सीधे मुख्य सामग्री पर जाएं

અજ્ઞાનની અવિરત ગંગા: ગુજરાતનું ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે

- રિમ્મી વાઘેલા
 તારીખ 29 ફેબ્રુઆરી, 2024ના રોજ છાપામાં અડધા પાનાની ‘વિકસિત ગુજરાત@ 20147’ અંતર્ગત બજેટ 2024-25ની મોટી જાહેરાત જોઈ. કદાચ બધાની નજર પડી પણ હશે. કરોડોના આંકડાઓની મોટી મોટી જાહેરાતો સાથે જાહેરાતના અંતમાં લખેલું છે કે “આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં વહી રહી છે અવિરત જ્ઞાનરૂપી ગંગા”. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે વૈદિક યુગથી આધુનિક યુગના શિક્ષણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે
ચોક્કસ જાહેરાતો તો હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. પણ આ જાહેરાતો અને તાજેતરમાં વિધાનસભાના સત્રમાં સરકારે આપેલા જવાબો ક્યાંય બંધ બેસતા નથી. એટલું જ નહીં, આ જાહેરાતથી સંપૂર્ણપણે વિપરીત ચિત્ર રજૂ કરે છે.  જો કે આવી જાહેરાતોથી કોઈ પ્રભાવિત થતું નથી. અને જાહેરાતને આપણે માત્ર જાહેરાત જ માનીએ,   આપણે લોકશાહીના એવા તબક્કામાં આવીને  ઊભા છીએ. જાહેરાતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોઈ જ ના શકે, તે કડવી વાસ્તવિકતા હવે આપણે સહુ સ્વીકારી ચૂક્યા છીએ.
અફસોસની વાત એ છે કે શિક્ષણને જો આપણે સામાજિક પ્રગતિનો મુખ્ય માપદંડ ગણતા હોઈએ તો આ જ શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતી અરાજકતા ક્યારેય પણ કોઈપણ પ્રકારની ચૂંટણીમાં મુદ્દો નથી બનતી. વિદ્યાર્થીઓ- શિક્ષણના પ્રશ્નો ક્યારેય કોઈ પણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હોતા નથી. દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીની માત્ર ચૂંટણીલક્ષી કવાયત ચાલી રહી છે, ત્યારે દેશના ગુજરાત મોડલમાં ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે જોઈએ!

શિક્ષણનું ખાનગીકરણ:

રાજ્યમાં અત્યારે સૌથી ભયંકર શિક્ષણક્ષેત્રે પ્રવર્તતો કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષણનું ખાનગીકરણ છે. શિક્ષણમાં ખાનગીકરણના કારણે શિક્ષણ આજે સાધારણ લોકોની પહોંચ બહાર જતું રહ્યું છે. મોટાભાગના વાલીઓ ઈચ્છે છે કે પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપે અને વાલીઓની આ ઇચ્છાઓ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફળીભૂત થતી હોય તેવું સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ જોઈને લાગતું નથી. પરિણામે લોકોને જબરદસ્તી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. તેમાં પણ નવી શિક્ષણ નીતિ 2020 તો પી. પી. પી. - પબ્લિક ફિલાંથ્રોફિક પાર્ટનરશીપના નામે શિક્ષણના ખાનગીકરણ માટે ખુલ્લો દોર આપે છે. 
માર્ચ 2022માં ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 1000 જેટલી પ્રાથમિક કન્યાશાળાઓ ઓછી સંખ્યાને બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તો તેનાથી વિપરીત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં કુલ 1172 નવી ખાનગી હાઇસ્કુલો શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ સ્થિતિ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આખા દેશમાં 140 ખાનગી યુનિવર્સિટીઓ ખૂલી છે, તેમાં સૌથી વધુ ગુજરાતમાં છે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રાથમિક કક્ષાએ કોઇ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા ન લેવાનો કાયદો હોવા છતાં ધોરણ 5માં સરકારે CETની પરીક્ષા લીધી. તેનું પરિણામ અને મેરીટ પણ જાહેર કરવામાં આવ્યું. હવે જો મેરીટમાં આવેલ વિદ્યાર્થી ધોરણ 6માં પોતાની જ સરકારી શાળામાં આગળનો અભ્યાસ ચાલુ રાખે તો માત્ર 5000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે. પણ આ જ વિદ્યાર્થી જો અન્ય ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેને 20,000 એટલે કે ચાર ગણી વધારે શિષ્યવૃત્તિ મળે. આ સ્થિતિમાં હોશિયાર વિદ્યાર્થીઓ વધુ શિષ્યવૃત્તિ મેળવવા માટે ખાનગી શાળામાં જશે. શું સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ખતમ કરવાની આ નીતિ નથી?

