હમણાં કલકત્તાની હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કદાચ લોકસભાની ચૂંટણી લડવાના છે.
તેમને ભારતના નાગરિક તરીકે આમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમાં ના નથી. પરંતુ સવાલ લોકશાહીના એક સ્તંભ એવા સ્વતંત્ર ન્યાયતંત્રની વિશ્વસનીયતાનો છે. ન્યાયમૂર્તિઓ સ્વતંત્ર, નિષ્પક્ષ અને કાર્યક્ષમ હોય એ લોકશાહીના જતન અને રક્ષણ માટે અત્યંત આવશ્યક બાબત છે.
અભિજીતજી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટ છે અને ભાજપ "ભ્રષ્ટાચાર વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા"નું સૂત્ર આપે છે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટ છે એની તો તેમણે અદાલતમાં કેસ ચલાવ્યા હોય તેથી ખબર હોય. પણ સવાલ એ છે કે ભાજપનું સૂત્ર વ્યવહારમાં સાચું છે તેની એમને કેવી રીતે ખબર પડી? લાગે છે કે સક્રિય રાજકારણમાં આવવા માટેનું અને ભાજપમાં જોડાવા માટેનું એ એક બહાનું છે.
એમ લાગ્યા વિના રહેતું નથી કે તેઓ કોઈ એક પક્ષની, આ કિસ્સામાં ભાજપની, તરફદારી કરી રહ્યા છે. તેઓ ભાજપમાં જોડાય છે માટે તે બરાબર નથી એમ નહિ, પણ કોઈ પણ ન્યાયમૂર્તિ આ રીતે રાજીનામું આપીને કે પછી નિવૃત્તિ બાદ કોઈ રાજકીય પક્ષમાં જોડાય એ કેટલું વાજબી ગણાય?
ન્યાયમૂર્તિઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હોય એ અપેક્ષિત છે. તો જ નાગરિકોને ખરો ન્યાય મળશે એવી ખાતરી રહે છે. અભિજીતજીના આ પગલાથી હવે તો દરેક ન્યાયમૂર્તિ પર કે તેમના ચુકાદા પાછળના ઇરાદા પર શંકા ઊઠે એવું બની શકે છે.
શું અભિજીતજીએ ભાજપમાં જવા માટે જ તૃણમૂલ કોંગ્રેસની સરકાર વિરુદ્ધ ચુકાદા આપ્યા હતા? શું આવો સવાલ ન ઉઠાવી શકાય?
ન્યાયતંત્ર પાસે નિષ્પક્ષ રીતે ન્યાય તોળવાની અને નાગરિકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવાની સત્તા અને ક્ષમતા હોય તો જ લોકશાહી ટકે અને વિકસે. તે માટે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહે તે અનિવાર્ય ગણાય.
એમ લાગે છે કે કોઈ પણ સ્તરના ન્યાયમૂર્તિ સક્રિય પક્ષીય રાજકારણમાં જઈ શકે નહિ તેવો કાયદો થવો જોઈએ અને તે માટે દેશના નાગરિકો અને ખાસ કરીને વકીલોએ તેને માટે ઝુંબેશ ઉપાડવી જોઈએ.
टिप्पणियाँ