25 મે 2024ના રોજ, રાજકોટના ‘TRP ગેમઝોન’માં આગ લાગવાથી 33 લોકો બળીને કોલસો થઈ ગયા ! મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. બીજા દિવસથી સરકારે મૃત્યુ આંક સ્થગિત કરી દીધો છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના વેળાએ પણ મૃત્યુઆંક 135 પછી સરકારે સ્થગિત કરી દીધો હતો ! સમાચાર સંસ્થાઓ પણ રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુ આંક 33 દર્શાવે છે; જ્યારે હોસ્પિટલમાં પોતાના સ્વજનોને શોધવા લોકો અહીં તહીં ભટકી રહ્યા છે, ત્રણ દિવસ થયા છતાં કોઈ જવાબ આપતું નથી. તંત્ર ઈરાદાપૂર્વક એવું રટણ કરે છે કે મિસિંગ છે ! અરે હરામખોરો ! આ મિસિંગ એટલે શું? મિસિંગ હોય તો 3 દિવસના અંતે ઘેર ન આવી જાય? કોને બનાવો છો? સાચો મૃત્યુઆંક છૂપાવવા ‘મિસિંગ’નું તૂત ઊભું કરો છો? શરમ જેવું છે કે નહીં?
ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ/ પ્રકાશ સોલંકી સહિત કુલ 6 આરોપીઓ સામે IPC કલમ 304 (સજા : 10 વર્ષ કે આજીવન કેદ)/ 308 (સજા : 3 વર્ષ)/ 337 (સજા : 6 મહિના કેદ)/ 338 (સજા: 2 વર્ષની કેદ)/ 114 (સજા : ગુના માટે હોય તે) હેઠળ FIR નોંધવામાં આવી છે. સરકારની ખોરા ટોપરા જેવી દાનત જૂઓ; સરકારે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમના નામો FIRમાં નથી ! સસ્પેન્શન પછી FIRમાં નામો ઉમેરવા પોલીસે કોર્ટને રીપોર્ટ કર્યો નથી ! સરકાર લોકોને મૂરખ બનાવી રહી છે ! સરકારને આ ઘટનામાં કાવતરું દેખાતું નથી ! આરોપીઓનો સામાન્ય ઈરાદો દેખાતો નથી. એટલે જ પોલીસે IPC કલમ-120B/ 34 લગાડી નથી ! આખા ગુજરાતને દઝાડી મૂકે તેવી ગંભીર ઘટનાની ફરિયાદ PSI નોંધાવે છે, ASI નોંધે છે ! શું PI/ACP/DCP હપ્તા લેવા માટે જ હોય છે? આ કોઈ કુદરતી દુર્ઘટના નથી, સરકાર અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારે આચરેલો હત્યાકાંડ છે !
સરકાર શરમવગરની છે જ, તેમના ધારાસભ્ય તો સાવ શરમવગરના છે ! મોતનો મલાજો જાળવવો એ સંસ્કાર છે, ભદ્રતા છે. શોકસભામાં કોઈ ખડખડાટ હસે તો લોકો તેની સામે શંકાની દ્રષ્ટિએ જૂએ ! ગેમ ઝોનમાં લોકો સળગી રહ્યા હત્યા ત્યારે સત્તાપક્ષના ધારાસભ્ય રમેશ ટીલાળાને પત્રકારોએ ફાયર સેફટીનો સવાલ પૂછ્યો તે વેળાએ 'આમાં તો હવે હું ય શું કહી શકું !’ એમ કહીને ધારાસભ્ય હસવા લાગ્યા હતા !
બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે? રમેશ ટીલાળાઓ કેમ હસે છે? તેઓ એટલે હસે છે કે આપણે ધર્મ અને જ્ઞાતિના આધારે મતદાન કરી 182 બેઠકોમાંથી 156 બેઠકો આપી ! કોરોના કાળમાં લાશો ગંગામાં તરતી હતી છતાં વડાપ્રધાને સંસદમાં શરમસંકોચ ત્યજીને ઘોષણા કરી હતી કે કોઈનું મૃત્યુ ઓક્સિજનના અભાવના કારણે થયું ન હતું ! આ મહાજૂઠ સામે આપણે ચૂપ રહ્યા ! મોરબીનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી ગયો. 135 લોકો હોમાઈ ગયા. વડાપ્રધાન 31 ઓક્ટોબર રોજ ગુજરાતમાં સરકારી કાર્યક્રમો કરતા રહ્યા પણ મોરબી ન ગયા. 1 નવેમ્બર 2022ના રોજ વડાપ્રધાને મોરબીની મુલાકાત લીધી હતી. મોરબીની શેરીએ શેરીએ મોતનો માતમ છવાયેલો હતો; હોસ્પિટલમાં લાશો પડી હતી; ઘાયલ લોકો કણસી રહ્યા હતા; ત્યારે હોસ્પિટલનું રંગરોગાન કરવામાં/તાત્કાલિક સુવિધાઓનો દેખાડો કરવા 8 કરોડનો ખર્ચ કર્યો ! 11 કરોડના ખર્ચે મોરબીના રસ્તાઓ તાબડતોબ રીપેર કરાવ્યા ! બીજી વ્યવસ્થા, સુરક્ષા, માટે 3.5 કરોડનો ખર્ચ કર્યો ! ઈવેન્ટ મેનેજમેન્ટ પાછળ 2 કરોડ અને ફોટોગ્રાફી/વિડીઓગ્રાફી માટે 50 લાખનો ખર્ચ કર્યો ! કુલ રુપિયા 30 કરોડથી વધુ ખર્ચ થયો ! મોરબી કલેક્ટરે RTI એક્ટિવિસ્ટ દિપક પટેલને આ માહિતી આપી હતી. શું આ ખર્ચ એ મૃતકોની અને મોરબીના લોકોની મજાક ન કહેવાય? ત્યારે આપણે ચૂપ રહ્યા હતા ! વડાપ્રધાન શરમસંકોચ વિના કહે છે કે જાજા છોકરા વાળા/ ઘૂસણખોરો તમારી ભેંસ લઈ જશે ! મહિલાઓના મંગળસૂત્ર લઈ જશે ! બીજે દિવસે વડાપ્રધાન કહે છે કે હું તો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાવા જતો ! આવા મહાજૂઠ અને દંભના અતિરેકના કારણે સત્તાપક્ષના ધારાસભ્યો/ સંસદસભ્યોને ક્યારે શું બોલવું તેનું ભાન રહ્યું નથી ! એટલે જ રુપાલાએ શરમજનક બકવાસ કર્યો હતો !
આગમાં જીવતા સળગનારા હિન્દુઓ ! પાણીમાં ડૂબનારા હિન્દુઓ ! આરોપીઓને છાવારનારા હિન્દુઓ ! છતાં આપણે સળગતા/ ડૂબતા બાળકોનો વિચાર કરતા નથી અને ભેંસ/મંગળસૂત્રની ચિંતામાં સંવેદનહીન/ શરમવગરના નેતાને મત આપીને સુરક્ષાની અપેક્ષા રાખીએ છીએ ! જે શાસકો બળાત્કારીઓ/ હત્યારાઓને જેલ મુક્ત કરે; તેમનું તિલકથી સન્માન કરે તે આપણા પ્રત્યે સંવેદના રાખે ખરા? સંવેદના સંવેદના હોય, તે હિન્દુ મુસ્લિમ ન હોય. જેમની સંવેદના જ્ઞાતિ/ધર્મ જોઈને જાગતી હોય તે ખતરનાક હોય છે ! તે બીજાના મોત વેળાએ હસતો હોય છે ! તે મૃતદેહો હોસ્પિટલમાં પડ્યા હોય ત્યારે રંગરોગાન કરાવે છે ! જેવા વડાપ્રધાન તેવા તેમના ધારાસભ્યો-સંસદસભ્યો અને ભક્તો ! ચરિત્ર ઉપરથી નીચે તરફ ઝમતું હોય છે ! રમેશ ટીળાલાના હાસ્યમાં મને તો ગોડસેનું હાસ્ય દેખાય છે !
---
સ્રોત: ફેસબુક
टिप्पणियाँ