WhatsApp યુનિવર્સિટી કરતા પણ વધુ જુઠ્ઠાણું કોઈ ફેલાવતું હોય તો તે છે કોર્પોરેટ કથાકારો/ સ્વામિનારાયણના સાધુઓ/ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો/ શ્રી શ્રીઓ/ સદગુરુઓ/ બાબાઓ/ બાપુઓ ! આ સ્થિતિ અન્ય ધર્મમાં પણ જોવા મળે છે. ભગવાનના ‘એજન્ટ’નું ચરિત્ર સરખું જ હોય છે. ભગવાનની કથામાં સત્ય પર ભાર મૂકવાને બદલે કોર્પોરેટ કથાકારો Baseless/ Senseless/ Illogical વાતો કરે છે !
ઉદાહરણ તરીકે અનિરુદ્ધાચાર્ય મહારાજ (34)ને જ જોઈ લો. લોકો તેમની કથાઓમાં ધર્મની વાતો સાંભળવા જાય છે પરંતુ તેઓ ધર્મની વાત કરવાને બદલે મહાગપ્પાં સંભળાવે છે ! અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દામોહી જિલ્લાના રિવઝા ગામના છે. તેઓ ભાગવત કથાકાર છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો ભક્તો જૂએ છે. પાંચ ધોરણ સુધી ભણેલા અનિરુદ્ધાચાર્યની કથા સાંભળવા સ્નાતકો/ અનુસ્નાતકો/ Ph.D ડીગ્રીધારી સહિત પ્રચંડ જનમેદની ઉમટે છે !
તેમની અમૃતવાણીના થોડાં ઉદાહરણ જોઈએ : “હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય ! મારે પાસે ઘણાં સવાલો છે, જે સાયન્સ પાસે નથી. કોઈ વિજ્ઞાનના જાણકાર મારી પાસે આવે અને વાત કરે તો હું એને સંતુષ્ટ કરી દઈશ પરંતુ તે મને સંતુષ્ટ નહીં કરી શકે. કેમ કે મારી પાસે એવા સવાલ છે કે જે સાયન્સ પાસે નથી પણ સાયન્સના લાખો સવાલ મને પૂછો જેના ઉત્તર હું આપી શકું છું !”
“તમે ક્યારેય ગાયના છાણથી મોં ધોયું? શુદ્ધ ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય છે, એની ગેરંટી આપું છું !”
“વોશરુમ જતા પહેલા કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો. કેટલું વૈજ્ઞાનિક છે ! આપણા કાનમાં એક નસ હોય છે, તેનું કનેક્શન મૂત્રેન્દ્રીય સાથે હોય છે. કાન પર જનોઈ વીંટાળવાથી પ્રેશર થાય છે જેથી બાથરુમ આરામથી કરી શકો છો !”
“આ વખતે કોને જીતાડશો? જે રામને લાવ્યા ! આ વખતે ઋણ ચૂકવવાનું છે. એમની લંકા સળગાવજો જે રામમંદિરનો વિરોધ કરતા હતા ! આ વખતે જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે !”
“આઈફોનનું નામ સાંભળ્યું છે? તે કંપનીના પ્રોડક્ટમાં લોગો હોય છે બટકું ભરેલું સફરજન ! તમને ખબર છે આ લોગો કેમ બન્યો? ભારતના એક દિવ્ય સંત નીબ કરોલી બાબા હતા. તેમની પાસે અમેરિકાથી એક શિષ્ય આવ્યો. તેણે બાબાને કહ્યું કે ‘અમે એક ફેકટરી બનાવીએ છીએ, તેનું સિમ્બોલ શું રાખવું? તે વખતે બાબા પાસે એક Apple પડ્યું હતું. બાબાએ એપલને બટકું ભરીને એને પકડાવી દીધું ! બસ, આ એપલને તેણે પોતાની કંપનીનો લોગો બનાવી દીધો ! એપલ આજે દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ છે !”
વિચારો ! આમાં ક્યાંય ધર્મની વાત આવી? ‘હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય !’ આ મિથ્યાભિમાન નથી? દુનિયામાં કોઈ પણ ધર્મના એજન્ટે એક પણ વૈજ્ઞાનિક શોધ કરી નથી. તમામ કોર્પોરેટ કથાકારો વિજ્ઞાને શોધેલી વસ્તુઓ વાપરે છે; કાર, પ્લેન, AC, ફ્રિજ, મોબાઈલ, સાઉન્ડ સીસ્ટમ વગેરે. છતાં સાયન્સને ચૂપ કરવાની વાત કરી લોકોને ભ્રમિત કરતા નથી? ‘ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય’ એમ કહીને અંધશ્રદ્ધા ફેલાવતા નથી? ‘કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો’ એવા ઉપદેશનો કોઈ અર્થ ખરો? જનોઈનો અધિકાર તો ઉપલા વર્ણના લોકોનો છે, આ અધિકારથી બહુજન સમાજ વંચિત છે, એનું શું? વળી અન્ય ધર્મના લોકો જનોઈ પહેરતા નથી છતાં બાથરુમ આરામથી કરે છે, તો કાન પર ત્રણ વળ ચડાવવાનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ ખરો? ‘જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે !’ એમ કહેનાર કથાકાર કહેવાય કે રાજકીય પક્ષનો એજન્ટ? મોદીજી હારે તો રામ કઈ રીતે હારી જાય? એપલ કંપનીનો શ્રેય નીબ કરોલી બાબાને આપી શકાય? હકીકત એ છે કે નીબ કરોલી બાબા 11 સપ્ટેમ્બર 1973ના રોજ અવસાન પામ્યા હતા અને એક વરસ પછી 1974માં સ્ટીવ જોબ્સ ભારત આવ્યા હતા !
ચાલો માની લઈએ કે નીબ કરોલી બાબાએ બટકું ભરીને સ્ટીવ જોબ્સને સફરજન આપ્યું હતું; તો સવાલ એ છે કે આપણા સંતો/ કથાકારો, આપણા લોકોને એપલ કંપની ઊભી કરવા; એપલ જેવા ફોન/ કોમ્પ્યુટર બનાવવા કેમ પ્રેરણા આપી શકતા નથી? શું આપણા સંતો/ કથાકારોને અમેરિકનનો જ મોહ હશે? અમેરિકનને ટેકનોલોજીની પ્રેરણા આપવાની અને આપણને માત્ર ગોળગોળ/ પોલાંપોલાં ઉપદેશો જ આપવાના? માત્ર મિથ્યાભિમાનની વાતો કરી શ્રોતાઓને ભ્રમિત કરવાના?
---
*સ્રોત:ફેસબુક
टिप्पणियाँ