16 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં શાળા બહારના 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોનો સર્વે શરૂ થયો છે. જે 26 એપ્રિલ સુધી ચાલશે. જેની જવાબદારી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. અત્યારે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીઓના કામ પણ શિક્ષકોને ભાગે કરવાના આવશે. શિક્ષકો કેટલું કરી શક્શે? શિક્ષકો પાસેથી વ્યાજબી રીતે કેટલી અપેક્ષાઓ રાખવી જોઈએ?
RTE ની જોગવાઈઓ મુજબ દરેક બાળક શિક્ષણ મેળવી શકે, તે માટે શાળા બહારના બાળકોને સર્વે કરીને શોધી કાઢવાનું ઉમદા કામ સરકાર વિચારે છે, તે આવકારદાયક છે. આવાં ઉત્તમ કામમાં જેમને સીધો લાભ થવાનો છે, તેવાં હિતધારકોની પ્રતિનિધિ સમિતિ SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ જવાબદારી સારી રીતે ઉપાડી શકે તેમ છે. શિક્ષણ વિભાગ SSA તરફથી આ કામગીરીમાં SMC ની ભાગીદારીનું આયોજન કરીને યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ.
હજી મોડું થયું નથી, સર્વેની કામગીરી આજથી જ શરૂ થઈ છે. SSA તરફથી શાળા બહારના બાળકોના સર્વે માટે નજર બહાર રહી ગયેલી, આ શક્યતા સ્થાનિક સ્તરે સમજદાર SMC ના સભ્યો જરૂરથી પ્રાયોગિક રીતે ઉપાડી શકે. Local Self Government સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ કામગીરીના ભારથી દબાયેલા શિક્ષકોને મદદ કરીને હળવાં કરી શકે. શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતી Civil Society Organisations નાગરિક સંસ્થાઓ પણ તેમાં સહયોગી થાય, તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે. તમામ બાળકોને શાળામાં ભણતાં કરવા રાષ્ટ્ર નિર્માણનું દુરંદેશી કામ છે.
આપણા બંધારણમાં દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. ફરજિયાત શબ્દથી ઉભી થતી મૂળભૂત અધિકાર પાલનની જવાબદારી આપણી સરકારના માથે છે. સરકારે તેનો સ્વીકાર કરવા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી પણ ઉઠાવવાનો નિર્ધાર કરેલ છે. એટલે કે 18 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકો 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે, અને એકપણ બાળક શાળાની બહાર ન રહી જાય, એ માટેનો સંકલ્પ કરેલ છે. જે આવકારદાયક, પ્રશંસનીય ઉમદા કાર્યક્રમ છે.
વાસ્તવમાં ગુજરાત સરકારે આ ઉમદા કાર્યક્રમના અમલની શરૂઆત છેલ્લાં પાંચેક વર્ષથી કરેલ છે. 6 થી 19 વર્ષની ઉંમરના શાળા બહારના બાળકોને શોધી કાઢવાનો કાર્યક્રમ દર વર્ષે નિયમિત રીતે, નિયમિત સમયે થાય છે. ચાલુ વર્ષે પણ 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરેક પ્રાથમિક શાળા વિસ્તારમાં નહિ ભણતાં બાળકોનો સર્વે થવાનો છે. જો કે ઓક્ટોબર 2023 માં આ પ્રકારનો સર્વે થઈ ગયો છે, જેમાં ગુજરાતના 1,15,129 બાળકો શાળા બહાર હોવાની વિગતો ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળાઓમાં અત્યારે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. તેમજ શિક્ષકો પણ લોકસભાની ચૂંટણીઓના કામોમાં વ્યસ્ત હોવાની સંભાવના છે. ત્યારે એક જ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત આ જ પ્રકારનો સર્વે કેટલો ફળદાયી નિવડશે? તેની આશંકા છે.
શાળા બહારના બાળકોનો સર્વે દર વર્ષે નિયમિત થાય છે. દર વર્ષે તેના આંકડાઓ પણ પ્રસિદ્ધ થાય છે. જે આંકડા સમુદ્રમાં હિમશીલા જેવાં છે, હિમશીલાનો દેખાતા ભાગ કરતાં અનેક ગણો મોટો ભાગ સમુદ્રની અંદર હોય છે, જે દેખાતો નથી. આવું જ કંઈક શાળા બહારનાં બાળકોના આંકડાઓ માટે છે. ઓક્ટોબર 2023 ના સર્વે પ્રમાણે 18 વર્ષથી નાની ઉંમરના 1,15,129 બાળકો શાળા બહાર છે. જ્યારે ગુજરાતમાં શાળા બહારના ત્રણ વર્ષ ના નપાસ થયેલા બાળકો ને ઉમેરીએ, અને એનો બહુ જ સંકોચ સાથેનો એક અંદાજ કરીએ, તો આ આંકડો પંદરથી વીસ ગણો વધું થવાનો સંભવ છે. આમ આંકડાઓમાં આટલો મોટો તફાવત થવાના કારણો આ સર્વે પ્રક્રિયાના અભ્યાસથી સમજી શકાય તેમ છે.
