નરેન્દ્ર પુરુષોત્તમને શાપ આપશે?
નરેન્દ્ર મોદીએ ગઈ ૨૯ નવેમ્બરના રોજ મોટે ઉપાડે એમ કહ્યું હતું કે તેમને માટે તો માત્ર ચાર જ મુખ્ય જ્ઞાતિઓ છે: યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો.
પણ ગુજરાતમાં ક્ષત્રિયોને પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાનું અપમાન થયેલું લાગતાં એ મુદ્દે જે કમઠાણ ચાલ્યું છે અને તેમાં પાટીદારો એટલે કે પટેલોનો મોડેથી ઉમેરો થયેલો દેખાય છે; ત્યારે એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ એ જે મહાન વાત કરેલી તેનો ભાજપના નેતાઓ, તેના સમર્થકો અને ભાજપના મતદારો ભાંગીને ભુક્કો કરી રહ્યા છે! તેઓ પોતાના ભગવાનની દિવ્ય વાણીને પણ ઘોળીને પી જાય એ કેવું કહેવાય! નવી ચાર જ્ઞાતિઓની વાત એ તો દિવ્યાત્માની જ વાણી કહેવાય!
અનેક જ્ઞાતિઓનાં અનેક સંમેલનોમાં હાજરી આપનારા અને દલિતોના પગ ધોનારા નરેન્દ્ર મોદીએ કેટલી મહાન વાત કરેલી! હિન્દુ સંસ્કૃતિમાં પાંચેક હજાર વર્ષથી ચાલી આવતી મૂળ જ્ઞાતિ વ્યવસ્થાના અગ્નિસંસ્કાર કરવાની આ વાત મોદીએ બહુ હિંમતપૂર્વક એટલા માટે કરેલી કે કોંગ્રેસ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની તરફેણ કરે છે અને હવે તો તેણે તે વાત તેના ચૂંટણી ઢંઢેરામાં પણ કરી છે.
કોરોનાને લીધે કેટલાં મોત થયાં એનો સાચો આંકડો જાહેર થઈ જાય કદાચ એ બીકે, મોદીએ તો ૧૪૦ વર્ષમાં પહેલી જ વાર દર દાયકે થતી વસ્તી ગણતરી જ ના કરી, એટલે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો તો સવાલ જ ક્યાંથી ઊભો થાય!
નરેન્દ્ર મોદી તો આપણી પરમ્પરાગત જ્ઞાતિ એટલે શું એ જ વિશ્વનાથની કાશીમાં ૨૦૧૪માં ગયા પછી ભૂલી ગયા છે, અને તેઓ એ ભાજપને ભુલાવી દેવા માગતા હતા. જો કે, જ્ઞાતિની વસ્તીને ધ્યાનમાં લઈને ભાજપ ચૂંટણીના ઉમેદવારો નક્કી કરે એ તો તદ્દન પછાત રાજકીય માનસિકતા કહેવાય. નરેન્દ્ર મોદી કંઈ એવી પછાત માનસિકતા ધરાવતા જ નથી એટલે તો એમણે નવી જ ચાર જ્ઞાતિઓ શોધી કાઢેલી.
ભારતના રાજકારણમાં આ કંઈ જેવીતેવી શોધ નથી. આલ્બર્ટ આઈન્સ્ટાઈન દ્વારા તો સામાન્ય માણસને સમજણ જ ન પડે એવા સમીકરણની શોધ થયેલી. પણ નરેન્દ્ર મોદીએ તો, ચાર ચોપડી પાસ તો ઠીક, પણ અંગુઠાછાપ પણ સમજી શકે એવી આ શોધ કરી છે. 'ધ.ધુ. પ.પૂ. બ્રહ્માંડ શિરોમણિ' જેવો કોઈક પુરસ્કાર મોદીને ખુદ બ્રહ્મા દ્વારા મળી શકે એવી આ નવીનતમ શોધ હિન્દુ ધર્મમાં થયેલી છે. હિન્દુઓમાં અત્યારે ૩,૦૦૦ જેટલી જ્ઞાતિઓ અને ૨૫,૦૦૦ જેટલી પેટા જ્ઞાતિઓ હોવાનો અંદાજ છે. એ બધું નરેન્દ્ર મોદી સૌને ભૂલવાડી દેવા માગે છે અને ભારતને જ નહિ, પણ જંબુદ્વીપના એકેએક નાગરિકને વિશ્વગુરુ બનાવી દેવા માગે છે એવા મહાપુરુષના આ જ્ઞાતિવિનાશના સ્વપ્નનું હવે શું થશે?
જ્ઞાતિઓ અને ચતુર્વર્ણને કેન્દ્રમાં રાખીને જ મનુ ભગવાને ઘડેલી 'મનુસ્મૃતિ'નું તો નરેન્દ્ર મોદીએ ચાર નવી જ્ઞાતિઓ રચીને આધ્યાત્મિક કચુંબર કરી નાખેલું; એટલે ભગવાન શિવ પણ એમને ૪૦૦ પાર વરદાન આપી શકે એવી ઘડીએ, આ રૂપાલાએ ન બોલવા જેવું વેણ કાઢ્યું એને પરિણામે નરેન્દ્ર મોદી એમને શાપ આપશે? હવે ૪૦૦ના વરદાનનું શું થશે?
રૂપાલાએ ભૂલથી રૂપાળી જ્ઞાતિવ્યવસ્થા નરેન્દ્ર મોદીને યાદ દેવડાવી લાગે છે! નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન હોવા છતાં આપદ ધર્મ તરીકે અનેક જ્ઞાતિ સંમેલનોમાં જઈને ભાષણો આપેલાં એ કંઈ આ ચૂંટણી ટાણે યાદ ન કરાય. ક્ષત્રિયો એ ભૂલી જાય તો જ તેઓ રૂપાલાને માફ કરી શકે એમ લાગે છે!
નહિ તો, જેઓ નરેન્દ્ર છે એટલે કે જેઓ બધા નરમાં ઇન્દ્ર સમાન છે, એટલે કે સ્વર્ગના રાજા છે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરીને કંઈ પણ કરી શકે છે! હે ક્ષત્રિયો, તમે વહેલી તકે માની જાવ. તમે કહેશો તે ક્ષત્રિય રાજાનું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેટલું જ ઊંચું 'સ્ટેચ્યુ ઓફ કરેજ' નરેન્દ્ર મોદી બનાવી શકે એટલી તાકાત આશરે ₹ ૫૦ લાખ કરોડનું બજેટ હોવાથી એમની પાસે છે જ!
હા, દલિતો, વાણિયા, બ્રાહ્મણો અને જૈનો, બૌદ્ધો, શીખો સહિતના અન્ય ધર્મીઓએ કોઈ ચિંતા કરવાની તસ્દી લેવી નહિ. દિવ્યાત્મા સૌની અંતરેચ્છા જાણે જ છે! આ બધા તીરે ઊભા ઊભા દિવ્યાત્માનો તમાશાલીલા જોયા કરે, કારણ કે ચૂંટણીના મહાસાગરમાં માંહી પડેલા તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રાપ્ત ઐશ્વર્યમાં જેમ્સ બોન્ડની સ્ટાઈલમાં ધનાધન મહાસુખ માણી રહ્યા છે!
---
અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય, અર્થશાસ્ત્રી
टिप्पणियाँ