એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો
ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે !
બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!
‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’ પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિત્ય મળ્યું હતું.
અમદાવાદમાં આશ્રમ રોડ પર, સાબરમતી આશ્રમની નજીક ‘ખેત ભવન, ગુજરાત ખેત વિકાસ પરિષદ’નું મકાન છે, આ જમીન/ મકાનની કિંમત 10 કરોડ ઉપરની હશે. આ મકાન સહિત જમીન સંસ્થાના વડા કોંગ્રેસના પૂર્વ સંસદસભ્ય અને ખાદીધારી અમરસિંહ ઝેડ. ચૌધરીએ ગુજરાત સરકારને બક્ષિસમાં આપી દીધી છે ! જેથી સરકારે ‘ખેત ભવનનો કબજો 5 સપ્ટેમ્બર 2024ના રોજ સંભાળી લીધો છે.
ખેત ભવન પર જાહેર સૂચના મૂકી છે : “ગુજરાત ખેત વિકાસ પરિષદ ટ્રસ્ટ દ્વારા તેમનું આ મકાન તથા તમામ સંલગ્ન જમીન (સર્વે નંબર 561/1/A ના બદલે ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નંબર 581, જૂનો ફાઇનલ પ્લોટ નંબર 198, કુલ ક્ષેત્રફળ 423 ચોરસ મીટર) ચેરીટી કમિશનરના 27 ઓગસ્ટ 2024 ના આદેશથી મળેલ મંજૂરી અનુસાર ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ને રજિસ્ટર્ડ દસ્તાવેજથી બક્ષિસ આપવામાં આવેલ છે જેનો કબજો ટ્રસ્ટ વતી કલેકટરશ્રી અમદાવાદ દ્વારા સંભાળી લેવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિએ ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ અથવા કલેક્ટરશ્રીની મંજૂરી વગર આ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. બિનઅધિકૃત પ્રવેશ કરનાર સામે કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે જેની તમામે નોંધ લેવી. 5 સપ્ટેમ્બર 2024.”
એક કોંગ્રેસી/ ખાદીધારી સરકારને 10 કરોડ ઉપરની મિલકત બક્ષિસ કરે, તેની સામે વાંધો નથી; પરંતુ આવું કૃત્ય છાનુંમાનું કરે તે જરુર વાંધાજનક છે. સ્વાભાવિક છે કે અમરસિંહ ઝેડ. ચૌધરીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો છે. આ સંસ્થા ઊભી કરનાર ઝીણાભાઈ દરજી અને તેમની સાથે જોડાયેલ સનત મહેતા અને ઈન્દુકુમાર જાનીના વિચારોની તેમણે હત્યા કરી છે.
સાબરમતી આશ્રમ/ ગૂજરીત વિદ્યાપીઠ/ નવજીવન/ ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ વગેરે ગાંધીવાદી સંસ્થાઓ ગોડસેવાદી/ સાવરકરવાદી આંચકી રહ્યા છે; અને ગુજરાત કોંગ્રેસના નેતા મંજિરા ઘસે છે !
ગુજરાત કોંગ્રેસ આત્મહત્યા તરફ દોડી રહી છે ! તેને કોઈ રોકી શકે તેમ નથી ! ‘ગાંધી આશ્રમ’ વિશે સૌથી પહેલા પ્રા. હેમંતકુમાર શાહે ચેતવ્યા હતા; પણ ગાંધીવાદીઓ બે વર્ષ સુધી જાગ્યા નહોતા ! જ્યારે જાગ્યા ત્યારે તો બહુ મોડું થઈ ચૂક્યું હતું ! આશ્ચર્ય એ વાતનું છે કે રાહુલ ગાંધી સાવરકરની પોલ ખોલે છે તો ગુજરાતના ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ/ કોંગ્રેસના નેતાઓ સાવરકર/ ગોડસેને ગળે લગાડે છે ! અને ગાંધીવાદી સંસ્થાઓ બક્ષિસમાં આપે છે !
ગાંધીજીએ સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું ગોડસેકરણ, ગાંધીવાદી રાજેન્દ્ર ખીમાણી/ સુદર્શન આયંગર/ હસમુખ પટેલે તડિપાર અમિત શાહના આશીર્વાદથી કરી નાખ્યું છે ! રાજેન્દ્ર ખીમાણીએ પોતાની ગાદી સાચવવા ગાંધીની ‘ગુજરાત વિદ્યાપીઠ’ વેચી મારી. તોય જવું તો પડ્યું જ. પણ જેલમાં નહિ, લોકભારતીમાં VC તરીકે ગોઠવાઈ ગયા ! ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ પણ ખેડૂત નેતા સાગર રબારી અને અમરસિંહ ઝેડ. ચૌધરીએ અંદોઅંદર કલહ-સંપ કરીને/ કુલડીમાં ગોળ ભાંગીને ગોડસેવાદીઓને સોંપી દીધી છે !
ભગવાન બુદ્ધના ગયા પછી એમના વિહારમાં જે થયેલું તે ગાંધીવાદી સંસ્થાઓમાં થાય છે. ગુજરાતમાં એક પણ ગાંધીવાદી સંસ્થા સરકારની તાનાશાહી અને ગાંધીનાં મૂલ્યોના પતન સામે બોલતી નથી ! ગાંધી ગાંધીના ભજન કરે છે !
ચેતજો : ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ/ ખાદીધારીઓ, ભલે ખાદી પહેરે, મૂલ્યનિષ્ઠાની વાતો કરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે !
टिप्पणियाँ