામત રાખવી 
(ચ) અન્ય પછાત વર્ગના આર્થિક વિકાસ માટે જમીન સુધારણા, ગ્રામીણ અર્થવ્યવસ્થાની મજબૂતી, ભૂદાન ચળવળ જેવા વ્યાપક આર્થિક કાર્યક્રમો હાથ ધરવા 
(છ) અન્ય પછાત વર્ગો માટે તમામ સરકારી તથા સ્થાનિક સંસ્થાઓમાં, વર્ગ 1 માં 25 ટકા; વર્ગ 2 માં 33.5 ટકા, વર્ગ 3 અને 4 માં 40 ટકા અનામત રાખવી.   
10. 1975: પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટેની પ્રવર્તમાન 25 % અનામત બે શ્રેણીમાં વહેંચતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. આમાંની 50 ટકા બેઠકો વાલ્મિકી તથા મઝહબી શીખોને આપવાનું ઠરાવ્યું. (નોંધ: નવસર્જન અને દ્રષ્ટિ નિર્મિત ફિલ્મ 'India Untouched' જોવી. અસ્પૃશ્યતા અને જાતિભેદના વિરોધમાંથી જન્મેલ અને સમાનતાના ઘોષક શીખ ધર્મમાં આભડછેટનું પ્રમાણ કેટલું છે તે જાણવા મળશે.)
11. 1976: ગુજરાતની અનુસુચિત જાતિઓની યાદીમાં 'મોચી' જાતિનો સમાવેશ કરવામાં આવ્યો. ઉમરગામ અને વલસાડ જિલ્લામાં રહેતા મોચીને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં વસતા મોચી તેમના વ્યવસાયના કારણે આભડછેટનો ભોગ બનતા નથી અને છતાંય અનામતનો વધુ પડતો લાભ ઉઠાવે છે તેવી વ્યાપક ફરિયાદોથી તેમને અનુસૂચિત જાતિમાંથી દૂર કરવા 'ગુજરાત દલિત સિવિલ એન્ડ કોન્સ્ટિટ્યૂશનલ રાઇટ્સ પ્રતિપાદન સમિતિએ ગુજરાતની વડી અદાલતમાં કેસ દાખલ કર્યો. 1987માં માંગણી અનુસાર ચુકાદો  ન આવતા મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો. આખરી પરિણામ સ્વરૂપે 'મોચી' જાતિને માત્ર બે જિલ્લામાં જ અનુસૂચિત ગણી બાકીના તમામ લોકોના જાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા.  
12. 1980: માંડલ પંચનો અહેવાલ પ્રસિદ્ધ થયો. 3743 જાતિઓ ને 'અન્ય પછાત વર્ગ' માં સામેલ કરી  તેમને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીના ક્ષેત્રે, વસ્તીના ધોરણે નહીં પરંતુ  27 ટકા અનામત મળે તેવી ભલામણ કરવામાં આવી. 
13. 1981: ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયું. ખેડા, મહેસાણા અને અમદાવાદમાં દલિતો પર વ્યાપક હુમલા થયા. 16 મૃત્યુ ઉપરાંત ઘણા ઘરોને આગ ચાંપવામાં આવી. હુમલામાં મુખ્યત્વે સંડોવણી પાટીદાર સમાજની. અનામતના કારણે બીજા લોકોના હક્ક પર તરાપ વાગે છે અને અનામત જગ્યાએ પ્રાધ્યાપકોની નિમણૂકથી શિક્ષણની ગુણવત્તા ઘટી જવાની દલીલો થઇ. જમીન પરના આંકડા જુદા જ હતા. તબીબી ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાએ દલિત-આદિવાસી માટેની 17 અનામત જગ્યાઓમાંથી માત્ર 7 જગ્યા ભરાઈ હતી. તબીબી અભ્યાસક્રમમાં 1979-80 દરમિયાન 945 અનામત જગ્યાઓ સામે દલિત-આદિવાસી માટેની માત્ર 507 બેઠકો ભરાઈ હતી. ગુજરાતમાં મેડિકલ કોલેજના કુલ 106 પ્રાધ્યાપકોમાં માત્ર 1 દલિત પ્રાધ્યાપક; 293 સહાયક પ્રાધ્યાપકોમાં માત્ર 5 દલિત અને 237 ટ્યુટર ની જગ્યાઓમાં માત્ર 15 દલિત અને 2 આદિવાસી હતા. છતાંય સરકાર ઝૂકી અને 'કેરી ફોરવર્ડ' (એક વર્ષની વણભરાયેલી જગ્યા બીજા વર્ષે ભરવી) અને 'ઇન્ટર-ચેન્જીબીલીટી' (દલિત-આદિવાસી માટેની વણભરાયેલી જગ્યાઓ પરસ્પર આપ-લે કરવાની વ્યવસ્થા) રદ કરવામાં આવી.
