ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ/ ધાર્મિક મેળાઓમાં/ પૂનમમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. દિવસે દિવસે ભીડ મોટી થતી જાય છે ! ભક્તોની દલીલ હોય છે :
[1] લોકોને આમંત્રણ અપાતું નથી, લોકો પોતાની મેળે આવે છે.
[2] દાન લેવાતું નથી.
[3] તમે 10 માણસોને જમાડી જૂઓ, જ્યારે અહીં હજારો લોકો વિના મૂલ્યે જમે છે.
[4] રુબરુ આવીને, સેવાકીય પ્રવૃતિ જોઈને લખો.
[5] કેટલાંયને અંધશ્રદ્ધામુક્ત કર્યા/ વ્યસનમુક્ત કર્યા તે જૂઓ !
સાયન્સની પ્રગતિ થતાં અંધશ્રધ્ધા ઓછી થશે એ ગણતરી ખોટી પડી છે. સાયન્સના/ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ અંધશ્રદ્ધા ફેલાવવામાં થયો. ટીવી પરની ધાર્મિક ચેનલો/ ફેસબૂક પર ભૂવાજીના વીડિયોનો જબરો મારો થઈ રહ્યો છે. એક પણ ધર્મ/ સંપ્રદાય એવો નથી કે જેણે માઈક/ લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હોય ! હવાઈ જહાજનો/ કાર/ ટ્રેન/ મોબાઈલનો/ ઈન્ટરનેટનો વિરોધ કર્યો હોય ! વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને જ વિજ્ઞાનને ભાંડવાની ફેશન બની ગઈ છે. ભક્તોની દલીલોની સ્પષ્ટતા કરીએ :
[1] ‘લોકોને આમંત્રણ અપાતું નથી, લોકો પોતાની મેળે આવે છે.’ આ દલીલ તદ્દન ખોટી છે. શ્રદ્ધાળુ લોકોને પોતાની તરફ ખેંચવા સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચાલે છે. ભૂવાજીના ફોટાને ‘પાપી હશે તે લાઈક નહીં કરે’ એવી સૂચના સાથે પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર સાહિત્ય વહેંચાય છે. સીડી વહેંચાય છે. કાર પર સ્ટિકર મારવામાં આવે છે. રાજકીય નેતાઓ/ કોર્પોરેટ કથાકાર/ પોલીસ અધિકારીઓ સાથે ફોટા મૂકવામાં આવે છે. અઠવાડિયાના ચોક્કસ વારે હાજર રહેવા જણાવવામાં આવે છે. પ્રવચનો થાય છે. શું શ્રદ્ધાળુ લોકોને આકર્ષવાની આ ટેક્નિક નથી?
[2] ‘દાન લેવાતું નથી’, તે બાબત પણ ચમત્કાર માટે ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. જો દાન લેવાતું ન હોય તો હજારો લોકોને ભોજન કઈ રીતે આપી શકાય? વાહનોમાં કઈ રીતે ફરી શકાય? દાન લીધા વિના જો દિવ્યશક્તિ ભોજનની વ્યવસ્થા કરતી હોય તો ચોક્કસ સ્થળ માટે જ કેમ? આખા ગુજરાતમાં ભૂખ્યા લોકોને જમાડી ન શકાય? એક પણ ધર્મસંસ્થા કે ધર્મગુરુ બતાવો જે લોકોને પેતાના આવક-જાવક-ખર્ચના હિસાબ આપતા હોય? ધાર્મિક સંસ્થાઓમાં બધું અપારદર્શક કેમ?
[3] જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે, 1876માં સદાવ્રત શરુ કર્યું હતું. સદાવ્રતમાં નાતજાતના ભેદભાવ વિના ભોજન અપાય છે. ગરીબનું પેટ ઠારવાનો હેતુ છે. જયાં રોટલાનો ટુકડો ત્યાં હરિ ઢૂંકડો; એ વિચાર છે. પરંતુ હાલના સદાવ્રતો ધંધો વિકસાવવા માટેના છે. ગરીબીની સમસ્યા, સદાવ્રતો ચાલુ રાખીને ઉકેલી શકાય? સદાવ્રત/ દાન/ સખાવત આપણી જવાબદારી ખંખેરી નાખવા માટેનો રસ્તો છે? આ તો ગરીબોને મફત ભોજનની લત લગાડવા જેવું છે. સદાવ્રતના સ્થળોને પુષ્કળ દાન મળે છે. દાન આપનારને પુણ્યની ગઠરી બાંધ્યાનો સંતોષ થાય છે. સદાવ્રતથી સામાજિક પરિવર્તન થતું નથી પણ સમાજમાં ઈરરેશનલ અભિગમ દ્રઢ થાય છે. એટલે જ ગાંધીજીએ, 13 ઓગસ્ટ 1925 ના રોજ ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું હતું : ”જે તંદુરસ્ત માણસે પોતાના ભોજન માટે પ્રામાણિકપણે શ્રમ ન કર્યો હોય, તેને મફત જમાડવાનો વિચાર મારી અહિંસા સહી નહી શકે. જો મારા હાથમાં સત્તા હોય તો હું મફત ભોજન આપનાર એકેએક સદાવ્રત બંધ જ કરાવી દઉં. એણે પ્રજાના ગૌરવને હલકું પાડ્યું છે; આળસ, નિષ્ક્રિયતા, દંભ અને ગુનેગારવૃત્તિને પણ પોષી છે. ખોટી જગ્યાએ બતાવેલી આવી ઉદારતા દેશની આર્થિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો ઉમેરો કરતી નથી, અને દાતાના મનમાં દાનધર્મ કર્યાનું ખોટું સમાધાન ઊભું કરે છે. ‘શ્રમ નહી, ભોજન નહી’ એ નિયમ રહેવો જોઈએ.”
