શું પાકિસ્તાનના ક્ષેત્રફળ કરતાં વકફ બોર્ડ પાસે વધુ જમીન છે?
મુસ્લિમો પ્રત્યે જેટલી નફરત ઊભી થાય તેટલાં વધુ ગોડસેવાદીઓ ઊભાં થાય અને મોદીજીના પરમ ભક્ત બની જાય ! આ હેતુથી જ નફરતી મેસેજ વડાપ્રધાનના IT Cell તરફથી મોટા જથ્થામાં વહેતા મૂકવામાં આવે છે.
એક ગોડસેવાદીએ મેસેજ મોકલ્યો છે કે “હિન્દુઓ જાગો ! પાકિસ્તાનનું ક્ષેત્રફળ 8.81 લાખ વર્ગ કિલોમીટર છે, અને વક્ફ બોર્ડનું ક્ષેત્રફળ 9.40 લાખ વર્ગ કિલોમીટર છે. એક પાકિસ્તાન બહાર બન્યું અને એક અંદર બની ગયું ! છતાં સૂતા રહેશો?”
શું વાસ્તવમાં વકફ બોર્ડ એક્ટ ખતરનાક છે? અને જો તે ખતરનાક હોય તો 2001થી 2024 દરમિયાન મોદીજી સૂતા કેમ રહ્યા? ચાલો જોઈએ આરોપ અને હકીકત :
[1] આરોપ : “વકફ બોર્ડ પાસે પાકિસ્તાનના ક્ષેત્રફળ કરતા વધુ જમીન છે. દેશમાં રેલ્વે/ આર્મી કરતા વધુ જમીન વકફ બોર્ડ પાસે છે. સરકારી/ખાનગી જમીન પર વકફ બોર્ડ આંગળી મૂકે એટલે તેની જમીન થઈ જાય છે !”
હકીકત : જૂઠ્ઠો આરોપ છે. આંગળી અડાડે અટલે જમીન વકફ બોર્ડની થઈ જતી નથી. સચ્ચર કમિટિ અનુસાર ભારતમાં વકફ બોર્ડ પાસે 6 લાખ એકર જમીન છે. તેની સરખામણીમાં તામિલનાડુમાં 4,78,000 એકર અને આંધ્રપ્રદેશમાં 4,68,000 એકર જમીન ‘The Hindu Religious and Charitable Endowments Board’ પાસે છે. માત્ર આ બે રાજ્યોમાં 9,40,000 એકર જમીન Hindu Religious Board પાસે છે. જમીનને વકફ(દાન) કરવા માટે કોઈ ગુપ્ત પ્રક્રિયા નથી. વકફ એક્ટમાં જોગવાઈ છે. જમીન એ વ્યક્તિ જ વકફ કરી શકે જે જમીનનો માલિક હોય. સરકાર સર્વે કમિશ્નર નીમે છે. તેના રીપોર્ટ મુજબ જમીન વકફ થાય છે. કોઈ પણ વ્યક્તિ એક વરસમાં ટ્રિબ્યુનલમાં સર્વે કમિશનરના હુકમને પડકારી શકે છે.
[2] આરોપ : “સર્વે કમિશનર વકફ સંપતિના સર્વે માટે સરકાર પાસેથી પગાર લે છે, જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ માટે આવી સુવિધા નથી. બંધારણના આર્ટિકલ-27નો ભંગ થાય છે.”
હકીકત : સર્વે કમિશ્નરની નિમણૂંક ધાર્મિક હેતુથી થતી નથી. જનહિત માટે થાય છે. વકફ સંપતિ, કાયદા મુજબ છે કે નહીં તે જોઈને સરકારી રેકોર્ડમાં નોંધણી કરવાનું કામ હોય છે. જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ માટે આવી તપાસ કરવાની જરુરિયાત હોતી નથી અને માત્ર સહાયક કમિશ્નરના આદેશથી ધર્માર્થ સંપત્તિની નોંધ થઈ દાય છે.
[3] આરોપ : “વકફ ટ્રિબ્યુનલ જેવી હિન્દુઓ માટે ટ્રિબ્યુનલ નથી.”
હકીકત : વક્ફ ટ્રિબ્યુનલ કોઈ જુદી નથી. તે સિવિલ અદાલત છે, તેના વડા જિલ્લા જજ છે. તેની પ્રક્રિયા પણ સિવિલ કોર્ટ જેવી જ છે.
