આપણે સૌ જાણીએ છીએ કે વેદની ઋચાઓ થી અને ઉપનિષદના મંત્રથી વસુધેવ કુટુંબકમના આદર્શને ચરિતાર્થ કરતો વૈદિક હિંદુધર્મ અને ભારતીય સંસ્કૃતિ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને કારણે હજારો વર્ષની સામાજિક ગુલામીમાં અને સેંકડો વર્ષની રાજકીય ગુલામીમાં સરી પડી.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા મનુષ્યદ્રોહી, સમાજદ્રોહી, હિંદુધર્મદ્રોહી, ભારતીય સંસ્કૃતિ દ્રોહી સમાજ વ્યવસ્થા હતી અને છે.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાએ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજવ્યવસ્થાનું અધોગતિનું મૂળ હતું અને છે.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને સમજી લીધા પછી અનેક મહાપુરુષોએ એને તોડવા માટે અને નષ્ટ કરવા માટે યુદ્ધના ધોરણે મરણતોલ પ્રયત્નો કર્યા છે. પરંતુ એ દરેક પ્રયત્નો આંશિક સફળતા પછી નિષ્ફળ જ પુરવાર થયા છે.
ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજ વ્યવસ્થા અને ભારતીય રાષ્ટ્ર મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાના અભિશાપમાંથી મુક્ત થઈ આજે સાંસ્કૃતિક સામાજિક અને રાષ્ટ્રીય આઝાદી ભોગવે છે તો તેનું સંપૂર્ણ શ્રેય મહાત્માગાંધી, પંડિતનહેરુ, ડો.આંબેડકર, સરદાર પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને જાય છે.
મહાત્મા ગાંધીએ એક વિચક્ષણ વ્યુહકારની જેમ વર્ણવ્યવસ્થાનો શાબ્દિક વિરોધ ન કરતા સમર્થન કર્યું પરંતુ પોતાના કર્મયોગી પ્રયોગ દ્વારા વર્ણવ્યવસ્થાની જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. અને તે વિરોધ કૃતિમાં મૂર્તિમંત કર્યો.
મહાત્મા ગાંધીએ પોતાના વ્યક્તિગત જીવનમાં વર્ણાશ્રમની વર્ણવ્યવસ્થાની ચારે વર્ણવૃત્તિની સફળ અને સાર્થક સાધના કરી બતાવી.
મહાત્મા ગાંધીએ પોતે વણિક હોવા છતાં પોતાના વ્યક્તિગત જીવનમાં અપરિગ્રહના વ્રત દ્વારા ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત ચરિતાર્થ કરી બતાવ્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પ્રત્યાઘાતી સામંતી કુસંસ્કારો અને દુરાચારો છોડીને સાચો ક્ષત્રિય ધર્મ આચરી બતાવીને ભારત વર્ષનાં કરોડો શોષિતો વંચિતો ગરીબોનું રક્ષણ કરીને તેમને સામાજિક ન્યાય પૂરો પાડ્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પ્રત્યાઘાતી બ્રાહ્મણવાદી કુસંસ્કારો અને દુરાચારો છોડીને ભારતીય સંસ્કૃતિના રિબાતા આત્માનો સાક્ષાત્કાર પામીને તેને અનુરૂપ ભારતીય સંસ્કૃતિના જીર્ણોદ્ધારનું દર્શન રચી આપીને સાચો બ્રાહ્મણ ધર્મ અદા કર્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પ્રત્યાઘાતી મધ્યમ વર્ગીય માનસિકતાવાળા નવ્ય સામંતી કુસંસ્કારો અને દુરાચારો છોડીને શૂદ્રત્વના અભિશાપમાંથી મુક્ત થઈને સાચું સેવકત્વ ગ્રહણ કરીને સમાજની વ્યાપક સેવા કરી.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પોતાના વ્યક્તિત્વમાં બ્રાહ્મણધર્મની, ક્ષત્રિયધર્મની, વણિક ધર્મની અને સેવકધર્મની એકસાથે સાતત્યપૂર્વક ચારે વર્ણ વૃત્તિની આરાધના સાર્થક કરી બતાવી.
મહાત્મા ગાંધીના ચારે વર્ણવૃત્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાના સાર્થક પ્રયોગની અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ના, તથા ગુજરાતથી લઈને આસામ સુધીના કોંગ્રેસી નેતા અને કોંગ્રેસી કાર્યકરોએ પોતાના વ્યક્તિગત જીવનમાં તેમજ પોતાના સંસ્થાકીય જનજીવનમાં મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને મહાત્મા ગાંધીની વર્ણવૃતિમાં રૂપાંતરિત કરવા પોતાનું જીવન હોમી દીધું.
આમ મહાત્મા ગાંધી, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમગ્ર રાષ્ટ્રના કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ વર્ણવ્યવસ્થાને પડકાર્યા વગર પોતાના વ્યક્તિગત જીવનમાં અને સમાજજીવનમાં વર્ણવૃત્તિ ની સાધના સફળ રીતે કરી બતાવી. જેના કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા મરણતોલ હાલતમાં આવી, જાતિવાદી ભેદભાવ નબળા પડી ગયા અને અસ્પૃશ્યતા હાસ્યાસ્પદ બનવા માંડી.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજવ્યવસ્થામાં વર્ણવ્યવસ્થાને નષ્ટ કરવાના પ્રયત્નો વાંઝિયા નિવડ્યા પરંતુ વર્ણવ્યવસ્થાને પ્રત્યેક વ્યક્તિની આંતરચેતના માં ચારે વર્ણવૃત્તિની સાધના માં રૂપાંતર કરવાની મહાત્મા ગાંધીની ક્રાંતિકારી દ્રષ્ટિ સફળ થઈ.
મહાત્મા ગાંધી એક સફળ સફાઈ કામદાર છે, એક સફળ વણકર છે, એક સફળ મોચી છે, એક સફળ ક્ષત્રિય છે, એક સફળ વણિક છે, અને એક સફળ બ્રાહ્મણ પણ છે.
ખરેખર તો દરેક વર્ણવૃત્તિનો સર્વાંગી સાધક મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ ના આદર્શનો એક માત્ર સાર્થક પુરવાર થયેલો ભારતીય મહામાનવ છે.
---
કોંગ્રેસ પુત્ર, કીમ, ગુજરાત
टिप्पणियाँ