14. 1990: બૌદ્ધ ધર્મી દલિતોને અનુસૂચિત જાતિમાં સમાવવામાં આવ્યા.
15. 1990: જસ્ટિસ ગુરુનામ સિંહના અઘ્યક્ષતાવાળા પંચે ભલામણ કરી કે હરિયાણામાં અનુસૂચિત જાતિઓની યાદીને વર્ગ 1 અને વર્ગ 2 માં વહેંચવામાં આવે. વિકાસમાં પાછળ રહી ગયેલ 36 જાતિઓને વર્ગ 1 માં અને અનામતનો સૌથી વધુ લાભ મેળવનાર ચમાર જાતિને વર્ગ 2 માં મુકવામાં આવે. 
16. 1992: સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અનામતનું પ્રમાણ 50 ટકા થી વધવું ન જોઈએ. 
17. 1994: તામિલનાડુમાં અરુન્ધતીયાર જાતિને ભોગવવા પડતા ભારે પડકારોને ધ્યાનમાં લઇ કોઇમ્બતુર ખાતે 'અથી થામીઝર પેરવાઈ' સંગઠનની સ્થાપના કરવામાં આવી. 
18. 1997: અવિભાજિત આંધ્રપ્રદેશના જસ્ટિસ પી. રામચંદ્ર રાજુના અધ્યક્ષપણા હેઠળના પંચે રાજ્યની અનુસૂચિત જાતિઓને જૂથ A, B, C and D માં વિભાજીત કરવાની ભલામણ કરી જેથી અનામતના લાભ સૌથી પાછળ રહી ગયેલ લોકોને મળે. 
19. 2000: ઉપરોક્ત પંચની ભલામણને આધારે અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરતો કાયદો આંધ્રપ્રદેશ સરકારે ઘડયો . 5 નવેમ્બર 2004ના આ કાયદાને આંધ્ર પ્રદેશની વડી અદાલતમાં પડકારવામાં આવ્યો. વળી અદાલતે ચુકાદો અરજદારની તરફેણમાં આપતા આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં (ચિન્નાઈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ) પડકારવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું કે અનુસૂચિત જાતિ એક સમાનગુણધર્મી (homogeneous) જૂથ છે અને તેનું પેટા વર્ગીકરણ કરી ન શકાય.
20. 2003: મહારાષ્ટ્રમાં રચાયેલ લાહુજી સાલ્વે પંચ દ્વારા ભલામણ કરવામાં આવી કે માંગ જાતિને અન્ય અનુસૂચિત જાતિઓથી અલગ ગણી પેટા-વર્ગીકરણ કરવામાં આવે.  
21. 2004: ધાર્મિક અને ભાષાકીય લઘુમતીને લગતા વિવિધ પાસાંઓનો અભ્યાસ અને ભલામણ કરવા ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રાના  અધ્યક્ષસ્થાને પંચની નીમણુંક કરવામાં આવી. પંચે પોતાના 2007ના અહેવાલમાં ભલામણ કરી કે ધર્માંતર કરી હિંદુમાંથી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલ વર્ગના લોકોને અનુસૂચિત જાતિમાં ગણવા. 
22. 2005: કર્ણાટક સરકાર દ્વારા જસ્ટિસ એ. જે. સદાશિવના વડપણ હેઠળ રચાયેલ  પંચ દ્વારા ભલામણ કરવામાં આવી કે રાજ્યની 101 અનુસૂચિત જાતિઓને ચાર વિભાગમાં વહેંચી દરેકને 15 % અનામત આપવામાં આવે. 
23. 2007:  બિહાર સરકાર દ્વારા રચિત મહાદલિત પંચ દ્વારા મૂશહર, ભુઇયાં, ડોમ, અને રાજવર જેવી 18 અનુસૂચિત જાતિઓને 'મહાદલિત' ઠેરવવાની ભલામણ કરવામાં આવી.   