શિક્ષણમાં મોંઘવારી:

વારંવાર શૈક્ષણિક સંસ્થાઓમાં થતો ફી વધારો વાલીઓ માટે આજે સૌથી મોટી ચિંતાનો વિષય છે. નવી શિક્ષણ નીતિ બાદ ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક અભ્યાસક્રમોમાં સરકારે કોમન રજીસ્ટ્રેશનથી પ્રવેશ આપવાનો આ વખતે નિર્ણય કર્યો છે. આ કોમન રજીસ્ટ્રેશન, પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવશે. અને તેની ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન ફી સરકારની યુનિવર્સિટીઓ કરતા ખૂબ જ વધારે છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી રજીસ્ટ્રેશન ફી 125 રૂપિયા હતી. હવે વિદ્યાર્થીએ કોમન રજીસ્ટ્રેશન કરાવવા માટે ₹300 ચૂકવવા પડશે. અનેક સરકારી યુનિવર્સિટી રજીસ્ટ્રેશન માટેની ફી નથી લેતી. વિદ્યાર્થીઓ માટે આ તક પણ જતી રહી. ઘણીવાર ₹300 આપણને સાધારણ લાગે. પરંતુ જે દેશમાં 80 કરોડ લોકો રાશનના અનાજ ઉપર નભતા હોય ત્યાં ₹300 માત્ર રજિસ્ટ્રેશન માટે ચૂકવવાના આવે, તો કેવી સ્થિતિ થાય? એટલું જ નહીં રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ જાતે કરી શકતા નથી. પરિણામે સાઇબર કાફેમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે. તેના 200-300 રૂપિયા થાય તે અલગ.
નવી શિક્ષણનીતિ 2020નો અમલ કરવાની સાથે સ્નાતક અભ્યાસક્રમ હવે ઓનર્સની ડિગ્રી સાથે ચાર વર્ષનો થયો છે. પરિણામે યુનિવર્સિટી શિક્ષણ વધુ મોંઘુ થયું છે. ખાનગી યુનિવર્સિટીઓમાં જનરલ પ્રોફેશનલ અભ્યાસક્રમોની ફી સરેરાશ રૂ. 78,000થી 8 લાખ સુધીની છે. ખાનગી યુનિવર્સિટીના સંચાલકો કહે છે કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ મળતો નથી. પરિણામે ખર્ચને પહોંચી વળવા તેમણે ફીનું ધોરણ આટલું ઊંચું રાખવું પડે છે. પણ આ સંસ્થાઓ રહી ભારે સેવાભાવી!!!! આ વ્યવસાય  પરવડતો ના હોવા છતાં પણ એક માત્ર જાણે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા હોય તેમ પોતાની દુકાનો ચાલુ રાખવા માંગે છે!
તાજેતરમાં જ સમાચાર હતા કે સરકારે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટ ઓછી કરતા ધોરણ 12ની માસિક ફી જે 95 રૂપિયા છે તેના બદલે 400 રૂપિયા વસૂલવા સંચાલક મંડળે સરકારને ભલામણ કરી છે. ત્યાં સુધી કે બોર્ડની પરીક્ષા ફીમાં પણ વધારો થાય છે. અનેક આશ્રમશાળાઓ, બુનિયાદી શિક્ષણની શાળાઓ ગ્રાન્ટના અભાવે બંધ કરવામાં આવી રહી છે.
રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફી નિયમન માટે ફી નિયમન સમિતિ છે. પરંતુ આ ફી નિયમન સમિતિ જાણે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોના હિતમાં જ બનાવવામાં આવી હોય તેવી તેમની કાર્યવાહી હોય છે. 
રાજ્યમાં પ્લે સ્કૂલ - નર્સરી માટે ફીને લગતા કોઈ જ ચોક્કસ નીતિ નિયમો નથી. પરિણામે પ્લે સ્કૂલમાં પણ એક વર્ષની ફી ₹50,000થી શરૂ કરીને લાખોમાં ઉઘરાવવામાં આવે છે.
આટલું જ નહીં, દર વખતે સ્ટેશનરી યુનિફોર્મ પાઠ્યપુસ્તકો આ બધાના ખર્ચમાં વધારો થાય તે તો અલગ દર વર્ષે શાળાઓ જુદી જુદી પ્રવૃત્તિ ના નામે પણ પૈસા ઉઘરાવતી હોય છે અને તેમની ઉપર જાણે કે કોઈ જ નિયંત્રણ નથી વાલીઓ સંપૂર્ણપણે લાચાર અવસ્થામાં છે.

