AIDSO દ્વારા ગુજરાત યુનિ. પાસે વરસતા વરસાદમાં ધરણાં યોજાયાં. તેમાં આપેલા ટૂંકા પ્રવચનના મહત્ત્વના મુદ્દા:
(૧) પહેલાં દસ કે વીસ રૂપિયાનું ફોર્મ કોલેજમાં ભરીને વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો. હવે ₹ ૩૦૦ ભરીને જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવું પડે. તેને માટે સાયબર કાફેમાં પણ જવું પડે અને ત્યાં પણ ૨૦૦થી ૫૦૦ ₹ ખર્ચવા પડે. ક્યાંક તો ₹ ૧૦૦૦ પણ. આમ, આશરે બે લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા.
(૨) નવમી મેના રોજ બારમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું અને હજુ બે મહિના પછી પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશનાં ઠેકાણાં નથી. પ્રવેશ પ્રક્રિયા પતે ક્યારે અને ભણવાનું અને ભણાવવાનું શરૂ થાય ક્યારે?
(૩) ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ ભરચક કરવા માટે જ સરકારે આ જીકાસ નામનો ધંધો શરૂ કર્યો છે. એ ઉદ્દેશ પાર પડી ગયો. વાલીઓને પોસાય કે ન પોસાય એની ચિંતા કરવાની જરૂર નથી.
(૪) શાળા પ્રવેશોત્સવ અને પતંગોત્સવમાં કોઈ ફેર નથી. બીજામાં પતંગ ઊડે અને પહેલામાં વિદ્યાર્થી ઉડ્યા કરે. વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા પછી ટકતા કેમ નથી એ ખરો મોટો સવાલ છે.
(૫) પહેલા ધોરણમાં ૨૦૧૪માં આશરે ૧૭ લાખ વિદ્યાર્થી દાખલ થયા હતા. તેમાંથી આશરે ૧૦.૫ લાખ જ દસમા ધોરણ સુધી અને તેમાંથી ૫.૫ લાખ જ બારમા ધોરણ સુધી પહોંચ્યા.અને તેમાંથી ત્રણ લાખ કોલેજોમાં ગયા. આ વાસ્તવિકતા છે.
(૬) શિક્ષણ નીતિ કહે છે કે જીડીપીના છ ટકા ખર્ચ શિક્ષણ માટે સરકારે કરવું જોઈએ. ગુજરાત સરકાર માત્ર ૧.૫૩ ટકા ખર્ચ કરે છે. આ ખર્ચ વધશે નહિ ત્યાં સુધી ખાડે ગયેલું શિક્ષણ સુધરશે નહિ.
टिप्पणियाँ