ઘણા મુસ્લીમ ભાઈઓ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપે છે ત્યારે તેઓ દેશમાં આવેલી વકફ મિલ્કતોની કુલ સંખ્યા, કુલ ક્ષેત્રફળ અને કુલ કિંમત બતાવીને એમ કહે છે કે આ મિલ્કતો વકફ બૉર્ડની છે અને એમ પણ કહે છે કે દેશમાં આર્મી અને રેલ્વે પછી ત્રીજા નંબરે વકફ બૉર્ડની મિલ્કતો છે. આવું કહેનારા એ વકફ મિલ્કતોના ટાઈટલ વિશે જાણવું જોઈએ.
આર્મી અને રેલ્વે કેન્દ્ર સરકારના વિભાગ છે, એની મિલ્કતો કેન્દ્ર સરકારની છે. જ્યારે વકફ બૉર્ડ એ અલગ અલગ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની ઓથોરીટીઝ છે કે જે મુસ્લીમ ટ્રસ્ટો અને મુસ્લીમ ટ્રસ્ટોની મિલ્કતો અંગે નોંધણી, દેખરેખ અને નિયંત્રણ રાખે છે. વકફ બૉર્ડ પાસે એક ચોરસ મીટર કે એક રૂપિયાની એકપણ મિલ્કત નથી. વકફ મિલ્કતો વકફ બૉર્ડની નહીં પણ જે તે ગામ/શહેરની વકફ સંસ્થાઓ ટ્રસ્ટોની છે. આપના ગામ/શહેરની મસ્જીદ આપના વકફ ટ્રસ્ટના નામે છે. રેવેન્યુ રેકર્ડ હક્ક પત્રકમાં અને નગર પાલીકાના મિલ્કત રજીસ્ટરમાં આ મિલ્કત આપના ટ્રસ્ટના નામે છે. આ મિલ્કત આપના ટ્રસ્ટને કોઈ મુસ્લીમ દાતા એ મસ્જીદ માટે કે સામાજિક હેતુ માટે વકફ(દાન) કરેલી છે. આ મિલ્કત વકફ કરનારની માલીકીની હતી જે એણે અલ્લાહના નામે મસ્જીદ માટે આપના ટ્રસ્ટને કાયમી માટે વકફ(દાન) કરેલી છે.
અમુક મિલ્કતો આપના ટ્રસ્ટે વેંચાણથી પણ લીધી હશે. આ રીતે આપના ટ્રસ્ટને વકફ થયેલી અથવા આપના ટ્રસ્ટે વેંચાણથી લીધેલી આપના ટ્રસ્ટની મિલ્કતો વકફ મિલ્કતો તો છે પરંતુ તે વકફ બૉર્ડની નથી. તેથી આપણાં વડવાઓ એ પોતાની મિલ્કતો આપણાં ટ્રસ્ટને વકફ કરી છે અથવા આપણાં ટ્રસ્ટે વેંચાણથી લીધી છે એવી આપણાં ટ્રસ્ટની વકફ મિલ્કતોને વકફ બૉર્ડની મિલ્કતો તરીકે જાહેર કરવી એ આપણે આપણાં જ પગ ઉપર કુહાડા મારવા જેવી વાત છે. વકફ એ મિલ્કતનો પ્રકાર છે અને 'વકફ બૉર્ડ એ ચેરીટી કમિશ્નર જેવી સુપરવાઈઝરી ઓથોરીટી છે.'
ઈસ્લામી કાયદામાં માન્ય હોય એવા ધાર્મિક, પવિત્ર અથવા સખાવતી હેતુ માટે વાકીફે પોતાની માલીકીની મિલ્કત આવા હેતુઓ માટે કાર્ય કરતી કોઈ રજીસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ સંસ્થાને અથવા કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ને વકફ ખત બનાવીને અથવા મૌખિક રીતે કાયમી માટે વકફ (અર્પણ) કરી હોય એવી મિલ્કતો વકફ મિલ્કતો છે. કોઈ મિલ્કત એક વાર વકફ થઈ જાય પછી કાયમી વકફ જ રહે છે. વકફ મિલ્કતની આવકમાંથી કે વકફ મિલ્કતના અદલા બદલાથી પ્રાપ્ત કરેલી મિલ્કતો પણ વકફ મિલ્કતો છે. રાજાશાહી વખતે કોઈ રાજા, નવાબ, દરબાર એ અથવા સરકાર એ ઉપરોકત હેતુઓ માટે આપેલી/ગ્રાન્ટ કરેલી મિલ્કતો પણ વકફ મિલ્કતો છે. રજીસ્ટર્ડ હોય કે અનરજીસ્ટર્ડ હોય, ઉપરોક્ત હેતુઓ માટે વકફ તરીકે વપરાતી મિલ્કતો પણ વકફ મિલ્કતો છે. પરંતુ આ વકફ મિલ્કતો જે તે ગામ/શહેરની વકફ સંસ્થાઓ(ટ્રસ્ટો)ની છે. આ મિલ્કતો વકફ બૉર્ડની નથી.
મુસ્લિમ સમાજ વકફ બાબત પોતે પણ સારી રીતે સમજે અને દેશ નાં બીજા ધર્મ નાં લોકો ને પણ સારી રીતે સમજાવે.
टिप्पणियाँ