શિક્ષણમાં ગુણવત્તાની સંપૂર્ણપણે ગેરહાજરી:

તાજેતરમાં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ - સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના 70% શહેરી શિક્ષકો વ્યવસાયિક લાયકાત ધરાવતા નથી. અને રાજ્યમાં લાયકાત વગરના 98% શિક્ષકો ખાનગી શાળાઓમાં છે. રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદમાં સૌથી વધુ 800 જેટલા શિક્ષકો લાયકાત વગરના છે. આ સ્થિતિમાં લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આપણા બાળકોને શું ભણાવવામાં આવતું હશે અને કેવું ભણાવવામાં આવતું હશે તે સમજી શકાય છે!
દેશમાં શિક્ષણની સ્થિતિ અંગેના વાર્ષિક શિક્ષા સ્થિતિ રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના મહેસાણા જિલ્લાના 60 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 14થી 18 વર્ષના 85.2% બાળકો ધોરણ 2ના પુસ્તક માંડ વાંચી શકે તેટલી જ ક્ષમતા ધરાવે છે. મહેસાણા જિલ્લો આર્થિક રીતે સંપન્ન ગણાય છે. જો ત્યાંના શિક્ષણમાં આ પ્રકારની સ્થિતિ હોય તો રાજ્યનું ચિત્ર આપણે સમજી શકીએ તેમ છીએ. 14 થી 18 વર્ષના 25% વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી. 42.7%ને અંગ્રેજી વાંચતા આવડતું નથી. બજેટમાં ગમે તેટલા રૂપિયા ફાળવવામાં આવે પરંતુ તે માત્ર જો જાહેરાતોમાં જ સ્થાન ધરાવતા હોય તો રાજ્યમાં શિક્ષણનું સ્તર હાલ જે છે તેના કરતાં પણ વધુ નીચે જઈ શકે છે.

કાયમી ભરતીનો અભાવ:

