અમદાવાદના પોલિસ કમિશનરનું લોકશાહી વિરોધી વધુ એક પગલું ચૂંટણી ટાણે જોવા મળ્યું છે. તા. ૧૬-૦૪-૨૦૨૪ના રોજ તેમણે એક જાહેરનામું બહાર પાડીને ફોજદારી કાર્યવાહી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ આખા શહેરમાં લાગુ કરી જણાવ્યું છે કે "કોઈ પણ પ્રચારપ્રસાર રેલી દરમ્યાન કોઈ એ કાળા વાવટા ફરકાવવા નહિ કે ઉશ્કેરણીજનક બેનર કે પ્લે કાર્ડ બતાવવું નહિ અથવા કોઈ વિરોધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવો નહિ."
આ જાહેરનામું ૧૭મી એપ્રિલથી સાતમી મે સુધી અમલમાં રહેશે એમ પણ તેમાં કહેવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિથી ચાલે અને લોકો ભયમુક્ત રહે તે માટે એ બહાર પડાયું છે એવો તેમનો દાવો છે. આ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) ચૂંટણી હોય ત્યારે રેલીઓ તો નીકળતી જ રહે છે. ત્યારે નાગરિકો પોતાના પ્રશ્નોને વાચા આપવા જે તે સત્તાધારી પક્ષ સામે કાળા વાવટા ફરકાવે તો તેમાં શાંતિનો ભંગ કેવી રીતે થાય તે સમજાતું નથી.
(૨) આ જાહેરનામું આખા શહેરના બધા નાગરિકોને લાગુ પડે છે. એ કોઈ એક જ જ્ઞાતિના લોકો માટે છે એવું નથી. એટલે એ માત્ર ક્ષત્રિયો માટે જ બહાર પાડવામાં આવ્યું છે એમ સમજવું જોઈએ નહિ.
(૩) વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ બંધારણમાં કલમ ૧૯(એ)માં લખવામાં આવેલો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને તેનો ભંગ આ જાહેરનામું કરે છે.
(૪) બંધારણની કલમ ૧૯(બી) શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો નાગરિકોને અધિકાર છે એમ પણ જણાવે છે. તેનો પણ આ જાહેરનામાથી ભંગ થાય છે.
(૫) જો નેતાઓને રેલીઓ કાઢવાનો અધિકાર છે તો નાગરિકોને તેમનો વિરોધ કરવાનો અધિકાર છે. એ અધિકાર ડામી દેવાની આ કોશિશ અને સાજિશ છે.
(૬) ગુજરાતની પોલિસ એટલે ગુજરાતની સરકાર. આ સરકાર અત્યારે ભાજપની છે. એટલે પોલિસ દ્વારા આ દાદાગીરી કરવામાં આવી એમ નહિ, પણ ભાજપ સરકાર દ્વારા જ આ દાદાગીરી કરવામાં આવી એમ કહેવાય. રાજકીય માંધાતાઓ કહે તો જ આવું જાહેરનામું બહાર પડે એ તો સ્વાભાવિક છે. IPS અધિકારી હોય છે પોલિસ કમિશનર. તેમની પાસે તેઓ ભણેલા છે તેની સાબિતી આપતી સાચ્ચી ડિગ્રી હોય છે. એમને બંધારણની જોગવાઈઓની ખબર હોય છે, પણ તેઓ ચિઠ્ઠીના ચાકર બની જાય છે.
(૭) લોકો કોઈ પણ રેલી કે સરઘસમાં વિક્ષેપ ન પડે તે રીતે વિરોધ કરે તો તેમાં સરકારને કે પોલિસને વાંધો હોવો જોઈએ જ નહિ. પણ ગુજરાતમાં લોકશાહી અવકાશ અને સંવાદ ખતમ કરવાની જે રીતરસમ અપનાવવામાં આવી રહી છે તે લોકશાહી માટે ખતરનાક છે.
(૮) ભૂતકાળમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી વેળાએ આવું કોઈ જાહેરનામું પોલિસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હોય તો યાદ નથી. મોટે ભાગે પહેલી જ વાર આ રીતે નાગરિકોના સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવી છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં ૨૩ વર્ષમાં નાગરિક સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં નામચીન રહી જ છે. એ સમગ્ર તાનાશાહી પ્રક્રિયાનો આ ભાગ છે.
टिप्पणियाँ