24. 2008: તામિલનાડુ રચિત જસ્ટિસ એમ.એસ. જનાર્થનમ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી કે અરુન્ધતીયાર જાતિને અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ પછાત ગણી વિશેષ દરજ્જો આપી તેમને વિશેષ લાભ એ રીતે આપવામાં આવે કે તે લાભ તેમને સીધો પહોંચે.  
25. 2009: તામિલનાડુ સરકાર દ્વારા અરુન્ધાતીયાર જાતિ માટે અનુસૂચિત જાતિઓની અનામતમાંથી ખાસ અનામત અલગ કરવામાં આવી. 
26. 2022: જસ્ટિસ રંગનાથ મિશ્રા પંચે સ્થળતપાસ-અભ્યાસ કર્યા સિવાય ભલામણ કરી છે માટે તે અહેવાલનો અસ્વીકાર કરી સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે. જી. બાલક્રિશ્નનના અધ્યક્ષસ્થાને પંચની રચના કરી. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ અહેવાલ આવી જવાની આશા સામે પંચ હજુ પોતાનું કામ પૂર્ણ કરવા વધુ સમય માંગી રહ્યું છે.
27. 13 એપ્રિલ 2023: સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ધર્માંતર કરી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ સ્વીકારનાર અને જ્ઞાતિ ભેદભાવનો સામનો કરી રહેલ વર્ગને અનુસૂચિત જાતિમાં ગણવા કે નહિ તેનો મુદ્દો 20 વર્ષથી વધુ સમયથી અનિર્ણિત રહ્યો છે અને અદાલત આ અંગે નિર્ણય કરવા તપાસપંચના અહેવાલની રાહ જોવા તૈયાર નથી. 
28. 2024: સર્વોચ્ચ અદાલતનો અનુસૂચિત જાતિઓના પેટા-વર્ગીકરણને બંધારણીય ગણાવતો ચુકાદો.
આ પુર્વભુમિકામાં આ મુદ્દે દેશની વિવિધ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં કેટલા કેસ દાખલ થયા છે અને જે તે અદાલતે પોતાના શું અવલોકન નોંધ્યા છે તે ઉપરાંત અન્ય અનામત વિરોધી આંદોલનની વિગતો અહીં રજુ કર્યા નથી. આ તમામ ચુકાદા અને અભિપ્રાયોની તલસ્પર્શી છણાવટ સર્વોચ્ચ અદાલતે એના ચુકાદામાં કરી છે. ઉપર જણાવેલ વિવિધ પંચોની ભલામણો જે તે રાજ્યની અનુસૂચિત જાતિઓ દ્વારા ઉઠાવેલ રજૂઆતોને  ધ્યાનમાં રાખી થઇ છે. 

આ પરિસ્થિતિમાં આપણી સામે નીચેના સવાલો ઉભરી આવે છે:

1. અનામતને આપણે યોગ્ય માનીએ છીએ? જો જવાબ 'હા' હોય તો પંચાયતી રાજની વ્યવસ્થામાં તમામ સ્તરે 33 ટકા બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. ગુજરાત જેવા અમુક રાજ્યોમાં આ અનામતનું પ્રમાણ 50 ટકા છે. આ અનામત સામે સામાન્ય જનતામાંથી કોઈ વિરોધ કરતુ નથી કારણ આ અનામત 'લિંગ' આધારિત છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિના કોટામાંથી પેટાવર્ગીકૃત થઇ છે.  છતાંય આવી અનામતમાં ચૂંટાયેલ સ્ત્રી સરપંચો કે સભ્યો પંચાયતમાં વહીવટ કેમ કરી શકતી નથી? એ સ્ત્રીઓની જગ્યાએ એમના સરપંચ-પતિ વહીવટ કેમ કરે છે? ઘણી જગ્યાએતો એ સ્ત્રીઓની જગ્યાએ સરકારી કચેરીઓમાં સરપંચ પતિ જ જાય છે અને સહી પણ કરે છે. આ અંગે કોઈ વિરોધ કે આંદોલન કેમ નહિ? 
