આજે કોઈ ગુજરાતી એ કલ્પના પણ ન કરી શકે કે વર્ષ ૧૮૩૯ માં જૂનાગઢમાં જન્મેલા એક ગુજરાતી વિશ્વ પ્રસિદ્ધ બની શકે! પણ આપણે એ ગુજરાતીને કદાચ વિસરી ગયા છીએ જેમણે ગિરનારના અશોક શિલાલેખને દોઢસો વર્ષ પૂર્વે ઉકેલી આપ્યો.આ વિદ્વાન એટલે ભગવાનલાલ ઈન્દ્રજી. ૭ નવેમ્બર, ૧૮૩૯ ના દિવસે જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જૂનાગઢના એ સમયે અંગ્રેજી શિક્ષણની સગવડ ન હોવાને કારણે તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું પણ પાછળથી તેમણે ખપ પૂરતું અંગ્રેજી જાણી લીધું હતું.
પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પિતા ઈન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ સાથે ગીરનારની તળેટીમાં ઉછરેલા આ કિશોરને અશોકનો શિલાલેખ ઉકેલવાની ઈચ્છા જાગી અને એ વાસ્તવિક પણ બની. ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ સૌરાષ્ટ્રના એ સમયના પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ્ પાસેથી મેળવી. એના આધારે તેમણે પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોની સૂચિ પોતાના જર્નલમાં છપાવી.ભગવાનલાલે જૂનાગઢના મણિશંકર કીકાણી પાસેથી ૧૮૫૪ માં તેની નકલ મેળવી. તેની મદદથી ગિરનારનો શિલાલેખ ઉકેલ્યો.
એ કે ફોર્બ્સ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ થયા ત્યારે તેમણે ભગવાનલાલની જૂના શિલાલેખો જાણનાર અને ઉકલનાર તરીકેની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમણે તેમનો મેળાપ ડોકટર ભાઉ દાજી સાથે કરાવ્યો .ભગવાનલાલને ભાઉ દાજીએ મુંબઈ આમંત્રિત કર્યા અને વર્ષ ૧૮૬૧ માં ભગવાનલાલ ગીરનાર રુદ્રદામાના તથા સ્કંદગુપ્તના શીલાલેખોના પોતાના ઉકેલો તથા ક્ષત્રપોના સાહીઠ અપ્રાપ્ય સિક્કા પોતાની સાથે મુંબઈ લઈ ગયા.ડો ભાઉ દાજીની ભલામણથી રોયલ એશિયાટિક સોસાયટીના પ્રમુખ એચ ન્યૂટને ગિરનારના શિલાલેખોનું સંશોધન ભગવાનલાલના ઋણસ્વીકાર સાથે સોસાયટીના સામયિકમાં પ્રકાશિત કરી.વર્ષ ૧૮૬૨ માં તેઓ કાયમ માટે મુંબઈમાં સ્થાઈ થયા. જૂનાગઢના નવાબે પ્રતિ માસ ૨૦૦ રૂપિયાના પગારે તેઓને પુરાતત્વના સંશોધન કરવાની વ્યવસ્થા કરી આપી હતી.
અજંતાની ગુફાઓમાંના ચિત્રો તથા લેખોની નકલો કરી ભગવાનલાલે તેને વિશ્વ સમક્ષ મૂક્યા. નાસિક, કાર્લા, ભાજા, બેડસા, નાના ઘાટ વગેરેના લેખ ઉકેલ્યા. જેસલમેરના જૈન ધર્મના દુર્લભ ગ્રંથોની નકલો કરી .ઓમકારેશ્વર થી શરુ કરી ઉજજૈન અને ઉત્તર ભારતમાં તેમજ બલુચિસ્તાન, તિબેટ અને છેક નેપાળ સુધી મહિનાઓ સુધી તેઓ ફર્યા અને ત્યાંના મંદિર ,સ્તંભો ના ફોટા લઈ જૂના લેખોની નકલ કરી. તે વિશેના લેખો હરિલાલ માધવજી ભટ્ટે 'પુરાતત્વ' સામયિકમાં પ્રકાશિત કર્યા.તેમનું આગવું પ્રદાન નેપાળના સમાજજીવનના નિરીક્ષણો છે .ત્યાંનો ઇતિહાસ અને સમાજજીવન વિશેના ગુજરાતી લખાણો જર્મન વિદ્વાન ડો બુહલરે અંગ્રેજીમાં અનુવાદ કરી પ્રકાશિત કર્યા.
રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાએ તેમને વર્ષ ૧૮૭૭ માં માનદ સભ્ય બનાવ્યા .લંડન યુનિવર્સિટીએ વર્ષ ૧૮૮૪ માં તેમને ડોકટર ઓફ લિટરેચર ની.પદવીથી નવાજ્યા હતા. બ્રિટિશ રોયલ એશિયાટિક સોસાયટીએ તેમને આજીવન સભ્યપદ આપી સન્માનિત કર્યા .વીરચંદ ધરમસેએ વર્ષ ૨૦૧૨ માં આ મહાન ગુજરાતીના જીવન વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. 'Bhgvanlal Indrji (1839- 88) The First Indian Archaeologist' આ પુસ્તક ગુજરાતીમાં પણ પ્રકાશિત થયું છે.
પંડિત ભગવાનલાલ માત્ર પુરાતત્વના અભ્યાસી ન હતા પણ એ સમયના ગુજરાત અને ભારતના સમાજ વિશે પણ લખતા અને તે પણ સુધારાવાદી દ્રષ્ટિકોણથી. વર્ષ ૧૯૩૪ માં ગુજરાત વિદ્યાસભા દ્વારા નવલરામ ત્રિવેદી લિખિત પુસ્તક "સમાજ સુધારાનું રેખાદર્શન" પ્રકાશિત થયું.આ પુસ્તકમાં લેખકે ભગવાંનલાલના કેટલાક સામાજીક નિરીક્ષણો ટાંકે છે. તે અહી રજુ કરું છું:
"થોડાં વર્ષો પહેલાં (હિન્દુઓ) જ્યારે મુસલમાનો પાસેથી જલેબી અને ઢોકળાં (નાનખટાઇ) શીખ્યાં ત્યારે તે ખાદ્ય ઘણું અપવિત્ર અને ભ્રષ્ટ ગણાતું હતું .પણ આ મીઠું લાગવાથી હવે તો દેવતાના ભોગમાં મુખ્ય વસ્તુ જલેબી ને ઢોકળાં થઈ પડ્યાં છે. તેમ જ હાલના પાંઉ બિસ્કુટ ખાનારા વટલેલ ગણાય છે(તે) સાથે બેસશે."
"ગુજરાત અને કાઠીયાવાડના લોકો વિધવાઓ કાળા રંગના લૂગડાં પહેરવાં એ તેમનો યોગ્ય પોષાક ગણે છે.પણ.મહારાષ્ટ્રના લોકો તેથી ઊલટું જ માને છે.કાળો પોષાક એ તેઓ સૌભાગ્યવતીનું ચિહ્ન માને છે બીજો રંગ તેઓની વિધવા પહેરશે પણ કાળો કદી પહેરશે નહી."
---
*સૌજન્ય: ફેસબુક
टिप्पणियाँ