ક્રિમિનલ કોમવાદી પ્રતિભામાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ દેખાતો હોય તેવા લોકોને સામ્યવાદી બિરાદરો મૂર્ખ લાગે એ સ્વાભાવિક છે
ગુજરાતી મધ્યમ વર્ગીય માનસિકતાના મહાન ચિંતક ગુણવંત શાહ કહે છે કે "ભારતના સામ્યવાદી બિરાદરો મને મૂર્ખ લાગે છે, તેમને લેફ્ટ લીબરલ કહેવા એ તો હિટલરને શાંતિ પ્રિય નેતા અને અહિંસક ગણવા બરાબર છે".
ગુણવંતભાઈની વાત ખૂબ સાચી છે.
જેમને નરેન્દ્રમોદીની "ક્રિમિનલ કોમવાદી" અને "ક્રોની કેપિટાલિસ્ટ" પ્રતિભામાં તથા સંઘપરિવારની ચીતપાવન બ્રાહ્મણવાદી જાતિવાદી ષડયંત્રમાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ દેખાતો હોય તેવા ગુણવંતભાઈને ભારતના સામ્યવાદી બિરાદરો મૂર્ખ લાગે એ સ્વાભાવિક છે.
આદરણીય ગુણવંતભાઈ,
સ્મરણસ્થ નામ્બુદરીપાદ, હરકિશન સુરજીત, ડાંગે, દિનકર મહેતા અને સીતારામ યેચુરી જેવા મહાન ભારતીય સામ્યવાદીઓને જોયા પછી તમારા આરાધ્યદેવતા આદરણીય નરેન્દ્રભાઈના વ્યક્તિત્વમાં છુપાયેલા હિટલર, ગોબેલ્સ અને નીરોને અમે સાચી રીતે ઓળખી શક્યા છે.
હમણાં જ યોગેન્દ્ર યાદવે પોતાના સામ્યવાદ અને સમાજવાદ વિશેના વિચારો અભિવ્યક્ત કરતા કહ્યું હતું કે વામપંથ એટલે છેવાડાના માણસ સાથે આપણી નિસ્બત અને છેવાડાના માણસના શોષણ સામેનો આપણો વિદ્રોહ.
આદરણીય ગુણવંતભાઈ,
ગુજરાતમિત્રમાં તમારી કાર્ડિયોગ્રામ કોલમ શરૂ થયા પછી તમારા પ્રથમ લેખથી આજદિન સુધીના મોટાભાગના બધા લેખોનો શરૂઆતમાં મુગ્ધ વાચકથી લઈને પછીથી કાયમી વિદ્રોહી બની ચૂક્યો છું.
તમારા શોષિતો, વંચિતો, પીડીતો, દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, શ્રમિકો પ્રત્યે પ્રતિબધ્ધ વિચારકો,કર્મશીલો અને રાજપુરુષો સામેનો જરૂરત પ્રમાણે કરાતા ચારિત્ર હુમલાઓ અમે વારંવાર જોઈ ચૂક્યા છે.
આદરણીય ગુણવંતભાઈ,
રાજીવ ગાંધીની સામે વિરુદ્ધમાં પડેલા વિશ્વનાથ પ્રતાપસિંગ વિશેના તમારા અહોરૂપમ અહોધ્વની અમે પેટ ભરીને માણ્યા છે પરંતુ એ જ વી પી સીંગ જેવા મંડલ પંચ દ્વારા સામાજિક ન્યાયના પિતા બન્યા અને તમારો સમાજવાદ વિરોધી અને સામ્યવાદ વિરોધી મિજાજ પ્રગટ થતો અમે જોયો છે.
આદરણીય ગુણવંતભાઈ,
તમારી લોકપ્રિય, મધ્યમ વર્ગીય માનસિકતાને છબછબીયા કરાવનારી કલમને ચાલતી અમે જોઈ છે ત્યારે તમને અમે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓના ટીકાકાર તરીકે સાતત્ય પૂર્વક જોયા છે .
અમે પણ ત્યારે મોરારજીભાઈના નેતૃત્વમાં સ્થાપિત વર્ગોની સંગતમાં અને હીતોમાં રમમાંણ હતા ત્યારે તમારા પ્રશંસક હતા.......... પરંતુ " મંડળ વિરુદ્ધ કમંડળ"અને છઠ્ઠી ડિસેમ્બર 1992 ના "અયોધ્યા ષડયંત્રના રાજકારણમાં તથા 2002ના ગોધરા અનુગોધરાના ગુજરાત કાંડના વિવેચનમાં .....તમારા સાચા અસલી સ્વરૂપનો અમને સાક્ષાત્કાર થયો ..... તે ત્યાર પછી આજદિન સુધી સતત વિકસતો જ રહ્યો છે.
આદરણીય ગુણવંતભાઈ,
તમે ગુજરાતના જાહેર જીવનમાં જે રીતે સામાજિક ન્યાયનો વિરોધ કરીને જાતિવાદી રાજકારણનું સમર્થન કર્યું છે અને ધર્મ ,સંસ્કૃતિના દર્શનનો બુરખો ઓઢીને લાલ કૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીના ક્રિમિનલ કોમવાદનું સમર્થન કર્યું છે ... તથા નરેન્દ્ર મોદી અને સંઘ પરિવારના પાપો સામે માત્ર આંખ આડા કાન જ નથી કર્યા પરંતુ એમના પાપોનું સમર્થન કર્યું છે.
આવી તમારી સામાજિક અને રાજકીય અને ધાર્મિક નિસ્બત હોય પછી તમને પ્રગતિશીલ પરિવર્તનશીલ વિચારકો કર્મશીલો રાજકારણીઓ ક્યાંથી ગમે? તમને ભારતના સામ્યવાદીઓમાં મૂર્ખાઈના દર્શન થાય અને તેની તમે હિટલર સાથે સરખામણી કરો તે સ્વભાવિક છે. પરંતુ આમ કરીને તમે સીતારામ યેચૂરીથી લઈને પારકી છઠ્ઠીના જાગતલ ભારતીય સામ્યવાદીઓનો નહીં પરંતુ તમારા પોતાના વ્યક્તિત્વનો સાચો પરિચય આપી દીધો છે.
આ તમારા પ્રત્યેનો મારો આક્રોશ હું સામ્યવાદી રાજપુરુષ સીતારામ યેચુરીને મારી સ્મરણાંજલિ તરીકે અર્પણ કરું છું.
टिप्पणियाँ