ભાઈએ એક વાર કહેલું: મેરા કયા હૈ? ફકીર હૂં.., ઝોલા લેકર ચલા જાઉંગા... વગેરે. હમણાં કન્યાકુમારી ખાતે ફોટોગ્રાફિક ધ્યાન ધરીને દિલ્લી પરત આવ્યા. ગળગળા સાદે કહ્યું કે, "ધ્યાન વખતે મને વૈરાગ્ય આવી ગયેલો." હવે ધર્મગ્રંથોમાં એવો કોઈ દાખલો નથી કે, વૈરાગ્ય આવી ગયા બાદ કોઈએ ફરી રાજપાટ સંભાળ્યું હોય. પરંતુ એવા અનેક દાખલા છે કે, રાજપાટ છોડી સંન્યાસી થઈ ગયા હોય અને ક્યારેય ફરીથી રાજપાટ માટે પરત ના ફર્યા હોય.
દક્ષના અસંખ્ય પુત્રો નારદને કહેવાથી સંન્યાસી થઈ ગયા હતા.
ઋષભદેવ રાજા હતા. વૈરાગ્ય આવતાં સંન્યાસી થઈ ગયેલા. તેઓ પાછળથી જૈનોના પ્રથમ તીર્થન્કર થયા. તેમના બે પુત્રો ભરત અને બાહુબલી. બાહુબલી પણ જૈન માર્ગે ગયેલા. ભરત ચક્રવર્તી સમ્રાટ થયેલો. તે પણ રાજપાટ છોડીને સંન્યાસી થઈ ગયેલો.
ચંદ્રગુપ્ત મૌર્ય પણ 12 વર્ષ સતત દુષ્કાળ પડતાં રાજ્ય છોડીને સંન્યાસી થઈ ગયેલો. સતી મદાલસાના સાત પુત્રો માતાનું હાલરડું સાંભળીને બાળપણમાં જ સંન્યાસી થઈ ગયેલા. બાણું લાખ માળવાનો ધણી ભર્તૃહરિ રાજપાટ છોડીને નાથ સંપ્રદાયનો સંન્યાસી થઈ ગયેલો. તેનો ભાણિયો ગોપીચંદ પણ રાજ છોડીને નાથ સંપ્રદાયમાં ગયેલો. તે નવ નાથ પૈકી એક ગણાય છે. કોઈ રાજવંશી સંન્યાસ લીધા પછી એટલે કે વૈરાગ્ય ઊભો થયા પછી ફરી રાજા બન્યા નથી. ફકીર વડા પ્રધાન બને, વચમાં વૈરાગ્ય આવે તોયે ફરી રાજપાટ સંભાળે, એ વળી ફકીરી કેવી? અને એ વૈરાગ્ય પણ કેવો? નર્યો દંભ માત્ર.
---
*RSSના ભારતીય કિસાન સંઘના ભૂતપૂર્વ નેતા
टिप्पणियाँ