[4] મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓની દલીલ હોય છે કે ‘રુબરુ આવીને, સેવાકીય પ્રવૃતિ જોઈને લખો.’ ધર્મસંસ્થાઓ પબ્લિક લેજિટિમસી-લોકમાન્યતા માટે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આવી પ્રવૃતિઓનો પ્રચાર થાય છે અને વધુ ડોનેશન મેળવે છે ! 26 જાન્યુઆરી 2001ના રોજ, કચ્છમાં ભૂકંપ આવ્યો. તે સમયે કચ્છમાં સેવાકીય પ્રવૃતિ માટે પાંડુરંગ શાસ્ત્રીએ UK/ અમેરિકાથી કરોડો રુપિયાનું ડોનેશન ઉઘરાવ્યું. તે રકમ કચ્છમાં વાપરવાને બદલે પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના જુદા જુદા ટ્રસ્ટમાં જમા કરાવી દીધી ! ઊહાપોહ થયો. મોટું ડોનેશન આપનાર સ્વાધ્યાયી પંકજ ત્રિવેદીએ હિસાબ માંગ્યો તો તેમની હત્યા કરવામાં આવી ! આશારામ/ રામ રહીમ/ રામપાલ/ સૂરજ ભૂવાજી વગેરે ઉદાહરણો આપણી સામે છે જ !
[5] દરેક ધર્મના-સંપ્રદાયના ગુરુઓ/ પ્રગટ બ્રહ્મસ્વરુપો વરસોથી 'અંધશ્રદ્ધામુક્ત કર્યા/ વ્યસનમુક્ત કર્યા'નો દાવો કરે છે; તેમ છતાં ફરક કેમ પડતો નથી? વ્યસન સમજદારી અને શિક્ષણથી દૂર થાય, જો ધર્મસંસ્થાઓથી વ્યસન દૂર થઈ જતું હોય તો જગતમાં કોઈને વ્યસન જ ન હોય ! અંધશ્રદ્ધા દૂર કરવાનો દાવો કરનારા પોતે જ અંધશ્રદ્ધાઓ/ પરચાઓ ફેલાવતા હોય છે ! સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું સાહિત્ય પરચાઓથી ભરેલું છે ! અંધશ્રદ્ધા હંમેશા ભૂવાજીઓ/પૂજારીઓ/ મૌલવીઓ/પાદરીઓને ફાયદો કરાવે છે અને શ્રદ્ધાળુ લોકોને નુકસાન કરાવે છે. કોઈપણ ધર્મસંસ્થાનો આધાર જ અંધશ્રદ્ધા હોય છે ! વ્યસનમુક્તિના ઓઠા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવવી તે જ મોટું ઘાતક વ્યસન છે !
સવાલ એ છે કે ધર્મસ્થળોએ માણસો ઊભરાય છે કેમ? શું લોકો વધારે નૈતિક બની ગયા છે એટલે? શું લોકો પાપમુક્ત થવા ધર્મસ્થળોએ જાય છે? શું છે કારણો?
[1] શ્રદ્ધાળુ લોકોમાં અંધશ્રદ્ધા વધી છે અને વૈજ્ઞાનિક મિજાજમાં ઘટાડો થયો છે. લોકોને વિજ્ઞાનના સિદ્ધાંતો શુષ્ક લાગે છે, પરંતુ ધાર્મિક બાબતો રોમાંચક અને આનંદદાયક લાગે છે ! ધાર્મિકસ્થળે શાંતિ મળે, ભલે તે ભ્રામક શાંતિ હોય ! લોકો સુખ/ સમૃદ્ધિ/ પૈસા/ સફળતા માટે જાય છે. દુ:નિવારણ માટે જાય છે. ઘરના વડિલો જતાં હોય એટલે પરંપરા મુજબ જાય છે. મારા એક રેશનલ મુસ્લિમ મિત્ર કહે છે : ‘પરીક્ષા નજીક આવે એટલે મારો પુત્ર નમાજ પઢવા લાગે છે. હું એને કહું છું કે વાંચવામાં ધ્યાન આપ !’
[2] શ્રદ્ધાળુ લોકો વધારે નસીબવાદી બન્યા છે. કૃપા થાય તો મેળ પડી જાય તેવી ભાવના હોય છે.
