- રમેશ સવાણી
આપણે એવું માનીએ છીએ કે અભણ/ ગામડાનાં લોકો વધુ અંધશ્રદ્ઘાળુઓ હોય છે, પરંતુ તે સત્ય નથી. ખૂબ ભણેલાં/ ડોક્ટર્સ/ એન્જિનિયર/ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવનારા/ મોટા મોટા બિઝનેસ ચલાવનારા/ વિદેશોમાં વસતા વધુ અંધશ્રદ્ધાળું જોવા મળે છે. આવી અંધશ્રદ્ધા સમાજમાં કઈ રીતે વ્યાપ્ત બને છે?
ગોદી મીડિયા/ IT Cellની તાકાત એ છે કે તે નિષ્ફળ નેતાને ભગવાન બનાવી શકે છે. ગોદી મીડિયા અને ANI સમાચાર સંસ્થાએ મોદીજીને ભગવાન બનાવવાનું બિડું ઊઠાવ્યું છે !
22 સપ્ટેમ્બર 2024ના રોજ ન્યૂયોર્કમાં મોદીજીએ વિશાળ સંખ્યામાં NRI સમક્ષ ભાષણ આપ્યું. આખા ભાષણમાં NRIનું મિથ્યાભિમાન સંતોષાય તેવા ‘મહાકાય પંપ’ માર્યા, વારંવાર ‘મોદી મોદી મોદી’નો જયઘોષ શ્રોતાઓ કરતાં રહ્યાં. મોદીજીએ 10 વરસના શાસનમાં ભારતના લોકોને નિરાશ કર્યા છે તે આ NRI સમુદાય જોવા ઈચ્છતો નથી. નિષ્ફળતામાં સફળતા લાગે તેનું નામ જ પ્રોપેગેન્ડા ! તેનું નામ જ અંધભક્તિ !
બોસ્ટન નિવાસી મૂળ બિહારના હેમાબેનનું ઈન્ટરવ્યૂ ANI લે છે અને તેને ભારતની ગોદી ચેનલો ઉત્સાહપૂર્વક દેખાડી રહી છે ! હેમાબેન કહે છે : “મેં મોદીજીને જોઈ લીધા, ટચ કરી લીધો. એનાથી વઘારે મને કંઈ જો’તું નથી. મારું એક જ સ્વપ્ન હતું કે એક વખત મોદીજીને ટચ કરી લઉં ! મને કંઈ ન જોઈએ, માત્ર મોદીજી જોઈએ ! મને લાગેછે કે મને ભગવાન મળી ગયા છે ! એમના દર્શન થાય એટલે અમે મેરિયટમાં રહ્યા. મારું સપનું પૂરું થઈ ગયું !”
નાટક તો જૂઓ : મોદીજીને ટચ કરનારા હેમાબેન NRI નથી, Massachusettsના Bostonમાં રહેતા નથી પણ દલ્હીથી ભાડેથી અમેરિકા લઈ જવાયેલ હતા !
આ હેમાબેનને, એ સવાલ થતો નથી કે દિલ્હીમાં યૌન શોષણના વિરુદ્ધમાં મહિલા પહેલવાનોએ ધરણા કર્યા ત્યારે તેમને કેમ ઢસડવામાં આવી હતી? મોદીજીએ યૌન શોષણ કરનાર બ્રિજભૂષણને ઈરાદાપૂર્વક કેમ છાવર્યો હતો? મણિપુરમાં મહિલાઓને નગ્ન કરી પરેડ કરવામાં આવી, ગેંગ રેપ થયાં, હત્યાઓ થઈ છતાં મોદીજીને મણિપુર જવાનો સમય કેમ મળતો નથી? તે અંગે ઝડપી કાર્યવાહી કરવાનું મોદીજીને કેમ સૂઝતું નથી? બળાત્કારીઓ/ હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવ્યાં; તેમનું કંકુ-તિલક/ ફૂલહારથી સન્માન થયું, તેમને ‘સંસ્કારી’ કહેવામાં આવ્યા; ત્યારે મોદીજી ચૂપ કેમ રહ્યા હતા?
અમેરિકામાં 90% NRI મોદી ભક્ત છે ! તેમને ડોલરના મુકાબલે રુપિયો ગગડે તેની સામે કોઈ વાંધો નથી. અમેરિકામાં મોદીભક્તિ કેટલી ઊંડે સુધી ઊતરી ગઈ છે તેની એક ઘટના યાદ આવે છે : એટલાંટામાં સુનીતા પટેલ અને દિનેશ પટેલ રહે છે. દિનેશભાઈએ પોતાની ટ્રક પાછળ લખ્યું કે ‘Remove Modi, Save India-મોદીકો હટાઓ, ઇન્ડિયા બચાઓ.’ અમેરિકામાં ‘પટેલ બ્રધર્સ’ નામની અનેક શાખાઓ છે જ્યાં કરિયાણું/ શાકભાજી વગેરે વેચાય છે. દિનેશભાઈ આ ટ્રક લઈને ‘પટેલ બ્રધર્સ’ ખરીદી કરવા જાય. એક દિવસ ‘પટેલ બ્રધર્સ’ના કર્મચારીએ દિનેશભાઈને કહ્યું કે “તમે આ ટ્રક લઈને આવો છો અને અહીં પાર્ક કરો છો તેથી કેટલાંક કસ્ટમર્સ વાંધો લે છે !” દિનેશભાઈને ભારે આશ્ચર્ય થયું ! પછી તો દિનેશભાઈએ પોતાના ટીશર્ટ પર ‘Restore Democracy in India’ છપાવ્યું અને ‘પટેલ બ્રધર્સ’ ખરીદી કરવા જવા લાગ્યા !
અંધભક્તિ વિવેકનો નાશ કરે છે ! એટલે જ ગોદી મીડિયા/ ગોદી સમાચાર એજન્સીઓ લોકોનો વિવેક નાશ પામે તે માટે મોદીજીને ભગવાન ચિતરવાની એક પણ તક જતી કરતાં નથી !
टिप्पणियाँ