ખાનગી શાળામાં નહીં, સરકારી પ્રાથમિક શાળામાં સંતાનોના પ્રવેશ માટેની માતા પિતાની લાઈન છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સંખ્યાની મર્યાદા નિશ્ચિત હોય છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યાની મર્યાદા RTE કાયદાથી બિલકુલ નથી.
સુરત શહેરમાં આ રીતે કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓનું મહત્વ વાલીઓના દિલોદિમાગમાં સ્થાપિત કરનાર ઉમદા શિક્ષકોને દિલ ભરીને વંદન. આવું સુરત શહેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં થઈ શકે તો કેટલું ઉત્તમ.
પણ ખરેખર નવી નવાઈની વાત તો એ છે કે ... સરકારી તંત્રમાં શિક્ષણ વિભાગના અજ્ઞાની અધિકારીઓને RTE કાયદાના કક્કા બારખડીની જ ખબર લાગતી નથી. જેના કારણે (1) સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓએ લાઈનો લગાડવી પડે છે, અને જો પ્રવેશ ન મળે તો નિસાસો નાખવો પડે છે. (2) મફત અને ફરજિયાત બાળકોને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકાર RTE નો ભંગ રાજ્ય સરકાર પોતાની વ્યવસ્થામાં જ ઉઘાડે છોગ કરે છે.
વાસ્તવમાં RTE કાયદો કહે છે "કે સરકારી શાળામાં પ્રવેશ માટે કોઈપણ બાળકને, કોઈપણ કારણસર, ક્યારેય પ્રવેશ માટે ના પાડી શકાય જ નહીં (કે પ્રવેશ યાદી Waiting List બનાવી શકાય નહીં. / કે લોટરી ડ્રો કરીને પ્રવેશ આપી શકાય નહીં. "લોટરી ડ્રો કરીને પ્રવેશ પસંદગી આપવાનો નિયમ ફક્ત ખાનગી શાળાઓ પૂરતો મર્યાદિત છે.)" કારણ કે બાળક માત્રને પ્રાથમિક શિક્ષણ સરકારની ફરજિયાત જવાબદારીમાં મૂળભૂત અધિકાર તરીકે સામેલ છે.
અજ્ઞાની અધિકારીઓ અને બિનગંભીર પદાધિકારીઓની होती है, चलती है મનોવૃત્તિના કારણે સુરતમાં આ હકીકત ફરીથી સામે આવી છે. સહજ રીતે સામે સવાલ થાય, તો આ પરિસ્થિતિનું નિવારણ શું ? વ્યવસ્થાની મર્યાદા હોય તો વિદ્યાર્થીઓને પ્રવેશ મર્યાદિત સંખ્યામાં જ આપવો પડે ને ?
RTE મૂળભૂત અધિકાર છે, મૂળભૂત અધિકારના પાલનની જવાબદારી સરકાર માટે અનિવાર્ય છે.
મૂળભૂત અધિકારના પાલન માટે દૂરંદેશીથી આગોતરી વ્યવસ્થાઓ કરવી જોઈએ, જેનું માર્ગદર્શન RTE કાયદામાં લખેલું છે જ. રાષ્ટ્ર નિર્માણમાં બાળક માત્રને શિક્ષણ આપવાની ઘોર બેદરકારીના કારણે જ આવી સ્થિતિનું સર્જન થાય છે. આ માટે કાયમી ઉકેલનો નાનકડો દિશા નિર્દેશ (RTE મુજબ) ...સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પોતાના વિસ્તારમાં 14 વર્ષ સુધીના બાળકોની (ખાસ કરીને છ વર્ષથી નાની ઉંમરના બાળકો) સંખ્યાની માહિતી એકઠી કરીને દર વર્ષે તાજી કરવાની ફરજિયાત છે. *જેના આધારે જે તે શાળા વિસ્તારમાંથી પ્રવેશ ઈચ્છનાર વિધાર્થીઓની સંખ્યાઓના આધારે અંદાજ કરીને પૂરતી ભૌતિક સુવિધાઓ આગોતરી કરી રાખવી જોઈએ. મૂળભૂત અધિકારના પાલન માટે બજેટરી નાણાકીય મર્યાદાઓ હોઈ શકે નહીં, તેમ બંધારણ કહે છે.
બોલો, હવે મારે - તમારે, આપણે સૌએ બાળ પ્રેમી કે શિક્ષણવિદ્ તરીકે કંઈ કરવાનું ખરૂં કે નહીં ?
Comments