[3] ધાર્મિક સ્થળોએ નાસ્તો/ ચા/ભોજનની વ્યવસ્થા હોય છે. ગરીબ/ મધ્યમવર્ગ મોંઘવારી/ બેરોજગારીથી પીડાતો હોય છે, ત્યાં ધાર્મિકસ્થળોએ થોડો હાશકારો મળે છે.
[4] કોઈપણ સમાજ/ કોઈપણ દેશમાં જ્યાં ગરીબી વધુ છે, બેરોજગારી વધુ છે, મોંઘવારી વધુ છે, ત્યાં ધાર્મિકસ્થળોનું મહત્વ વધારે હોય છે. .
[5] શ્રદ્ધાળુ લોકોમાં પોતાનો ઉદ્ધાર કરાવી લેવાની લાલચ હોય છે. મોક્ષની ગણતરી હોય છે. જીવનની હાડમારીથી છૂટકારો મેળવવાની આશા હોય છે.
[6] ધાર્મિક સ્થળોની, લોકોને આકર્ષવાની જુદી જુદી ટેકનિક હોય છે. પરચાઓ. ચમત્કારો. પ્રચાર સાહિત્ય. યૂટ્યુબ ચેનલ/ સોશિયલ મીડિયાનો ઉપયોગ.
[7] ધર્મગુરુઓ/ કોર્પોરેટ કથાકારો/ ભૂવાજીઓ/ મોટિવેશનલ સ્પીકર્સની આંતરિક ભાઈબંધીથી એક વાતાવરણ બને છે ! એકબીજાની પીઠ થાબડે અને પ્રચાર કરે ! લોકો ભ્રમિત થઈ જાય !
[8] સમાજના પ્રભુત્વ ધરાવતા લોકોની ધર્મસ્થળોની વિઝિટ. પોલીસ/ મામલતદાર/ જજ/ IAS-IPS અધિકારીઓ/ મિનિસ્ટર્સની વિઝિટ. તેના કારણે શ્રદ્ધાળુ લોકો તેમને જોઈને અંજાઈ જાય છે !
[9] જ્યારે લોકો શાળા કરતા ધર્મસ્થળોને વધુ મહત્વ આપતા થઈ જાય, ત્યારે શાળાને નહીં પણ ધર્મસ્થળોમાં દાન આપતા થઈ જાય તો શાળાઓ નબળી પડે, ઓરડાઓની અને શિક્ષકોની અછત રહે અને ધર્મસ્થળો આધુનિક સગવડતાવાળા બને ! ધર્મનું અફીણ વિવેક હણી લે છે. શાળા માણસને ઉદાર બનાવે છે, જ્યારે ધર્મસ્થળો માણસને સંકુચિત/ કટ્ટર બનાવે છે ! બળાત્કારી આશારામ નિર્દોષ છે તેવી ઝૂંબેશ ભક્ત મહિલાઓ ચલાવે છે !
[10] દરેક ધર્મસ્થળનો એક દાવો હોય છે કે ‘અમે સર્વોચ્ચ શક્તિના આશીર્વાદથી વ્યસનમુક્તિનું ઐતિહાસિક કામ કરીએ છીએ. ભૂખ્યાંને જમાડીએ છીએ. તેમના દુ:ખદર્દ દૂર કરીએ છીએ.’ પરંતુ આ સર્વોચ્ચ શક્તિ, માણસ વ્યસની બને તે પહેલાં તેને કેમ અટકાવતી નહીં હોય? આ સર્વોચ્ચ શક્તિ માણસને દુ:ખદર્દ શામાટે આપે છે? ધર્મસ્થળો આ પ્રકારના પ્રશ્નો ઊઠાવવાની સમજનો નાશ કરે છે, એટલે ભીડ વધતી જાય છે.
દુ:ખની વાત એ છે કે આ ધાર્મિક ઘેલછાને સત્તાપક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, આ ઘેલછાયુક્ત ભક્તો સત્તાપક્ષ માટે મતદાર બની જાય છે. તેમને મોંઘવારી/ બેરોજગારી/ ભ્રષ્ટાચાર/ તંત્રની હેરાનગતિ/ મોંઘા શિક્ષણ કે આરોગ્યની ચિંતા સતાવતી નથી. કદાચ ધર્મના નશાના કારણે જ લોકો ધર્મસ્થળો/ ધર્મગુરુઓ/ કથાકારો/ ભૂવાજીના શરણે જઈ રહ્યા છે. લોકોને એમ લાગે છે કે આપણી સમસ્યાઓનો ઉકેલ રાજકીય/ આર્થિક રીતે શક્ય નથી, માત્ર ધાર્મિક રીતે જ શક્ય બનશે ! લોકોની આ માનસિકતાનો લાભ સત્તાપક્ષ/ ધર્મસ્થળો/ ધર્મગુરુઓ/ કોર્પોરેટ કથાકારો/ ભૂવાજીઓ/ ડાયરા કલાકારો/ મેટિવેશનલ સ્પીકર્સ/ સમાજના સ્વઘોષિત નેતાઓ લઈ રહ્યાં છે !
---
સ્રોત: લેખક ની ફેસબુક ટાઈમલાઈન
टिप्पणियाँ