ગુજરાત સરકારનો આ ઉમદા કાર્યક્રમ છે. છેલ્લા પાંચેક વર્ષથી આ નિયમિત રીતે થાય છે, તે સરકારી પ્રતિબદ્ધતાની નિશાની છે. આંકડાઓના એકત્રીકરણ Data Collection પછી માહિતી વિશ્લેષણ અને નિયંત્રણ માટેનું Software પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રે સારૂં તૈયાર કરાવેલ છે. તેમ છતાં ખાટલે મોટી ખોડ ક્યાં છે? તે શોધીને નિવારી શકીએ તો? ગુજરાતનો બાળ માનવ વિકાસ - સૌનો સાથ સૌનો વિકાસ Human Development જરૂરથી હાંસલ કરી શકીએ.
આ ઉમદા કાર્યક્રમના અમલીકરણ માટેનું આયોજન અને માર્ગદર્શન સમગ્ર શિક્ષા અભિયાન SSA તરફથી થઈ રહ્યું છે. દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC, CRC અને આચાર્યશ્રીઓને આ કાર્યક્રમનો હેતુ, મહત્વ, રૂપરેખા તેમજ કાર્ય પદ્ધતિ વિષે પરિપત્રોથી જાણ કરવામાં આવે છે, ઓનલાઈન તાલીમ કરવામાં આવે છે, જરૂરી સાહિત્ય, સર્વે પત્રકોની વ્યવસ્થા કરવામાં આવે છે. જે એક સરખી રીતે, નિશ્ર્ચિત રૂપે દર વર્ષે કરવામાં આવે છે. આથી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખ્યાલ છે કે સુચના મુજબ આ કર્મકાંડ સમયસર કરી લેવાનો છે.
આ કર્મકાંડની ગુણવત્તા કે તેના અનુસાંગિક કામ Follow up વિષે કોઈ પૂછપરછ કે છાનબીન થતી હોવાની જાણકારી કોઈપણ હિતધારકને નથી. તેથી આ વાર્ષિક Routine કર્મકાંડ બની ગયો છે. જેના કારણે ઘણી મહેનત પછી પણ પરિણામમાં સરવાળે મીંડુ જેવી વાસ્તવિકતા છે. જો આ હકીકતમાં યથાર્થતા નથી અને કથિત અનુમાનો અયોગ્ય હોવાનું આ પ્રક્રિયા સાથે જોડાયેલ કોઈ સમજાવી શકે તો ઉપરોક્ત વિશ્લેષણ પરત સ્વીકાર કરવામાં સંકોચ નથી.
ગુજરાતના નવનિર્માણ માટે અત્યંત જરૂરી અને બાળ અધિકારોના ક્ષેત્રના આ મહાત્વાકાંક્ષી કાર્યક્રમમાં પાયાના સ્તરે Grassroot Level ત્રણ તબક્કા વિચારાયા છે. (૧) સર્વે સમિતિની રચના (૨) મેપીંગ (૩) સર્વેની કામગીરી. SSA તરફથી આ ત્રણેય તબક્કાના આયોજન માટેની માર્ગદર્શક નોંધ એકદમ સાદી અને સરળ છે. જે આ તબક્કાના સ્તરની કામગીરીમાં સામેલ પડકારો અને હિતધારકોની માનસિકતાને સમજવામાં અત્યંત નબળી છે. જેના કારણે ઈચ્છિત પરિણામ મેળવી શકાય તેમ નથી. જો તેમાં થોડુંક વધારે Micro Planning અને Cross Verification with Stakeholder Participation ઉમેરવામાં આવે તો, પરિણામ મળવાની સંભાવના વધી શકે તેમ છે. આ માટેના પ્રયાસો નાગરિક સમાજે અને પ્રભાવશાળી કેળવણીકારોએ proactively કરવા જોઈએ, તેમજ સરકારી તંત્રે તેને positively આવકારવા જોઈએ.
---
*ગણતર સંસ્થા
Comments