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં એક તરફ વિદ્યા સહાયકો - જ્ઞાન સહાયકો કાયમી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાં આટલા મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી હોય, ત્યાં ખરેખર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલતું હશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન છે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ એવી પ્રાથમિક શાળામાં 22,721 શિક્ષકોની ઘટ છે. એટલું જ નહીં, દેશના મોટા રાજ્યો કરતા ગુજરાતમાં ધોરણ 1થી 12માં શિક્ષકોનું મહેકમ ઘણું ઓછું છે. મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાં પ્રાથમિક સ્તરે શિક્ષકોની ઘટ શૂન્ય છે. જ્યારે દેશમાં જે રાજ્યને ડેવલોપમેન્ટનું મોડલ ગણવામાં આવે છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે આઘાતજનક છે. આ આંકડા પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં જાહેર કરવામાં આવેલ છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એક સમયે વિશ્વવિખ્યાત તેવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં પ્રોફેસરોની 117 જગ્યાઓ ખાલી છે. આ જ યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યા 2114 છે. એક તરફ બી.એડ અભ્યાસક્રમ બાદ જાણે કે રૂપિયા ઉઘરાવવા માટે જ અને પૂરતા પ્રમાણમાં ભરતી ન કરવા માટે ટેટ - ટાટની પરીક્ષા દાખલ કરવામાં આવી. તો બીજી તરફ આ જ પરીક્ષા પાસ ઉમેદવારો સરકારની કામગીરીથી સંપૂર્ણપણે હતાશ છે. ગુજરાતની શાળાઓમાં કુલ 30 હજાર શિક્ષકોની ઘટ સામે અત્યાર સુધીમાં માત્ર 9 ટકા જ ભરતી થઈ છે. ટૂંકમાં બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પણ જો તમે ટેટ -ટાટની પરીક્ષા ન આપી શકો તો તમને રોજગારી માંગવાનો અધિકાર નથી. કારણ કે તમે ખુદ રોજગારી માટે લાયક નથી. જાત-ભાતની પરીક્ષાઓ દાખલ કરીને સરકાર રોજગાર ઇચ્છતા યુવાનોના મગજમાં આ જ વાત ઠસાવવાનો પ્રયત્ન કરી રહી છે.
ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં પણ સ્થિતિ આ જ છે. તાજેતરમાં આચાર્યની ભરતી કર્યા બાદ પણ હજુ પણ 390 જગ્યા ખાલી પડી છે.
ઉચ્ચ શિક્ષણમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલા કોમન એક્ટ એટલે કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ પસાર કર્યા તેને 200 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આઠ યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિઓના હવાલે ચાલે છે. જો કે રાજ્યમાં કુલપતિની નિમણૂક કયા માપદંડો દ્વારા થાય છે, તેની સ્પષ્ટતા કરવાની સહેજ પણ જરૂર નથી.

વિધાર્થિનીઓની હાલત સૌથી વધુ કફોડી:

તાજેતરમાં સુલત ઇન્ટરનેશનલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાળાઓમાં વિધાર્થિનીઓ માટે અલગ શૌચાલય, પાણી,  સાબુ, સ્વચ્છતા, દરવાજા વગેરેની જોગવાઈ ન હોવાથી માસિક ધર્મ સમયે વિધાર્થિનીઓ ગેરહાજર રહે છે. આ જ કારણસર વર્ષમાં 60 દિવસથી પણ વધુ સમયગાળા માટે વિધાર્થિનીઓને શાળામાં ગેરહાજર રહેવું પડે છે. ભારત સરકાર દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા યોજના ચાલે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે કિશોરી દીઠ માત્ર એક જ રૂપિયો વાપર્યો છે. 10 થી 19 વર્ષ ની વચ્ચે 31.14 લાખથી વધુ લાભાર્થી સામે માત્ર 1.32 લાખ જ સેનેટરી પેડ ગુજરાત સરકાર દ્વારા વહેંચવામાં આવ્યા છે. 
આપણે શું આ 21મી સદીની વાત કરી રહ્યા છીએ? કોરોના મહામારી બાદ સાબુથી હાથ ધોવાની જાહેરાત તો આપણને હવે યાદ રહી ગઈ હશે! પરંતુ શૌચાલયમાં પાણી ન આવતું હોય એવા સમયે આપણે કયા મોઢે શિક્ષણમાં અગ્રેસર હોવાનો દાવો કરી શકીએ છીએ?
રાજ્યની સૌથી જૂની ગણાતી યુનિવર્સિટીમાં મારો વ્યક્તિગત અનુભવ પણ આ જ રહ્યો છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના શૌચાલયો વિધાર્થિનીઓ માટે કફોડી પરિસ્થિતિ સર્જે છે. જો કે હું તો શૌચાલયમાં પાણી, સાબુ, સ્વચ્છતાની વાત કરી રહી છું. પરંતુ અનેક શાળાઓમાં તો શૌચાલય જ નથી. ત્યાં પાણી, સાબુ, સ્વચ્છતાની જાહોજલાલીની તો શું વાત જ કરી શકીએ?
અનેક વિધાર્થિનીઓ શાળામાં શૌચાલયના અભાવે પૂરતા પ્રમાણમાં પાણી પીતી નથી. જેના કારણે પણ તેમને અનેક પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. જે તરફ તો કદાચ આપણું ધ્યાન પણ નથી.
વર્ષ 2019 - 21 દરમિયાન નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5ના અહેવાલ અનુસાર રાજ્યમાં ધોરણ-1 માં પ્રવેશ લેતી 100 વિદ્યાર્થીનીઓમાંથી માત્ર 45 વિદ્યાર્થીની  ધોરણ 12 સુધી પહોંચે છે. આ દર્શાવે છે કે રાજ્યમાં વિધાર્થિનીઓનો ડ્રોપાઉટ રેટ કેટલો મોટો છે!

