થોડાંક દિવસ પહેલાં એક દુકાનમાં ખરીદી કરવાં ગઈ અને એ બહેન જે દુકાન પર બેઠાં હતાં એ ફોન પર વાતો જ કર્યા કરતાં હતાં . હું કંટાળીને આગળ જવા ગઈ તો એ મને કહે , "સોરી ! મારી મમ્મીને હું રોજ આ સમયે ફોન કરું છું કેમ કે એ મંદિરમાં રહે છે અને ત્યાં ઈલેક્ટ્રિસિટી નથી. એ પાંચ રૂપીઆમાં ફોન રોજ ચાર્જ કરાવે અને મારી સાથે વાત કરે." મે પૂછ્યું તારી મમ્મી કેમ એકલી રહે છે, તો એનો જવાબ હતો કે મારા બે ભાઈઓએ મારી મમ્મીને એના ઘરમાંથી કાઢી મૂકી છે એટલે એક ગામના છેવાડે આવેલાં મંદિરમાં રહે છે અને ત્યાં કામ કરે છે . મે કહ્યું ,” તું કેમ તારી મમ્મીની બોલાવી લેતી નથી ? “ તો મને કહે, મારી મા કહે છે કે છોકરીને ઘરે પાણી પણ પીએ તો પાપ લાગે.
આજની તારીખે પણ આ જ માનસિકતા હિન્દુ સોસાયટીમાં મોટાં પાયે જોવા મળે છે. પહેલાં છોકરીઓને ખૂબ દૂર પરણવાવામાં આવતી અને નાની ઉમરે પરણાવી દેવામાં આવતી , કોઈ વાહનવ્યવહારની સગવડ તો હતી નહીં. જો માતાપિતા દીકરીના સાસરે જાય તો બે ત્રણ દિવસ તો રહેવું પડે અને ખાવુંપીવું પણ પડે કેમ કે તે વખતે બહાર જઈને જમવાનું એ સમાજમાં સારું ન ગણાતું , વળી એવી કોઈ વ્યવસ્થા પણ ન હતી . હવે જો માતાપિતા દીકરીના ઘરે રહે તો દીકરી પર પડતાં દુ:ખો , વેદના વિષે જાણે અને અવાજ ઉઠાવે . પણ જો માતાપિતા દીકરીના ઘરે આવે જ ના તો દીકરીની મનોદશા અને વ્યથા વિષે ખબર જ ન પડે. ઉપરાંત, પહેલાં બહુપત્નીપ્રથા પ્રચલિત હતી એટલે કેટલીક પત્નીને સારી રીતે રાખે અને કેટલીકને ખૂબ જ ખરાબ. એ બધુ ખૂબ જ સારી રીતે છુપાવી શકાય એટલે માતાપિતાને ઘરમાં બોલાવવાના જ નહીં !
વળી ભારતીય સમાજોમાં દીકરીના માતપિતાનો દરજ્જો દીકરાના માતાપિતા કરતાં નિમ્ન કક્ષાનો. એ દરજ્જો નીચો જ રહે અને માતાપિતા છોકરી માટે અવાજ ઉઠાવે નહીં એટલે આ રિવાજને “ સંસ્કૃતિક મૂલ્ય “ બનાવી દીધું કે દીકરીના ઘરે રહે તો પાપ લાગે. આ એક ખૂબ જ વિચારેલી પિતૃસત્તાક સમાજની વ્યૂહરચના છે કે છોકરીઓ માટે બને તેટલી સપોર્ટ સિસ્ટમ ઓછી કરવી જેથી છોકરી પોતાના હક્કો માટે બોલે જ નહીં ને દબાયેલી રહે.
મે કેટલાય માતાપિતાને જોયા છે કે દીકરીના સાસરે જવાનું થાય તો એ ઘરેથી પાણી અને જમવાનું લઈને જાય. ભણેલીગણેલી છોકરીઓ પણ કહેશે ,"મારા માતાપિતા મારા ઘરે નહીં આવે કેમ કે એમને બહુ ત્રાસ પડે અને હું પણ એ લોકો આવે એવો આગ્રહ જ ન રાખું“ .
એક બીજી પ્રથા એ છે કે જો દીકરીના સાસરે ખાય તો પૈસા કે મોંઘી ગિફ્ટ આપવી , જેથી એવું કહેવાય કે મે દીકરીના ઘરે મફત ખાધું નથી. આ પ્રથા દીકરીની સુરક્ષા ને સલામતી માટે ખૂબ જ ખતરનાક છે. આ અંગે પુન:વિચાર કરવાની જરૂર છે .
- હવે તો સમજો ,છોકરીઓ ભણે છે ;એનામાં પણ આ પ્રથા પાછળ સારાસારનો વિવેક સમજવાની શક્તિ કે સમજણ હોવી જોઈએ. સાથેસાથે છોકરીઓનાં પતિએ પણ સમજવું જોઈએ કે મારી પત્નીના માતાપિતા એ મારા પણ માતાપિતા છે , કેમ કે ઘરમાં પરણીને આવનાર દીકરી જો સાસુસસરાને માતાપિતા તરીકે સ્વીકારી સેવા કરતી હોય તો એનો પતિ કેમ નહીં ? ક્યાં સુધી છોકરી અને એના પિયરીયાનું સ્થાન સમાજમાં નીચું જ રહેશે ? છોકરીઓ અને પત્ની પર જોક્સ મારવા એ જુદી બાબત છે અને પત્નીની વાસ્તવિક પરિસ્થતિ સમજવી એ તદ્દન જુદી બાબત છે.
છોકરીઓ પરણે પછી એ કમાતી હોય તો એના પૈસા પણ ન લે ! અરે તમે જન્મ આપ્યો, ભણાવીગણાવી ત્યારે એ પગભર થઈ છે ને? માબાપ કેમ એના પૈસા ન લઈ શકે? એક જ દલીલ "છોકરીઓનાં પૈસા લઈ કયા ભવમાં છૂટવું?" કેટલાંક સમાજમાં તો એવી દલીલ કરવામાં આવે છે કે જો દીકરીના પૈસા લઈએ તો એને માતાપિતાની મિલકતમાં ભાગ આપવો પડે એટલે દીકરીના પૈસા હરામ કહેવાય !
દીકરી તરીકે એને બિચારી રાખવાની એક તક પણ નહીં ગુમાવવાની. પિયરમાં એ જાય તો મહેમાનની જેમ જ . મોટાભાગની દીકરીઓ માટે માતાપિતાની ઘરની નિર્ણાયક બાબતોમાં એને અભિપ્રાય આપવાનો હક્ક જ નહીં . ઢગલાબંધ છોકરીઓ મારી આગળ ફરિયાદ કરે કે જો માબાપની ઘરે કોઈ વાતમાં અભિપ્રાય આપીએ તો તરત જ બૂમરેંગ ફેંકવામાં આવે કે પરણેલી છોકરીઓ પિયરની વાતોમાં બોલવાનું ન હોય !
જેટલાં માતાપિતા છોકરાઓના છે એટલા જ છોકરીઓનાં છે. એમનો હક્ક છે પોતાની દીકરીનું હિત જોવાનું અને દીકરીનો હક્ક છે માતાપિતાની ગરિમા અને સ્વમાન જાળવી રાખવાનું! ને માબાપની ફરજ છે કે દીકરીનું સ્વમાન અને ગરિમા જાળવવાની! "પાપના પોટલાં" ના નામે એને "એકલી" મૂકી નહીં દેવાની.
टिप्पणियाँ