૨૦૨૫-૨૬ના બજેટને પરિણામે દેશની આયાત પરની સરેરાશ જકાત ૧૧.૬૫ ટકાથી ઘટીને હવે ૧૦.૬૬ ટકા થશે. આનાથી આયાત સસ્તી થશે. આયાત સસ્તી થાય તો એ વધે. એનો અર્થ એ કે ભારતનું આયાત પરનું અવલંબન વધે. તો આત્મનિર્ભરતા કઈ રીતે વધે?
એક રસપ્રદ હકીકત. ૧૬૦૦ સીસીની બાઈક પરની આયાત જકાત ૫૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરાઈ છે. આવી બાઈક ભારતમાં લાવવી જ શા માટે જોઈએ? ભારતમાં બાઈક પેદા કરનારી સ્વદેશી કંપનીઓ છે જ. વળી, આવી ૧૬૦૦ સીસી ધરાવતી બાઈકની કિંમત લાખો રૂપિયામાં હોય છે કે જે દેશના બહુ મોટા ધનવાનોને જ પોસાય. આમ, ધનવાનોના પૈસા બચાવાયા. એટલે એમને માટે જ આ આયાત જકાત ઘટાડવામાં આવી છે એમ કહેવાય!
હા, એ યાદ રહે કે હાર્લી ડેવિડસન નામની અમેરિકન કંપનીની બાઈક પર ભારતમાં બહુ આયાત જકાત છે એવો બળાપો અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કઢાયેલો. એમને ખુશ કરવા જ આ પગલું ભરાયું ને?
અત્યારે આયાત નિકાસ કરતાં વધારે જ છે. એપ્રિલ - નવેમ્બર, ૨૦૨૪ના છેલ્લા આંકડા અનુસાર આટલા મહિનામાં ભારતની આયાત નિકાસ કરતાં ૨૧૭ અબજ ડોલર વધારે હતી. હવે આયાત જકાત ઓછી થવાથી આયાત વધશે. તો આત્મનિર્ભરતા વધે કે ઘટે? નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર કોરોના કાળ દરમ્યાન આપ્યું હતું. એ પછી એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે આયાત નિકાસ કરતાં ઓછી હોય.
વીમા ક્ષેત્રે વિદેશી કંપનીઓને હવે ૧૦૦ ટકા મૂડીરોકાણ કરવાની છૂટ આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી ૭૪ ટકા મૂડીરોકાણની છૂટ હતી. આ નિર્ણયને લીધે જે વિદેશી કંપનીઓએ ૭૪ ટકા સુધીનું મૂડીરોકાણ કરેલું છે તેઓ તેમનું રોકાણ વધારી શકે છે. આમ, ભારતમાં હવે સંપૂર્ણ વિદેશી મૂડીરોકાણ ધરાવનારી વિદેશી કંપનીઓ થશે અને આવશે. આનાથી આત્મનિર્ભરતા વધે કે ઘટે?
વીમા ક્ષેત્રે વિદેશી રોકાણને મંજૂરી આપનાર ભાજપ છે, કોંગ્રેસ નહિ. ૨૦૦૦માં વાજપેયી સરકારે ૨૬ ટકા, અને નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪માં ૪૯ ટકા, ૨૦૨૧માં ૭૪ ટકા અને ૨૦૨૫માં ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપી છે. ભારતમાં સરકારી અને સ્વદેશી ખાનગી વીમા કંપનીઓ છે જ. વિદેશી કંપનીઓની જરૂર જ ક્યાં છે?
RSSનો સ્વદેશી જાગરણ મંચ ઊંઘે છે અને એને સ્વદેશી માટે કોઈ આંદોલન કરવાનું અત્યારે સૂઝતું નથી. એ મનમોહનસિંહની સરકાર સામે તો બહુ કૂદાકૂદ કરતો હતો. એ 'આત્મનિર્ભર ભારત' નામની નરેન્દ્ર મોદી નામની કંપનીની ઘેનની દવા લઈને કુંભકર્ણની નિદ્રામાં લાગે છે!
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor