પ્રત્યુત્તર: સ્વઘોષિત ન્યાયાધીશ બની પ્રમાણપત્રો વહેંચવાનો પ્રોગ્રેસિવ ફોર્સીસ સાથેનો એલિટ એક્ટિવિઝમ?
મુ. શ્રી રમેશભાઈ સવાણી,
આપની ખેત ભવન વિશેની પોસ્ટ બાબતે મારે કહેવું છે કે, સરકારને ખેત ભવન બક્ષિસ આપવાનું કામ શ્રી અમરસિંહભાઈ ચૌધરીએ કર્યું છે. અને, આ સ્થિતિ આવે એ પહેલા હું એમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપીને નીકળી ગયો એના માટેના જવાબદાર પરિબળો વિષે આપ વાકેફ છો?
જો મને બરાબર યાદ હોય તો આપનો પરિચય ખેતભવનમાં સ્વ. ઈન્દુકુમાર જાનીએ કરાવ્યો હતો, આપણે બે કે ત્રણ વાર ખેત ભવનમાં જ મળ્યા છીએ એ યાદ આવ્યું...
2002 પછી પણ, 2018/9 સુધી ફાસીવાદી સત્તાને ટટ્ટાર ઉભા રહી, પગ પછાડી દમદાર સલામો કરતા કરતા, પ્રમોશનો મેળવી ઉચ્ચ હોદ્દા ઉપરથી પેંશન સહિતના તમામ લાભો અંકે કરી લીધા પછી પાર્સીપેની (ન્યુયોર્ક)માં સલામત રીતે ગોઠવાઈને ગ્રીનકાર્ડ/સિટિઝનશીપની રાહ જોતા જોતા કોઈને પ્રમાણપત્રો આપવાનું પ્રગતિશીલ મૌખિક/લેખિત એક્ટીવિઝ્મ અને સાંજના વાળુની સલામતી ના હોય એવા સંજોગોમાં લોકો સાથે ઉભા રહેવાના સંઘર્ષના કામોમાં બહુ ફર્ક હોય છે!
સંઘર્ષના કામમાં તો કલાકો સુધી પોલીસ પુછપરછ કરે, ડોઝિયર મેન્ટેન થાય, બાળકો ક્યાં ભણે છે, બહેનનું સાસરું ક્યાં, ભાઈઓ શું કરે છે, ખાતું કઈ બેંકમાં છે, ફોન ઓબ્સર્વેશનમાં છે કે નહીં એ માટે હાઇકોર્ટમાં પિટિશન કરવી પડે, સતત એક પડછાયો પાછળ ભમતો હોય -- એ બધા છતાં વર્ષો સુધી ફાસીવાદી સત્તા સામે અડગ રહીને, દબાયા, ઝૂક્યા કે ડર્યા વગર સંઘર્ષ કરવામાં, જાહેરમાં એમને મોઢેમોઢ પરખાવવામાં ઘણો ફરક હોય છે!
લોકો સાથેના એક્ટિવિઝમમાં તો નજીવા ગુનાનો કેસ દાખલ કરીને પોલીસ લઇ જઈને રાતવાસો પોલીસ સ્ટેશનમાં કરાવે, વડાપ્રધાનનો કાફલો રોકવાની જાહેરાત કર્યા પછી છેલ્લી ઘડીએ ખસી જાય ત્યારે મુંજાયેલા સંઘર્ષના સાથી સાથે ઉભા રહીને ઉસ્માનપુરાના બગીચામાં પ્રેસ કોન્ફ્રન્સ કરવી અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં દિવસ ગાળીને જામીન આપ્યા પછી કોર્ટની મુદતો ભરવી કે વાઈબ્રન્ટનો વિરોધ કરતા અડધી રાતે ક્રાઇમ બ્રાન્ચ ઊંઘમાંથી ઉઠાડી ગાયકવાડ હવેલીએ બીજા દિવસની સાંજ સુધી રાખે, ટાટા નેનોના યુવાનોને ન્યાય અપાવવા માટે સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા સામે બબ્બે કલાક, તમામ લાલચો ફગાવીને અડગ રહીને યુવાનોની માંગણી તાકતવર કોર્પોરેટ હાઉસ અને ફાંસીવાદી સત્તા પાસે સ્વીકારાવવી એ એક્ટિવિઝમને 'અર્બન એલિટ એક્ટીવિઝ્મ' સહન કરી શકતું નથી... એટલે પછી સ્વઘોષિત ન્યાયાધીશ બની પ્રમાણપત્રો વહેંચવાને પ્રોગ્રેસિવ ફોર્સીસ સાથેના એલિટ એક્ટિવિઝમથી પોતાને વેંત અધ્ધર માને અને મનાવે છે! એમાં ખેડૂતોના કેસ લઇ, કિસાન મસીહા હોવાનો પ્રચાર કરવો અને ખર્ચના નામે લાખો રૂપિયા લીધા પછી ખેડૂતોને હડધૂત કરવાનો એલિટ હક અબાધિત હોય છે!!
અર્બન એલિટ કે શબ્દના ક્રાંતિવીરોની સરખામણીએ, અમારે તો નોબત ત્યાં સુધી આવે છે કે, જયારે સેન્ટ્રલ એજન્સીઓ ગ્રીલ કરવા માંડે ત્યારે, સાથે રહીને કામની ક્રેડિટ લેનારા સાથીઓ પણ સલામત અંતરે ખસી જાય છે! એવા સંજોગોમાં ટકીને ઝઝૂમતા રહેવાનું હોય છે!
મને તો વાંધો એટલો જ છે કે તમારા પ્રમાણપત્ર આપવાના અધિકારનો ઉપયોગ કરતા પહેલા મારો પક્ષ તો જાણો! એક નવો નવો રિપોટર પણ સમાચાર આપતા પહેલા બીજો પક્ષ જાણવાની કોશિશ કરે છે! ગુજરાત ખેત વિકાસ પરિષદની વાત લાંબી છે એ અલગથી પીડીએફ બનાવીને વોટ્સએપ ગ્રુપ - જેમાં આ પોસ્ટ શેર થઇ છે એમાં - મુકું છું, કદાચ એ તમારા સુધી પહોંચશે.
टिप्पणियाँ