2. અનુસચિત જાતિઓ કે જનજાતિઓમાં પેટાજ્ઞાતિના આધારે અસ્પૃશ્યતા અને ભેદભાવ પાળવામાં આવે છે કે કેમ? નેપાળ ભારત કરતા આ મામલે વધુ પ્રગતિશીલ છે કે જ્યાં પેટા-જ્ઞાતિના આધારે ભેદભાવને ગુનો ગણતો કાયદો છે. જો પેટા જ્ઞાતિ આધારિત આભડછેટ એ વાસ્તવિકતા હોય તો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ ક્યાં માપદંડને આધારે 'સમાનગુણધર્મ ધરાવતું પરિવાર' (Homogeneous group) ગણાય?  
3. પુના કરાર દરમ્યાન ગાંધીજી ડૉ. આંબેડકરને સમજાવતા હતા કે તેઓ હિન્દૂ 'અંતઃકરણ' પર ભરોસો મૂકે. ડૉ. આંબેડકર દૃઢપણે માનતા હતા કે સમાજ કે દેશ 'અંતઃકરણ' ને આધારે ન ચલાવી શકાય. યોગ્ય વહીવટ અને સાશન કરવા માટે કાયદા આધારિત વ્યવસ્થા ઉભી કરવી પડે. દલિત-આદિવાસીને સાચા અર્થમાં પોતાનું પ્રતિનિધિત્વ સાંપડે તે માટે બહુમતી હિંદુના 'અંતઃકરણ' કે 'હૃદયપરિવર્તન' પર ભરોસો રાખી શકાય તેમ ન હોઈ બંધારણમાં કાયદા આધારિત ‘અનામત નીતિ’ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. દલિતોની આંતરિક આભડછેટ દૂર કરવા અને તમામ દલિત પેટા-જ્ઞાતિઓનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાય તેવી વ્યવસ્થા ઉભી કરવા સમાજમાં 'અંતઃકરણ' કે  'હૃદયપરિવર્તન' ની કોઈ શક્યતા ખરી? આઝાદીના 75 વર્ષના ગાળામાં આવા કોઈ પુરાવા આપણે 'જય ભીમ' બોલવાવાળા ઉભા નથી કરી શક્યા. આ સંજોગોમાં પરિવર્તન લાવવા કાયદા આધારિત વ્યવસ્થા ઉભી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો? 
4. 'આભડછેટ' ન ભોગવનાર 'મોચી' જાતિને ગુજરાતની અનુસૂચિત જાતિઓની યાદીમાંથી કમી કરવાના માપદંડ, અનુસૂચિત જાતિઓના પેટા-વર્ગીકરણમાં લાગુ પડે કે કેમ? 
5. 'ભારત બંધ' જેવા જલદ કાર્યક્રમો સીધા જાહેર કરવાના બદલે આપણા જ ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં રહેતા ભાઈ-બહેનોની હાલત શું છે તે તપાસવાનું કેમ વિચારતા નથી? ભારતમાં કેટલી એવી અનુસૂચિત જાતિઓ છે જ્યાં સ્ત્રીઓમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ 1 ટકા કરતા ઓછું છે?  દેશમાં ન જઈએ તો આપણા પોતાના જ ગામમાં આવી જાતિઓની તપાસ કરી શકીએ? સેનમા, તૂરી, તિરગર કે અન્ય સમાજમાં કેટલી કન્યાઓ ગુજરાતમાં સ્નાતક કક્ષા સુધી ભણી છે?  વધુ અભ્યાસ માટે મારુ સમગ્ર ભારતમાં દલિતો- આદિવાસીની વાસ્તવિક સ્થિતિનું ભ્રમણ કરાવતું પુસ્તક 'ભેદભારત' વાંચવા વિનંતી. 