વિદ્યાર્થીઓની આત્મહત્યા:

વિદ્યાર્થીઓની આત્મહત્યા એ કદાચ આજનો સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ જવલ્લે જ આપણા સૌનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. આપણે અખબારોમાં કોટામાં થતી આત્મહત્યાના સમાચાર વારંવાર વાંચીએ છીએ. પરંતુ આપણા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સાચી રીતના પોતાનો અભ્યાસક્રમ ભણવાનો બને કે ના બને પરંતુ વધુને વધુ ગુણ લાવવાની બિનતંદુરસ્ત હરીફાઈ, આર્થિક કારણ, માનસિક તણાવ અને ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા હોય. પરંતુ ‘વાઇબ્રન્ટ ગુજરાત’માં ભીડ ભેગી કરવા માટે જે રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવે છે, તેનાથી જે તણાવ પેદા થાય છે, તેને પ્રતિભાવ આપવા માટે કોઈ હાજર નથી. જીટીયુએ પોતાના મોટાભાગના સેમેસ્ટરની પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ સમિટમાં ફરજિયાત હાજર રહી શકે તે માટે મોકુફ રાખી હતી. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની પરીક્ષાઓ રદ કરી હતી. ભલે આ ઘટનાઓને આપણે વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે ન જોડીએ. તેમ છતાં આ પ્રકારનું  સરકારને વહાલા થવા માટેનું યુનિવર્સિટીઓનું અણઘડ આયોજન વિદ્યાર્થીઓમાં માનસિક તણાવતો પેદા કરે જ છે. 
અલબત્ત આ તો બધા તકનિકી સવાલો છે. પરંતુ આ તકનિકી પ્રશ્નો ભેગા થઈને આપણી આખી શૈક્ષણિક વ્યવસ્થાને સાથે સાવ પાંગળી બનાવે છે. અભ્યાસક્રમોમાં થઈ રહેલા ફેરફારો તો ઔર ભયંકર છે. આપણા બાળકો-વિદ્યાર્થીઓ તર્ક કરવાનું ભૂલી જાય અથવા તો તર્કની ક્ષમતા પેદા જ ન થાય તે મુજબના અનઐતિહાસિક અને અવૈજ્ઞાનિક ફેરફારો અભ્યાસક્રમોમાં થઈ રહ્યા છે. ભ્રામક દુનિયામાં વિદ્યાર્થીઓ મહાલતા રહે તે પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. સરકારી કાર્યક્રમો,  જાહેરાતો અને પ્રચારના માધ્યમ તરીકે વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમો આ વાતની ચાડી ખાય છે. 
સંશોધનનું ક્ષેત્ર તો સંપૂર્ણપણે બરબાદીના આરે આવીને ઊભું છે. સંશોધન પાછળ ફાળવવામાં આવતી રકમ સાવ નજીવી છે. સંશોધનના વિદ્યાર્થીઓને મળતી મોટાભાગની ફેલોશીપ એક યા બીજા બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તેટલું જ નહીં જે ફેલોશીપ મળે છે, તે પણ જો તમે કોઈ સરકારી યોજનાની સફળતાનો પ્રચાર કરતા વિષયની પસંદગી કરો, તો જ મળી શકે તેમ છે.
જે દેશની શૈક્ષણિક સંસ્થાઓ પોતે સ્વતંત્ર અને સ્વાયત્ત ના હોય તે દેશની એક પછી એક પેઢી ગુલામ બને છે અને તે પણ પોતાની જાણ બહાર! આપણા પગલાં એ જ દિશામાં આગળ વધી રહ્યા છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.