નરેન્દ્ર મોદીનાં રાજસ્થાનમાં બાંસવાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલાં ભાષણ વિશે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે... એમની આ સ્ક્રીપ્ટ ભારોભાર કોમવાદને બળ આપનારી તો છે જ અને એક ચૂંટણી વિશ્લેષક તરીકે મને એની નવાઈ ન લાગી કારણકે આવા ઝેરી વક્તવ્યો તેમની છેલ્લા 25 વર્ષથી ફિતરત રહી છે.ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સભાઓમાં ભયંકર કોમવાદી વલણ અત્યાર સુધી જોવા મળ્યું જ છે... પાંચ કા પચ્ચીસ.... કેમનું ભૂલી શકાય...! ગુજરાત ભાજપની લેબોરેટરી રહી છે અને એટલે જ એમને લાગે છે કે આ પ્રકારના વક્તવ્ય આખા દેશમાં પણ તેમને ખોબલે ખોબલે મત મેળવવા હજી કામ લાગશે.
મારા માટે સૌથી રસપ્રદ સ્ત્રીઓના મંગળસૂત્રવાળી વાત રહી. ભાજપ એ વાતથી ખૂબ વાકેફ છે કે અત્યારના સમયમાં સ્ત્રીઓ એમની સૌથી મોટી અને મજબૂત વોટ બેન્ક છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં સ્ત્રી પુરુષ વચ્ચેના વોટીંગના જેન્ડર ગેપમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. સીધી ભાષામાં કહું તો ટકાવારી પ્રમાણે સ્ત્રીઓ પણ લગભગ પુરુષો જેટલા પ્રમાણમાં જ ઘરનો ઉંબરો ઓળંગી હવે વોટ આપી રહી છે.
ઉત્તર પ્રદેશ જે સીટોની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે ત્યાં સ્ત્રી પુરુષ વચ્ચેનો જેન્ડર ગેપ એક ટકા કરતાં પણ ઓછો છે. આ સિવાય તમિલનાડુ,બંગાળ, રાજસ્થાન, પંજાબ, આંધ્ર પ્રદેશ, આસામ જેવા રાજ્યોમાં પણ જેન્ડર ગેપ એક ટકા કરતાં ઓછો છે. ગુજરાતમાં જેન્ડર ગેપ સૌથી વધારે 6.18% છે મહારાષ્ટ્રમાં 3.74% છે. ભારતના ઘણા રાજ્યોમાં જેવા કે ઉત્તર પ્રદેશ ,મહારાષ્ટ્રમાં મંગળસૂત્ર પહેરવાનું ચલણ પરંપરાગત રીતે વધુ છે અને એની સેન્ટિમેન્ટલ વેલ્યુ પણ ખૂબ વધારે છે.
કડવા ચૌથનાં વ્રતની વધતી જતી માર્કેટ વેલ્યુ એ બજાર દ્વારા રાજ્યના સપોર્ટથી ઉભી થઈ રહેલ ભયંકર રૂઢિવાદી નેક્સસની નિશાની છે..અને સ્ત્રીઓ એમની સૌથી મોટી કન્ઝ્યુમર છે... હાલના તબક્કે રાજકીય પક્ષો માટે ઘટતા જતા જેન્ડર ગેપને કારણે સ્ત્રીઓને એક મહત્વના વોટીંગ બ્લોક તરીકે જોવો પ્રાથમિકતા બની ગઈ છે. અને એટલે જ આજના સમયમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ચૂંટણી કટોકટી વાળી હોય ત્યારે સ્ત્રીઓ મતદાર તરીકે ચુંટણીમાં સ્વિંગ ઊભું કરી પાસા પલટી શકે છે.
પાંચ વર્ષ પહેલા લોકનીતિ CSDS દ્વારા એક અભ્યાસ 11 રાજ્યોમાં "સ્ત્રીઓ અને રાજકારણ" ઉપર થયો હતો. જેનું સેમ્પલ 6,348 સ્ત્રીઓનું હતું. જેના બે તારણો આ વડાપ્રધાનના ભાષણના સંદર્ભમાં ટાંકવા મહત્વના લાગે છે તે છે કે ચારમાંથી એક સ્ત્રી ભાજપની ટેકેદાર છે અને 18 થી 20 વર્ષની ઉંમરની યુવતીઓ ભાજપને પક્ષ તરીકે સૌથી વધુ પસંદ કરે છે. ભાજપનો નિશાનો મંગળસૂત્ર થકી સ્ત્રીઓ સુધી પહોંચવાનો કેમ છે તેનો આ આંકડા ચોક્કસપણે એક દિશા નિર્દેશ કરે છે.
---
સૌજન્ય: ફેસબુક
टिप्पणियाँ