6. દલિત આંદોલનનો એકમાત્ર મુદ્દો 'અનામત' છે? આભડછેટ, અત્યાચાર, બળાત્કારની વધતી સંખ્યા, યુવાનોમાં સામાજિક જાગૃતિનો વિચલિત કરે તેવો અભાવ, માથે મેલું ઉપાડવાની પ્રથા (નવસર્જન નિર્મિત આ વિષય અંગે વિશ્વમાં બનેલ પ્રથમ ફિલ્મ 'Lesser Human' જોવા વિનંતી), લગ્ન દરમિયાન યુવાનોને ઘોડા પરથી ગબડાવી ધૂળમાં રગદોળવા, બાળકોને શાળામાં દૂર બેસાડવા, યુવાનોમાં વધતા દારૂ અને ગુટકાના વ્યસન જેવા પ્રશ્નો પર કેમ કોઈ આંદોલન નહીં ? દલિત શક્તિ કેન્દ્રમાં ભણવા આવતી 8 પાસ છોકરીઓને અનામત નો 'અ' તો જવા દો, પણ આંબેડકરનો 'અ' પણ ખબર નથી હોતો. સાવિત્રીબાઈ ફૂલે કે જ્યોતિબા ફુલેના નામ અહીં આવી પહેલી વાર સાંભળે છે. કેવા દલિત સમાજનું નિર્માણ કરવાનું આપણે સપનું સેવીએ છીએ? આપણામાં 'અનામતના લાભે' આગળ આવેલા અને  પૈસાપાત્ર લોકો મંદિરો બાંધવા, માતાના માંડવા કરવામાં કેટલા પૈસા વાપરે છે અને દલિત બાળકોના ઉજળા ભવિષ્ય કરવામાં કેટલા પૈસા વાપરે છે? દલિતો માટેના ગંદા-ગોબરાં-પગ ટેકવી ઉભા ન રહી શકાય તેવા સ્મશાન ગામેગામ જોયા છે ? (આ પ્રશ્ન અંગે માંડલ તાલુકાના દાલોદ ગામે કિરીટભાઈ તથા પાટણ જિલ્લામાં નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવેલ સફળ આંદોલન વિષે વાંચી જવું). દલિતોના ઘરો આગળ ઉકરડાના ઢગલા કેમ પરેશાન કરતા નથી? સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે પણ જુવાન દલિત છોકરીઓ લોટે જાય ત્યારે પેલા દબંગો એમની સામે નફ્ફટ થઈને ઉભા રહે છે તેની જાણ છે ? શા માટે અત્યાચારોના કેસોમાં સમાધાન થઇ જાય છે? આ બધા પ્રશ્નો નજર સામે છે કારણ નવસર્જનના કાર્યકરો જીવના જોખમે આ મુદ્દાઓ પર સતત કામ કરે છે.  
7. એક ધારણાત્મક સવાલ. માનો કે ભારતનું એક માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ધરાવતું અલગ રાજ્ય રચાય તો એમાં ક્યારેય 'અનામત' ની વ્યવસ્થા જરૂરી બને ખરી? 71.4 ટકા દલિત (6.4 ટકા) - આદિવાસી (65 ટકા) મતદાર ધરાવતી ઝારખંડની લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરવાનું કારણ શું?
8. આ મુદ્દે દલિત-આદિવાસી આક્રોશ મારી સમજણ મુજબ સરકારની ખોરી દાનત અને તેમના બદઇરાદામાંથી પેદા થયો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સાથે પોતે સહમત નથી એવું આશ્વાસન આપનાર વડાપ્રધાન દલિતોની બે પેટા જાતિ  માલા-માડીગા વચ્ચે જુના ચાલ્યા આવતા અનામતના ફાયદા આધારિત વૈમનસ્યનો પોતાના લોકસભાના ચૂંટણી પ્રચારમાં કેવો ઉપયોગ કર્યો છે તે વીડિયોમાં જોઈ શકાય છે. કોંગ્રેસનું રાજકારણ પણ પોતાના રોટલા શેકવા દલિતોમાં અંદરોઅંદર વૈમનસ્ય ઉભું કરવામાં એટલું જ જવાબદાર છે. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર દ્વારા પાટીદારોને 37.5 લાખ એકર જમીન ગણોતધારા અને તેના  જેવા અન્ય બે કાયદા હેઠળ માત્ર ચાર જ વર્ષમાં  મળી પણ બાજુના ગુજરાતના બૃહદ મુંબઈ રાજ્યમાં આવતા અન્ય ભાગોમાં દલિત-આદિવાસીને ટોચમર્યાદા અને ગણોત કાયદા હેઠળ મળવાપાત્ર 37.5 લાખ એકર જમીનમાંથી 64 વર્ષમાં માત્ર માંડ ત્રીજા ભાગની જમીન જ કેમ મળી અને તેમાંની ઘણી જમીન તો માત્ર કાગળ પર જ?    આઝાદી બાદ ટોચમર્યાદા અને ગણોત કાયદામાં દલિત-આદિવાસીને મળવાપાત્ર લાખો એકર જમીનની વાત ભુલાવવા બધાને 'અનામત' ના વ્યસની બનાવી રાખ્યા. કોંગ્રેસ રાજમાં દલિતોને થોડી જમીન જરૂર મળી, ભાજપે  કેટલી આપી? દલિતોના પોતાના રાજકીય પક્ષ બહુજન સમાજ ના શાશન હેઠળ દલિત આદિવાસીને કેટલી જમીન મળી? આવા મુદ્દા શા માટે ચર્ચાના મુદ્દા બનતા નથી.
9. અનામત વ્યવસ્થાનો અમલ થાય છે ખરો? ક્યાં રાજ્યમાં કેટલી જગ્યાઓ વર્ષોથી ભરાઈ નથી? દલિત-આદિવાસી બાળકો માટેની પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ યોજનાના કેટલા કરોડો રૂપિયા એન.ડી.એ ની કેન્દ્રીય સરકારે ઘટાડી નાંખ્યા? દલિત-આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં  ફાળવવાની યુ.પી.એ. સરકાર દ્વારા સ્વીકૃત થયેલ નીતિનું શું થયું? દલિત-આદિવાસીના કલ્યાણ માટે ફાળવાતા નાણાં ક્યાં હેતુઓ માટે વપરાય છે? આ અંગે આટલી પાકટ વયે એજ જુસ્સાથી કામ કરતા વાલજીભાઇ પટેલ વધુ માહિતી આપી શકશે. આ તમામ માહિતી સરકારમાં કામ કરતા દલિત-આદિવાસી કર્મચારીઓના હાથવગી છે. શા માટે તેઓ સમાજના કલ્યાણ અર્થે તેનો ઉપયોગ કરતા નથી? 
10. નેશનલ કેમપેઇન ફોર દલિત હ્યુમન રાઇટ્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ વિગેરેના માધ્યમથી ખાનગી ક્ષેત્રે અનામત કેમ નહિ તે મુદ્દે ખાસ્સું આંદોલન ઉપાડેલું. આ અંગે વિસ્તૃત આંકડા, દલીલો સાથેનું પુસ્તક પણ પ્રો. થોરાટે બહાર પાડયું. આ આંદોલનની અસર એટલી તીવ્ર હતી કે યુ. પી. એ. સરકાર 1 ના સમયમાં ઉદ્યોગો સ્વેચ્છાએ પોતાના ઉધોગોમાં 'સોસ્યલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી' ને અમલમાં ન મૂકે તો આ અંગે કાયદો લાવવાની ફરજ પડશે તેવું કહેવું પડયુ. આજે આ મુદ્દો ચર્ચામાં કેમ નથી? 'એક રોટલો અને બે બિલાડીના ઘાટમાં' આપણે ફસાયા તેવું લાગતું નથી? સમય છે ભારત બંધ નો કે આ મુદ્દે શેરી શેરીએ અને ગામેગામ ચર્ચાસભાઓ અને અભ્યાસવર્તુળોનું આયોજન કરવાનો?
11. શા માટે હથેળીમાં ચાંદ જેવી અમલમાં ન મુકાતી અનામત વ્યવસ્થામાં આપણને આપણી સૈકાઓ જૂની તમામ યાતનાઓનો અંત દેખાય છે? સુખી-સંપન્ન પાટીદાર વર્ગ માટે કેટલા હજાર કરોડ રૂપિયાનું પેકૅજ જાહેર કરતી સરકાર સામે આંદોલન છેડી, આપણા દલિત-આદિવાસી મળીને 131 સાંસદો અને દેશભરના 1000 જેટલા ધારાસભ્યો સાથે મળી દેશની આર્થિક સંપત્તિમાં આપણો વસ્તી-આધારિત હિસ્સો મેળવવા આંદોલન નથી કરતા?   
અનામતનો મુદ્દો ગહન છે.  તેમાં ઘણી વિગતો ઉમેરી શકાય તેમ છે અને મેદાન ખુલ્લું છે. સવાલ તથાગત બુદ્ધે પ્રબોધેલ હકારાત્મકતાના માર્ગે આગળ વધવાનો.
---
*દલિત અધિકાર આગેવાન 

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.