[4] આરોપ : “વક્ફ ટ્રિબ્યુનલ બંધારણીય નથી. કેમકે બંધારણના આર્ટિકલ-323(a) (b) હેઠળ સ્થાપિત કરેલ નથી.”
હકીકત : આર્ટિકલ-323(a) માત્ર સર્વિસ મેટર માટે વહિવટી ટ્રિબ્યુનલ માટે છે. જ્યારે અન્ય ટ્રિબ્યુનલ કેન્દ્રીય/ રાદ્યના કાયદા હેઠળ બને છે. ઉદાહરણ તરીકે ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ ઈન્કમ ટેક્સ એકત્રટ 1961ની કલમ-252 હેઠળ બની છે. આ મુજબ તેલંગણામાં હિન્દુ ધર્માર્થ ટ્રિબ્યુનલ બની છે. વકફ એક્ટ 1995ની કલમ-83 હેઠળ ટ્રિબ્યુનલની છે.
[5] આરોપ : “વકફ ટ્રિબ્યુનલમાં એક એવા સભ્યની નિમણૂંક થાય છે જેને ઈસ્લામનું જ્ઞાન હોય. હિન્દુ ધર્માર્થ ટ્રિબ્યુનલમાં હિન્દુ શાસ્ત્રોના જ્ઞાનવાળા હોતા નથી.”
હકીકત : અન્ય ધર્માર્થ સંસ્થાઓમાં આવી શરત હોય છે. ઉદાહરણ તરીકે તેલંગાણામાં Hindu Religious and Charitable Endowments Act 1987 મુજબ જોગવાઈ છે કે એક વધારાના કમિશ્નર/ સભ્ય હિન્દુ હોવા જોઈએ.
[6] આરોપ : “વકફ કર્મચારી પબ્લિક સર્વન્ટ છે, જ્યારે શંકરાચાર્ય પબ્લિક સર્વન્ટ નથી.”
હકીકત : હિન્દુ શંકરાચાર્ય કે મુસ્લિમ વિદ્વાન ત્યારે જ પબ્લિક સર્વન્ટ ગણાય છે જ્યારે હિન્દુ ધર્માર્થ કે વકફના કર્મચારી હોય. આમ બન્નેના દરજ્જા સરખાં છે.
[7] આરોપ : “વકફ સંપતિ લિમિટેશન એક્ટ હેઠળ સંરક્ષિત છે જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ લિમિટેશન એક્ટ હેઠળ આવે છે.”
હકીકત : આ પ્રકારની જોગવાઈ તામિલનાડુ અને તેલંગણા હિન્દુ ધર્માર્થ એક્ટમાં પણ છે.
[8] આરોપ : “વકફ એક્ટની કલમ-3(r) હેઠળ ઉપયોગ થતી સંપત્તિનું અધિગ્રહણ કરવામાં આવે છે.”
હકીકત : વકફ બાય યુજર પ્રાચીન વકફને સુરક્ષા આપે છે. જે મૌખિક દાનના આધારે બનેલ છે. ઈસ્લામ મુજબ મૌખિક દાન મુસ્લિમો કરી શકે છે.
[9] આરોપ : “કસ્ટોડિયન સંપત્તિને વકફ ગણવામાં આવે છે.”
હકીકત : કસ્ટોડિયનના કબજામાં એ સંપત્તિ હોય છે વાસ્તવમાં વકફની હોય છે પરંતુ અસ્થાઈ રુપે વહિવટ કરવા કસ્ટોડિયનને સોંપેલ હોય છે.
[10] આરોપ : “વકફ એક્ટ અન્ય કાયદા પર અમલી છે. મતલબ કે વકફ એક્ટ ઊંચો છે.”
હકીકત : વકફ એક્ટ વિશેષ/ સ્પેશ્યલ કાયદો છે. જેમકે એટ્રોસિટી એક્ટ. કાનૂની સિદ્ધાંત અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ કોઈ સ્પેશ્યલ એક્ટ, જનરલ એક્ટ સાથે ટકરાય તો સ્પેશ્યલ એક્ટ અમલી બને છે. Special law prevails over general law. મતલબ કે સ્પેશ્યલ એક્ટને પ્રાથમિકતા મળે છે. આ દરેક સ્પેશ્યલ એક્ટને લાગુ પડે છે.
ટૂંકમાં ગમે તેટલી હકીકતો રજૂ કરો, મગજમાં ગોડસે ઘૂસેલો હોય તો કંઈ સૂઝવા ન દે !
टिप्पणियाँ